અમદાવાદઃ તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે અમદાવાદ સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનની સૌજન્ય મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત અને રાજસ્થાનનો કાર્યભાર સંભાળતા ડેપ્યુટી હાઇ કમિશનર જ્યોફ વેઇનને મળીને ભારત-બ્રિટન સંબંધો અંગે ચર્ચા કરી હતી તો સાથોસાથ તેમને એબીપીએલ ગ્રૂપની પ્રકાશન પ્રવૃત્તિથી માહિતગાર પણ કર્યા હતા.
બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનનું ગુજરાત કાર્યાલય જ્યાં કાર્યરત છે તે શહેરની પ્રતિષ્ઠિત ફાઇવસ્ટાર હોટેલ કોર્ટયાર્ડ મેરિયટની ટી-લોન્જમાં આ ઔપચારિક મુલાકાત યોજાઇ હતી. આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી હાઇ કમિશનર વેઇન સાથે હાઇ કમિશનના પોલિટિકલ ઇકોનોમિક અને કોમ્યુનિકેશન એડવાઇઝર અમી રાણિંગા જ્યારે સી.બી. પટેલ સાથે ભારત સરકારના ભૂતપૂર્વ હાઇ કમિશનર કે.એચ. પટેલ, મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલ અને એબીપીએલ ગ્રૂપના અમદાવાદ કાર્યાલયના બ્યૂરો ચીફ નીલેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
ઉષ્માપૂર્ણ યજમાનગતિ
ડેપ્યુટી હાઇ કમિશનર વેઇન સાથે સાંજના ચાર વાગ્યે મુલાકાતનો સમય નક્કી થયો હતો. નિર્ધારિત સમય પૂર્વે જ હોટેલ મેરિયટ પહોંચી ગયેલા સી.બી. પટેલ અને તેમના સાથીદારો વેઇટિંગ લોન્જમાં બેસીને રાહ જોઇ રહ્યા હતા. આ વાતની જાણ થતાં જ વેઇન સી.બી. પટેલને આકારવા ઉત્સાહભેર તેમના સાથીદાર અમી રાણિંગા સાથે આવી પહોંચ્યા હતા. ‘હેલો સી.બી., મોસ્ટ વેલકમ...’ આ ચાર શબ્દોએ બન્ને વચ્ચેની મુલાકાતની ઔપચારિક્તાનો ભાર હળવો કરી નાખ્યો હતો. આ પછી વેઇન મહેમાનોને ટી-લોન્જમાં દોરી ગયા હતા અને ત્યાં જ બેઠક કરી હતી.
ચર્ચાનું ફલક વ્યક્તિગતથી માંડીને વૈશ્વિક
આ મુલાકાત દરમિયાન વેઇન અને પટેલ વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થઇ હતી. એક સમયે શોપકીપર તરીકે ધમધમતો બિઝનેસ ધરાવતા સી.બી. પટેલ સંન્યાસી પિતાશ્રીના સૂચનથી અખબારી ઉદ્યોગમાં પ્રવેશ્યા હોવાનું જાણીને વેઇન બહુ જ પ્રભાવિત થયા હતા. બ્રિટન અને ભારતના આર્થિક-રાજદ્વારી સંબંધો દસકાઓથી અન્યોન્યને પૂરક બની રહ્યા હોવાનો ઉલ્લેખ કરતા વેઇને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષોમાં આ સંબંધો વધુ સુદૃઢ બનીને વિસ્તરશે. અમદાવાદમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનનો પ્રારંભ થયો ત્યારથી ગુજરાત અને રાજસ્થાનનો કાર્યભાર સંભાળતા જ્યોફ વેઇને રાજ્ય અને દેશની પ્રગતિથી ભારે પ્રભાવિત હોવાનું જણાવ્યું હતું.
જ્યોફ વેઇને સી.બી. પટેલ પાસેથી બહુ રસપૂર્વક ગુજરાત સમાચાર અને એશિયન વોઇસની પ્રકાશન યાત્રાની જાણકારી મેળવી હતી. ક્યા સંજોગોમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસનો આરંભ થયો અને કઇ રીતે ગ્રૂપના પ્રકાશનો જ્ઞાન અને માહિતીથી સમાજને સમૃદ્ધ કરી રહ્યા છે વિશે ઉત્સુક્તાભેર માહિતી મેળવી હતી. વેઇન ગુજરાત સમાચાર અને એશિયન વોઇસની પ્રગતિ અને સામાજિક પ્રદાનથી બહુ પ્રભાવિત થયા હતા.
તેમણે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સાપ્તાહિકો રસપૂર્વક નિહાળવાની સાથોસાથ એબીપીએલ ગ્રૂપ દ્વારા પ્રકાશિત વિવિધ વિશેષાંકો પણ જોયા હતા. દરિયાપારના દેશોમાં પ્રકાશિત થતાં ભારતીય ભાષાના અખબારોમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સૌથી વધુ ફેલાવો ધરાવતા સાપ્તાહિકો હોવાનું જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. જ્યોફ વેઇને આગામી લંડન મુલાકાત દરમિયાન કર્મયોગ હાઉસની મુલાકાત લેવાનું આમંત્રણ પણ સ્વીકાર્યું હતું.
ઉતાવળા સો બ્હાવરા...
