સારંગપુરઃ બીએપીએસના વડા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં ધામગમનની જાણ થતાં જ ૧૩ ઓગસ્ટથી મોટા ભાગનાં રસ્તાઓ અને વાહનો સારંગપુર તીર્થ ભણી જતા હોય તેવો માહોલ હતો. પાંચ દિવસમાં અંદાજિત ૨૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ‘બાપા’ના અંતિમ દર્શન કર્યા હતા. બુધવારે વહેલી સવારે દર્શન બંધ કરાયા તે પૂર્વે આખી રાત્રિ માર્ગો ઉપર ટ્રાફિક ધમધમતો રહ્યો હતો.
લોકોને જેટલી ઉત્સુકતા પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ દર્શનની હતી, એટલી જ ભારે ઉત્સુકતા તેમનાં અંતિમ સંસ્કાર વિધિનાં દર્શન કરવાની હતી. આથી બુધવારે સવારથી જ લાખો હરિભક્તો જમ્યા વગર મંદિર પરિસરમાં આવવા લાગ્યા હતા. સાથે જ ઘણાં હરિભક્તો દૂરથી અને વિદેશથી સીધા જ આવ્યા હોવા છતાં જ્યાં સુધી અંતિમવિધિ પૂર્ણ ન થઇ ત્યાં સુધી નિર્જળા રહ્યા હતા.
શિસ્ત અને ભક્તિનો જાણે અદ્ભૂત સમન્વય સર્જાયો હોય તેમ લોકોએ અભૂતપૂર્વ શિસ્ત દાખવીને પોતાના વંદનીય ગુરુદેવને અંતિમ વિદાય આપી હતી. ભાવુક બનેલા લોકો મહિલાઓ, બાળકો ઉપરાંત મોટી સંખ્યામાં યુવાનો અત્યંત ગંભીરતાપૂર્વક સમગ્ર અંત્યેષ્ટિ કાર્યક્રમમાં બેઠેલા રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોવા છતાં પણ કોઇ ધક્કામુક્કી કે બોલાચાલી જેવું પણ કંઇ બન્યું નહોતું. ખાસ કરીને બીએપીએસનું મેનેજમેન્ટને વખાણ્યું હતું.
૮ હજારથી વધુ સ્વયંસેવકો
પ્રમુખસ્વામી મહારાજના ધામગમન બાદ તાત્કાલિક ડોમ ઊભા કરી દેવાયા હતા, જે વોટરપ્રૂફ હતા. બુધવારે મોડી રાત્રે હળવો વરસાદ થયો હતો, પરંતુ દિવસ દરમિયાન અડધા વાદળછાયા વાતાવરણમાં ભારે બફારા અને ઉકળાટે જાણે પરીક્ષા લેતો હોય એવી સ્થિતિ સર્જી હતી. ૮૦૦૦થી વધુ સ્વયંસેવકો વિવિધ કામગીરીમાં જોડાયેલા હતા એટલું જ નહીં પોલીસ તંત્ર અને જિલ્લા પ્રશાસન પણ વ્યવસ્થામાં જોતરાયું હતું. તમામ દિવસો દરમિયાન વિવિધ મહાનુભાવોની અવરજવર ચાલુ રહી હતી.
બુધવારે દિવસ દરમિયાન બે વખત હેલિકોપ્ટરનું ઉતરાણ થયું હતું. જેમાં સવારે પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ દર્શન કરવા માટે બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્યો અરુણ જેટલી, સુરેશ પ્રભુ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવ્યા હતા. તેમની સાથે જ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જિતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે બીજી વખત બપોરે યોગગુરુ સ્વામી રામદેવજી અને લાલ કૃષ્ણ અડવાણી અંતિમ વિધિમાં ઉપસ્થિત રહેવા માટે આવ્યા હતા. સાથે જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હાજર હતાં. વહેલી સવારે અંબાણી પરિવારના ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ પ્રમુખસ્વામી મહારાજના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા.


