દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં શ્રાવણી પૂનમના પાવન દિવસે ભગવાન દ્વારકાધીશે યજ્ઞોપવિત ધારણ કરી હતી. જેના દર્શન કરીને ભાવિકો ભાવવિભોર બન્યા હતા. પવિત્ર રક્ષાબંધનના દિવસે ગોમતી નદીમાં સ્નાન કરી બ્રહ્મસમાજ તેમજ રઘુવંશી સમાજે યજ્ઞોપવિત ધારણ કરી હતી. આ સાથે દ્વારકાધીશની સેવાપૂજા કરતા ગુગળી બ્રાહ્મણ ૫૦૫ પૂજારી સહિતના સમાજના પુરૂષોએ પણ યજ્ઞોપવિત ધારણ કરી હતી.
દ્વારકામાં રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત ધારણ કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. યજ્ઞોપવિત એ પવિત્ર સૂત છે, જેમાં નવ તંતુ હોય છે. જેમાં એક એક દેવતા બિરાજમાન હોય છે એ દેવતાનું આહ્વાન કરી પૂજન કરાય છે. યજ્ઞોપવિતમાં ગાંઠમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાનું પૂજન કરી વર્ષ દરમિયાન યજ્ઞોપવિત ધારણ કરનારનું દેવો રક્ષણ કરે તેવી માન્યતા હોઈ બ્રાહ્મણો યજ્ઞોપવિત ધારણ કરવા માટે પવિત્ર બનવું પડે એ માટે બ્રાહ્મણ ગોમતીઘાટ કિનારે દસ ઈત્યાદિ ઔષધીથી સ્નાન કરી હેમાદ્રિનું સ્મરણ કરી વર્ષ દરમિયાન પાપ દોષોનું નિવારણ કરી બ્રાહ્મણ શુદ્ધ બને છે અને શુદ્ધ બન્યા પછી યજ્ઞોપવિત ધારણ કરવાનો અનેરો મહિમા છે અને ગાયત્રી મંત્રનો જાપ કરી ધન્યતા અનુભવે છે.


