અમદાવાદઃ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ૨૧મીએ વિશ્વવિખ્યાત ચિત્રકાર વાસુદેવ કામથે તૈયાર કરેલાં સ્વામિનારાયણ ભગવાનના પેઇન્ટિંગ્સની પુસ્તિકાનું વિમોચન સંસ્થાનના વડા મહંતસ્વામી, પ્રમુખ સંત ડોક્ટર સ્વામી, ઇશ્વરચરણ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી સહિતના સંતોની ઉપસ્થિતિમાં કરાયું હતું.
બીએપીએસ સંસ્થા દ્વારા ભગવાન સ્વામિનારાયણના જીવન પર આધારિત ચિત્રોની પુસ્તિકા એન આઇકોનિક આર્ટ પબ્લિકેશન ભગવાન સ્વામિનારાયણ - સાગા ઇન પેઇન્ટિંગ્સના વિમોચનમાં અન્ય સ્વામિનારાયણ સંપ્રદાય જેમ કે, કાળુપુર સ્વામિનારાણ મંદિર, એસજીવીપી ગુરુકુળ, મણિનગર ગાદી સંસ્થાન અને કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સંતોને પણ આમંત્રણ અપાયું હતું. ભગવાન સ્વામિનારાયણના જીવન પર આધારિત કુલ ૪૯ ચિત્રો પુસ્તકમાં મૂકવામાં આવ્યા છે. પુસ્તકને તૈયાર કરતા કુલ બે વર્ષ જેટલો સમય લાગ્યો છે. ચિત્રો બનાવતાં કામથને કુલ ૧૫ વર્ષ અને ચિત્રોનું પુસ્તક બનાવતાં બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તમામ ચિત્રો હાલમાં ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરમાં મૂકવામાં આવ્યા છે. અંગે માહિતી આપતા ચિત્રકારે જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી આ કાર્ય મેં શરૂ કર્યુ હતું. મને એમ લાગે છે કે તમામ ચિત્રો બાપાએ મારા દ્વારા કંડાર્યા છે.


