બ્રિટનમાં બંધારણ ન હોવા છતાં અરાજક્તા નહીંઃ સી. બી. પટેલ

Wednesday 09th August 2017 10:01 EDT
 
 

અમદાવાદઃ બ્રિટનમાં વસતા ગુજરાતીઓની યુકેમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર ભૂમિકા તેમજ વતનમાં આર્થિક યોગદાન વિષયે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એનઆરજી સેન્ટર દ્વારા ખાસ સેમિનારનું આયોજન ત્રીજી ઓગસ્ટે કરાયું હતું. કાર્યક્રમમાં યુકે સ્થિત ન્યૂઝ વીકલી ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’ના પ્રકાશક-તંત્રી સી બી પટેલ તથા પદ્મશ્રી સાહિત્યકાર વિષ્ણુ પંડ્યા મુખ્ય વક્તા હતા. કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શૈલેષ પટવારી, વાઈસ પ્રેસિડેન્ટ જૈમિન વસા, એનઆરજી ફાઉન્ડેશનના ચેરમેન કે એચ પટેલ તથા કો. ચેરમેન દિગંત સોમપુરા ઉપસ્થિત હતા. કે એચ પટેલે કાર્યક્રમના પ્રારંભે સી બી પટેલ તથા વિષ્ણુ પંડ્યાનો પરિચય આપ્યો હતો. મહેમાનોનું સ્વાગત કરતાં શૈલેષ પટવારીએ જીસીસીઆઈ-એનઆરજી સેન્ટરને સરકાર તરફથી કરાતી મદદની માહિતિ આપી હતી.
એકાવન વર્ષથી યુકેમાં વસતા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી સી બી પટેલે જણાવ્યું કે, યુકેમાં વસતા બિનનિવાસી ગુજરાતીઓનું દરેક ક્ષેત્રમાં ઘણા મોટાપાયે યોગદાન છે સાથે સાથે બ્રિટનમાં ઘણા ગુજરાતીઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. યુકેના દરેક ક્ષેત્ર જેમ કે શિક્ષણ, વ્યવસાય, વેપાર, ધંધા-રોજગારમાં ભારતીયો-ગુજરાતીઓનો સવિશેષ ફાળો છે. બ્રિટન એવો દેશ છે જેનું પોતાનું બંધારણ નથી છતાં આ દેશમાં ક્યારેય અરાજક્તા સર્જાઈ નથી. રામ રાજ્ય અને પ્રજા સુખીને સાર્થક કરતા અહીં દરેક પ્રજાને સમાન હક અને તક મળી રહે છે.
બ્રિટનમાં આશરે સાડા છ કરોડની વસ્તી છે તેમાંથી આશરે આઠ લાખ ગુજરાતીઓ છે. યુકેમાં એ હદે વિદેશીઓને અને ભાષાઓને માન આપવામાં આવે છે કે ગુજરાતી ભાષા શીખવા માટે ઇંગ્લેન્ડ સરકાર તરફથી નાણાકીય તેમજ અન્ય મદદ મળી રહી છે. બ્રિટિશ સંસદમાં ૨૭ બિનયુરોપિયન સાંસદો છે. જેમાંથી ૧૪ જેટલા ગુજરાતી સાંસદો છે. લંડન શહેરમાં જ આશરે ૧૭૭ મંદિરો આવેલા છે.
જોકે બ્રિટનમાં વસવા અને વિકાસ કરવા છતાં ત્યાં સ્થાયી થયેલા ગુજરાતીઓનો ગુજરાત પ્રત્યેનો ભાવ જરા પણ ઘટ્યો નથી. તેઓ ગુજરાતના વિકાસમાં પણ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. ગુજરાતની બેંકોમાં તેમનું કરોડોમાં મૂડીરોકાણ છે. વતનમાં શાળા, કોલેજો, હોસ્પિટલ સહિતના નિર્માણમાં તેમનું માતબર યોગદાન રહે છે.
