ભરતસિંહના પિતરાઈ ભાઈ અમિત ચાવડા નવા કોંગ્રેસ પ્રમુખ બન્યા

Wednesday 28th March 2018 08:14 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના નામની મંગળવારે જાહેરાત કરાઈ છે. એનો અર્થ એ કે ભરતસિંહ સોલંકી વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી લડે એવા સ્પષ્ટ સંકેત છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીને મૂકવામાં આવતાં સૌરાષ્ટ્રને અને પટેલ આગેવાનને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું એટલે નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે ઓબીસી નેતાને જ તક આપવામાં આવે તેમ સ્પષ્ટ હતું. એ ઉપરાંત કોંગ્રેસના ગઢ ગણાતા મધ્ય ગુજરાતને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવે એવા તર્ક સાથે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. અમિત ચાવડા ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ થાય છે.
વર્ષ ૨૦૦૪માં ભરતસિંહ સોલંકી લોકસભામાં ચુંટાતા તેમણે બોરસદની તેમની પરંપરાગત બેઠક ખાલી કરી હતી. આ બેઠક પરથી અમિત ચાવડાને ચૂંટણી લડાવવામાં આવી હતી અને તેઓ જીત્યા પણ હતા. ત્યારબાદ ડિલિમિટેશનમાં આ બેઠક આંકલાવ તરીકે ઓળખાઈ હતી. ૨૦૧૨ અને ૨૦૧૭ એમ બંને વખતે અમિત ચાવડાએ આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો.
અમિત ચાવડાએ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અમિત ચાવડાના મિત્રો કહે છે કે કેમિકલ એન્જિનિયર અમિત ચાવડા સોફ્ટ સ્પોકન છે અને કોંગ્રેસના તમામ જૂથને સાથે લઈને ચાલી શકે તેવી ક્ષમતા ધરાવે છે એટલે કોંગ્રેસ મોવડી મંડળે તેમના નામ પર મંજૂરીની મહોર મારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter