ડભોડાઃ પાંચ વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયેલા ગાંધીનગર જિલ્લાના દશેલા ગામના યુવાન સહિત ચાર ગુજરાતીના બ્રિટિશ કોલંબિયાના સિક્રેમસ હાઇવે-1 પર મર્સિડીઝ અને ટોઇંગ ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજયા છે જયારે અન્ય 3 ગંભીર ઘાયલ થયા છે. પોલીસ તપાસ પૂરી થયે તમામના મૃતદેહ પરિવારજનોને સોંપાશે. આ ઘટનાના સમાચારથી દશેલા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દુર્ઘટનાનો ભોગ બનેલા દશેલાના મૃતક યુવાનનો નાનો ભાઈ પણ કેનેડામાં ટોરોન્ટોમાં રહે છેે.
દશેલામાં રહેતા નિવૃત્ત પોલીસ ઓફિસર બાબુભાઈ આસોડિયાનો પુત્ર હિરેન (29) પાંચ વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને થોડાક જ સમયમાં તેના પીઆર થઈ જવાના હતા, જેથી તે કેનેડામાં જ કાયમી સ્થાયી થવાના સપના જોઈ રહ્યો હતો. ગત શુક્રવારે હિરેન આસોડિયા અને તેના અન્ય ગુજરાતી મિત્રો બે યુવક અને એક યુવતી પેસેન્જર મર્સિડીઝમાં જઇ રહ્યા હતા, ત્યારે બ્રિટિશ કોલંબિયામાં સિક્રેમસ નજીક હાઈવે-1 પર અકસ્માત નડયો હતો. તેમની મર્સિડીઝ પેસેન્જર વાન અને ટો ટ્રક સાથે અથડાતાં એક યુવતી સહિત ચારેયના મોત નિપજયા હતા. જેમાં દશેલાના હિરેન આસોડિયા, વિશ્વા પટેલ (27), પાર્થ સોલંકી (27) અને અંકલેશ્વરની મિતલ મોદી પ્રજાપતિ (36)નો સમાવેશ થાય છે જ્યારે અન્ય ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.