આ મુલાકાત દરમિયાન ઉતાવળા સો બ્હાવરા, ધીરા સો ગંભીર કહેવતને ચરિતાર્થ કરતો એક પ્રસંગ બની ગયો હતો, જેનાથી બધા દોડતા થઇ ગયા હતા. હોટેલ મેરિયટની મુલાકાત દરમિયાન શરતચૂકથી સી.બી. પટેલનું બ્રિટિશ પાસપોર્ટ, ઓસીઆઇ કાર્ડ, રૂ. ૨૭,૦૦૦ની રોકડ અને ઇન્સ્યુલિન ઇન્જેક્શન સાથેનું પાઉચ ‘ગુમ’ થઇ ગયું હતું. પરિણામે સી.બી. પટેલના નિયત સમયે લંડન પરત ફરવા અનિશ્ચિતતા સર્જાઇ હતી. જોકે બાદમાં આ પાઉચ મળી ગયું હતું, અને સી.બી. તેમના શિડ્યુલ અનુસાર નિયત ફ્લાઇટમાં લંડન પરત ફર્યા હતા. અલબત્ત, આ સમગ્ર ઘટનાક્રમ ઉચાટભર્યો, પરંતુ રસપ્રદ બની રહ્યો હતો.
ઘટનાક્રમ કંઇક એવો બન્યો હતો કે સી.બી. પટેલ અને કોકિલાબહેન હોટેલ મેરિયટની વેઇટિંગ લોન્જમાં બેસીને બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનરની રાહ જોઇ રહ્યા હતા. આ દરમિયાન જ્યોફ વેઇન તેમના મદદનીશ અમી રાણિંગા સાથે સીધા જ સી.બી. પટેલને આવકારવા આવી પહોંચ્યા હતા. ડેપ્યુટી હાઇ કમિશનરની ઓફિસમાં જવાની રાહ જોઇ રહેલા સી.બી. ખુદ જ્યોફ વેઇન તેમને આવકારવા આવ્યા હોવાનું જાણીને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આથી તેઓ ઝડપભેર ઉભા થયા હતા અને તેમની સાથે વાતોએ વળગ્યા. પળભરમાં તો જ્યોફ વેઇન બધાને ટી-લોન્જમાં દોરી ગયા અને ચા-કોફીનો ઓર્ડર આપ્યો. આ દરમિયાન સી.બી. પટેલનું પાસપોર્ટ-ઓસીઆઇ કાર્ડ અને રોકડ સાથેનું પાઉચ વેઇટિંગ લોન્જમાં જ પડી રહ્યું હોવાનું કોઇનું ધ્યાન ન રહ્યું.
બીજી તરફ, જ્યોફ વેઇન એક બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર તરીકેની તમામ ઔપચારિક્તાઓને બાજુએ મૂકીને સી.બી. પટેલ અને સાથીઓ સાથે ઉષ્માપૂર્ણ માહોલમાં વાતોએ વળગ્યા હતા. લગભગ અડધો કલાક મુલાકાત ચાલી. મુલાકાત પૂરી થયા બાદ સહુ છૂટા પડ્યા. સી.બી. પટેલ અને સાથીઓ અમદાવાદના નવજીવન પ્રેસના આંગણે કર્મ કાફેમાં જીવંત પંથ પુસ્તક પર યોજાયેલી વિચારગોષ્ઠીમાં હાજરી આપવા રવાના થયા.
વિચારગોષ્ઠી કાર્યક્રમ રંગેચંગે પૂરો થયો અને ડીનરનો પ્રારંભ થયો તે સાથે સી.બી. પટેલનું (ઇન્સ્યુલિન સાથેનું) પાઉચ ગુમ થયું હોવાનું ધ્યાને આવ્યું. આજુબાજુ તપાસ કરી, પણ ક્યાંય તેનો અતોપતો ન લાગ્યો. આ દરમિયાન દિગંત સોમપુરાએ હોટેલ મેરિયટમાં ફોન કર્યો અને મહત્ત્વના દસ્તાવેજો અને રોકડ સાથેના ‘પાઉચ’નું પગેરું મળ્યું. હોટેલના બાદશાહ નામના એક કર્મચારીના હાથમાં આ પાઉચ આવ્યું હતું અને તેણે તરત જ આ પાઉચ ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ વિભાગમાં જમા કરાવ્યું હતું. પાઉચમાં સી.બી. પટેલના સ્થાનિક સંપર્કની કોઇ વિગતો નહીં હોવાથી હોટેલ મેનેજમેન્ટ પણ લાચાર હતું. તેમણે આ પાઉચને સેફ કસ્ટડીમાં રાખી દીધું હતું અને ઈન્સ્યુલીન કીટને ફ્રીઝમાં સાચવ્યું હતું. કોઇ વ્યક્તિ આ માટે સંપર્ક કરે તેની રાહ જોઇ રહ્યા હતા. કલાક બાદ રાત્રે નવ વાગ્યે હોટેલના રિસેપ્શન કાઉન્ટર પર પાઉચની ઇન્કવાયરી આવી અને પાઉચ તેના ‘મૂળ માલિક’ના હાથમાં પહોંચી ગયું.
મિત્રો, આ સમગ્ર ઘટનાક્રમ ટાંકવાનું કારણ એટલું જ છે કે લોકોને ખ્યાલ આવે કે એક નાનકડી ભૂલ કેટલી દોડાદોડી કરાવી દેતી હોય છે. જો પાસપોર્ટ અને ઓસીઆઇ કાર્ડ સાથેનું પાઉચ ન મળ્યું હોત તો? છેલ્લી ઘડીએ પ્રવાસ તો રદ કરવો જ પડ્યો હોત, પરંતુ સાથે સાથે પાસપોર્ટ જેવો મહત્ત્વનો દસ્તાવેજ ગુમ થઇ ગયો હોવાથી આવશ્યક કાનૂની કાર્યવાહી પણ કરવી પડી હોત. એક નાનકડી શરતચૂક કેટલી બધી ચિંતા કરાવી દેતી હોય છે? આથી જ તો કહ્યું છેઃ ઉતાવળા સો બ્હાવરા, ધીરા સો ગંભીર... (ફોટોઃ ઝાટકિયા સ્ટુડિયો-અમદાવાદ)