અમદાવાદ, લંડનઃ બ્રિટનમાં રોયલ પરિવારના નાના રાજકુંવર હેરીના લગ્ન મેની ૧૯મી તારીખે અમેરિકન અભિનેત્રી મેગન મર્કલ સાથે થયા છે. પ્રિન્સ હેરી તેમના માતૃપક્ષે મૂળ ભારતના અને ગુજરાતના સુરતવંશી છે, કેમ કે તેમના ‘ડીએનએ’ (Deoxyribonucleic acid- DNA) ના છેડાં છેક સુરત સુધી નીકળે છે. હેરીના આઠમી પેઢીના નાનીમા એલિઝા કેવાર્ક હતા, જેમનો જન્મ આર્મેનિયન અને ભારતીય (સંભવત: ગુજરાતી) દંપતીના સંતાન તરીકે સુરતમાં થયો હતો. એટલે કે એલિઝા અડધાં ભારતીય હતા. એટલે જ તેમની આઠમી પેઢીએ જન્મેલા હેરીના ડીએનએમાં પણ સુરતી લોહી વહે છે. ડીએનએ મેચિંગ દ્વારા સંશોધકોને ખબર પડી હતી કે હેરીના ડીએનએમાં ભારતીય લોહી પણ વહે છે, ભલે આ ડીએનએનું પ્રમાણ અત્યંત ઓછું છે, પરંતુ ભારતનો હિસ્સો છે, તેમાં કોઈ શંકા નથી.
ડીએનએ દ્વારા તપાસ
‘બ્રિટિશ ડીએનએ’ નામની કંપની ૨૦૧૩માં વિવિધ ડીએનએ સેમ્પલનું એનાલિસિસ કરી રહી હતી. એ વખતે બ્રિટિશ રાજવી પરિવારના ડીએનએનો પણ તેમણે ડેટાબેઝ સાથે મેચિંગ માટે અભ્યાસ કર્યો હતો. ડેટા બેઝમાં આખી દુનિયાના મુખ્ય વંશો, પ્રજાના નમૂનારૂપ ડીએનએનો સંગ્રહ હતો, જેના પરથી કોઈ વ્યક્તિનું પેઢીનામું અથવા તો વંશાવળી ક્યાંથી શરૂ થાય છે તેની જાણકારી મળી શકે છે. કોઈ પણ સજીવની શરીરરચના કોષથી થાય છે અને કોષમાં ડીએનએ હોય છે. ડીએનએ એક પ્રકારની વંશાવળી છે, જેમાં જન્મ, કૂળ, વંશ, ખાસિયતો કે લાક્ષણિકતાઓ, બિમારી, વગેરેની આગોતરી વિગત નોંધાયેલી હોય છે. એટલે જ્યારે સંતાન કોનું છે એવું નક્કી કરવાનો પ્રશ્ન આવે ત્યારે ડીએનએ ટેસ્ટનો આશ્રય લેવામાં આવે છે.
સુરતથી ડાયના સુધીનો સંબંધ
સ્કોટલેન્ડથી ભારત (સુરત) આવેલા ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ૨૧ વર્ષીય વેપારી થિઓડોર ફોર્બ્સે આગળ જતાં ૧૭૦૯માં જન્મેલાં એલિઝા સાથે લગ્ન કર્યા હતા. એલિઝા-થિઓડોરને કુલ ૩ સંતાન થયા અને એમાં કેથરિના (૧૮૪૩-૧૯૧૭) એક દીકરી હતી. કેથરિના સ્કોટ ફોર્બ્સ જેમ્સ ક્રોમ્બી સાથે લગ્ન કરીને ઈંગ્લેન્ડ ગયાં હતાં. તેમનાં વંશમાં રુથ લિટલજ્હોન (૧૮૭૯-૧૯૬૪), રુથ ગિલ (૧૯૦૮-૧૯૯૩), ફ્રાન્સિસ રોથ (૧૯૩૬-૨૦૦૪) પછી સાતમી પેઢીએ જન્મેલી દીકરી ડાયેના ફ્રાન્સેસ સ્પેન્સર (૧૯૬૧-૧૯૯૭ના લગ્ન બ્રિટિશ રાજવી પરિવારમાં પ્રિન્સ ચાર્લ્સ સાથે થયાં હતાં. પ્રિન્સેસ ડાયનાના બે પુત્ર પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીના ડીએનએમાં સ્વાભાવિક રીતે જ એલિઝા કેવાર્કનાં ડીએનએના અંશો રહેલા છે.
બ્રિટિશરો સૌથી પહેલા ભારતમાં સુરતમાં જ ચાર સદી પહેલા સ્થાયી થયા હતા. પહેલું બ્રિટિશ જહાજ ૧૪૦૯માં સુરત પાસેના સુંવાળી ગામે ઉભું રહ્યું હતુ. એ વખતે સુરતનો દબદબો હતો, પણ પછી મુંબઈનો વિકાસ થતા સુરતનો જહાજી-વેપાર બ્રિટિશરોએ તોડી પાડયો હતો. તે સમયે સુરતમાં આર્મેનિયન પ્રજાની મોટી વસતી હતી અને આજે પણ તેમની કબરો ત્યાં છે.
સુરતમાં ક્યાંક પિતરાઈ હશે?
એલિઝાને કેથરિના ઉપરાંત બે દીકરા હતા એલેક્ઝાન્ડર અને ફ્રેસર. એ પૈકી એલેક્ઝાન્ડર થોડો સમય સ્કોટલેન્ડમાં જઈ ફરીથી ભારતમાં આવી ગયા હતા અને અહીં જ સ્થિર થયા હતા. એટલે એલેક્ઝાન્ડરે ગુજરાતના સુરતમાં જ લગ્ન કર્યા હોય, તેમને પણ સંતાનો થયા હોય અને એ વંશજો ભારતમાં જ ક્યાંક સ્થિર થયા હોય એવી એક શક્યતા છે. અલબત્ત, ભારતમાં અને સમગ્ર દુનિયામાં હજુ દરેક વ્યક્તિના ડીએનએનો સંગ્રહ થયો ન હોવાથી દરેક વ્યક્તિના ડીએનએ સાથે મેચિંગ થઈ શકે એમ નથી. જો એવી તપાસ થાય તો એલેક્ઝાન્ડરના વંશજ (એટલે હેરી-વિલિયમના દૂરના પિતરાઈ) પણ સુરત- ગુજરાત કે ભારતમાં જ ક્યાંકથી મળી આવે એવું પણ બની શકે! આ સંશોધન પછી વિજ્ઞાનીઓએ બ્રિટિશ રાજવી પરિવારનો સંપર્ક કર્યો, પણ તેમણે કંઈ પણ કહેવા ઈનકાર કર્યો હતો.
બ્રિટીશ રાજા, મૂળ ભારત
પાટવી કુંવર વિલિયમ (આખું નામ - પ્રિન્સ વિલિયમ આર્થર ફિલિપ લુઈસ, ડયુક ઓફ કેમ્બ્રિજ) અત્યારે લગ્ન થવા જઈ રહ્યાં છે એ હેરીના મોટા ભાઈ છે અને ભાવિ રાજા પણ છે. એટલે એમ કહી શકાય કે બ્રિટિશ ગાદીના એકદમ નજીકના વારસદાર વિલિયમના નસોમાં પણ ભારતીય લોહી વહે છે.


