ભરઉનાળે કચ્છ, સૌરાષ્ટ્રનાં ડેમ ખાલીખમ

Wednesday 10th May 2017 08:52 EDT
 
 

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી નીચે ગયો નથી. તેવામાં આગામી દિવસોમાં રાજ્યમાં પાણીની વધુ તંગી સર્જાય તેવા એંધાણ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમોમાં તળિયા દેખાય છે. આખા ગુજરાતમાં એકેય ડેમ સંપૂર્ણ ભરાયેલો નથી. કચ્છમાં ૨૦ ડેમોમાં અત્યારે માત્ર ૩૬.૨૫ ક્યુસેક પાણી બચ્યું છે એટલે કે ૧૦.૯૫ ટકા પાણી સંગ્રહિત છે. સૌરાષ્ટ્રમાં ૧૩૮ ડેમમાંથી ઘણાં ડેમ સુકાઇ રહ્યાં છે. ડેમોમાં પાણી સંગ્રહ કરવાની કુલ ક્ષમતા ૨૫૩૭.૦૭ ક્યુસેક મીટર હતી તે ડેમોમાં આજે ૩૧૫.૨૨ કયુસેક મીટર પાણી રહ્યું છે. ટૂંકમાં સૌરાષ્ટ્રનાં ડેમોમાં માત્ર ૧૨.૪૨ ટકા પાણી છે. કેટલાંય ડેમ તો ખાલીખમ છે. ઉત્તર ગુજરાતમાં ૧૫ ડેમોમાં ૨૨.૪૩ ટકા પાણી છે. જોકે, રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ડેમોમાં સ્થિતિ સારી છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૧૨૭૫.૪૦ ક્યુસેક મીટર પાણી છે. દક્ષિણ ગુજરાતમાં ૧૩ ડેમોમાં ૪૦૫૨.૪૨ કયુસેક મીટર પાણી છે.
રાજ્યમાં અછતનો ઓછાયો
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધુ ૧૩૫ ગામનો અછતના ભરડામાં સમાવેશ થયો છે અને રાજ્યનાં કુલ ૬૮૪ ગામ અછતગ્રસ્ત થયાં છે. રાજ્ય સરકારે ત્રીજીએ વધુ ૧૩૫ ગામોને અસરગ્રસ્ત જાહેર કર્યાં હતાં.
મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અછત રાહત સમિતિની બેઠકમાં કલેક્ટરોના રિપોર્ટના આધારે જાહેર કર્યું કે, કચ્છ જિલ્લાના લખપત તાલુકાના વધુ ૮૬ ગામો, નખત્રાણાના ૩૨ ગામો અને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ૧૭ ગામોને અસરગ્રસ્ત જાહેર કરાયા છે. રાજ્ય સરકારે કહ્યું છે કે અસરગ્રસ્ત ૬૮૪ ગામોને રાહતદરે ઘાસ ફાળવાશે. અત્યાર સુધીમાં ૪૯,૪૯૨ કિલોગ્રામ ઘાસનું વિતરણ
કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter