અમદાવાદઃ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ બંધ કરતા લોકો જૂની નોટો વટાવવા મંદિરમાં દોડી ગયા પણ મંદિરોવાળાએ પૈસા લેવાની ના પાડતા વિમાસણમાં મુકાયા હતા. મોટી નોટો બંધ થતાં મંદિરોને મળતા ધર્માદામાં મોટી અસર પડી છે. મોટાભાગના મંદિરોમાં ૭૦થી ૮૦ ટકા જેટલા ધર્માદાની રકમમાં ઘટાડો થયો છે.
સરકારે એકાએક જ ૫૦૦ અને એક હજારની નોટ ચલણમાંથી બંધ કરતાં લોકોમાં હડકંપ મચી ગયો છે. અમરાઈવાડીના જાગૃતિનગરમાં જૂના નંદાસણવાળા મેલડી માતાના પાટોત્સવ પ્રસંગે શ્રદ્ધાળુઓએ વિવિધ બેંકના ચેક ચઢાવ્યા હતા. તો કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે આવતા ધર્માદાની રકમમાં છેલ્લા એક સપ્તાહમાં ૯૦ ટકા જેટલો ઘટાડો થયો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, નોમથી દેવદિવાળી સુધીના દિવસો દરમિયાન અમારા મંદિરમાં એક કરોડ રૂપિયા જેટલું દાન આવતું હોય છે હાલ તેમાં ૨૦ ટકાનો ઘટાડો જોઈ શકાય છે. મણિનગર ગાદી સંસ્થાનના મહંત ભગવતપ્રિય સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરમાં ચાલતી યોજનામાં મળતા દાનમાં ગણો ઘટાડો થયો છે. સિદ્ધિવિનાયક મંદિરમાં ઊલટી ગંગા જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં મંદિરની આવક ઘણી વધી છે. લોકો પહેલા ૧૦૦ રૂપિયાની નોટ દાનમાં નાખતા હતા તેને બદલે ૫૦૦ અને ૧ હજાર રૂપિયાની નોટ નાખીને ચાલ્યા જાય છે. અમારે ત્યાં રોકડ દાન નથી વધ્યું પણ દાનપેટીમાંથી મળતી રકમમાં વધારો થયો છે.