સી બી પટેલે ગુજરાતી સંસ્કૃતિ અને વિરાસતને જાળવવી જોઈએ એવા સૂર સાથે કહ્યું હતું કે, આ બંને દેશોના ગુજરાતીઓ વચ્ચે સંપર્કસેતુ ઘણો મહત્ત્વનો છે. સક્ષમ ગુજરાતીઓ તથા ભારત સરકાર અને રાજ્ય સરકારે ભારતમાં વસતા લોકોને બ્રિટનની બની શકે તેટલી વધુ મુલાકાત લેવા દરેક રીતે પ્રોત્સાહન આપવું જોઈએ. ગુજરાત સરકાર આ અંગે આમ તો કાર્યરત છે, પણ હજી તે ક્ષેત્રે વધુ આયોજનો કરી શકાય. જેથી ગુજરાતમાં વસતા ગુજરાતીઓ બ્રિટનમાં વસતા ગુજરાતીઓ સાથે વધુમાં વધુ સંપર્કમાં રહી શકે અને બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે આદાન પ્રદાનની તકો સર્જાય. ભારતમાંથી વિદેશમાં શિક્ષણની તકો ચકાસતાં વિદ્યાર્થીઓ માટે તાકીદ કરતાં સી બીએ કહ્યું હતું કે, ભારત અને ગુજરાતમાંથી ઘણા વિદ્યાર્થીઓ યુકેમાં ભણવા માટે આવે છે ત્યારે તેઓ જે શાળા કે કોલેજમાં પ્રવેશ લઈ રહ્યા છે તેની માન્યતા ખાસ ચકાસી જુએ અને હું માનું છું કે એ માટેના ઘણા વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ પણ છે. સી બી પટેલે સોફ્ટ પાવરને પ્રાધાન્ય આપવાનું સૂચન કરતાં જણાવ્યું હતું કે, આજે બ્રિટનમાં શાકાહાર અને યોગ જેવા ભારતીય પરંપરાને ઉજાગર કરતા પાસાં અપનાવાઈ રહ્યાં છે ત્યારે આપણો સોફ્ટ પાવર એ આપણી સંસ્કૃતિ, આપણા મૂળ છે. આ સોફ્ટ પાવરનો વધારો અને ફેલાવો વિદેશમાં પણ કરવો જોઈએ. કાસ્ટ લેજિસ્લેશન અંગે સી બી પટેલે જણાવ્યું હતું કે, હું અને મિત્ર લોર્ડ નવનીત ધોળકિયા કાસ્ટ લેજિસ્લેશનના કટ્ટરવિરોધી છીએ.
ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે, યુકેનું ભારત માટેનું સૌથી મહત્ત્વનું યોગદાન આપણા દેશ માટે લોકશાહીનું સંસ્થાકીયકરણ છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતી મહાનુભાવો જેમ કે શ્યામજી કૃષ્ણવર્મા, દાદાભાઈ નવરોજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલ પટેલનો ભારત અને યુકેના સંબંધોમાં વિશેષ ફાળો છે. વિદેશી સાહિત્યકારો - લેખકોને પ્રોત્સાહન તેમજ ઓળખ આપવા અકાદમી પ્રયત્નશીલ હોવાનું જણાવી પંડ્યાએ ઉમેર્યું હતું કે, અકાદમી દ્વારા ‘સંવાદ સભા’નું આયોજન કરાયું છે અને તેમાં ભાગ લેવા સહુને આમંત્રણ છે. એકેડમી દ્વારા ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે ‘ભાષા પરિષદ’ પણ કરવામાં આવશે.
ગુજરાત સરકારમાં બિનનિવાસી ભારતીય વિભાગના સચિવ એન. પી. લવિંગિયાએ કહ્યું હતું કે, બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન દ્વારા અનેક પ્રવૃત્તિઓ થાય છે. જેમકે એનઆરજીઓ માટે ગુજરાત કાર્ડની સ્કીમ છે અને આ કાર્ડની કિંમત રૂ. ૨૫૦ છે. આ કાર્ડ હોલ્ડરને સરકારી તથા બિનસરકારી સેવાઓમાં અગ્રીમતા તેમજ પાંચથી આશરે અઢાર ટકાની રાહતનો લાભ અપાય છે. ચેમ્બરના માનદ્ સેક્રેટરી સૌરીન પરીખે આભારવિધિ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter