અમદાવાદઃ બાવળા - રાજકોટ વચ્ચેના ધોરી માર્ગ પર ચોથી જૂને આંગડિયા પેઢીના રૂ. પાંચ કરોડના સોનાના પાર્સલોની લૂંટની ફરિયાદ પોલીસમાં નોંધાયા બાદ આ કેસમાં છઠ્ઠી જૂને પોલીસે છ આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી રૂ. ૩.૫૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મુંબઇની પવાર અને ગુજરાતની ભરવાડ ગેંગે લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે આ લૂંટ કેસમાં અંડરવર્લ્ડ કનેકશનની સંડોવણીની શંકા પણ વ્યક્ત કરી હતી. આ કેસમાં પોલીસે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના સુરત રહેવાસી સાગરીત સુનિલ સંભાજી પવાર, ગાંધીનગરના ઘેલાભાઇ ભરવાડ, તેના ભાઇ કાનાભાઇ ઉર્ફે પરબતભાઇ ભરવાડ, ગાંધીનગર જિલ્લાના ગ્રામભારતીમાં રહેતા ભલાભાઇ ભરવાડ, પાટણના સમી તાલુકાના માત્રોડા ગામના સુરાભાઇ ભરવાડ અને રાજકોટના મફતિયા પરામાં રહેતા ખોડાભાઇ ભરવાડની ધરપકડ કરી હતી.
આંગડિયા દ્વારા ગુજરાત મેઇલમાં રોજ રૂ. ૧૦૦ કરોડની મતાની હેરફેર!
સામાન્ય લોકોને ભાગ્યે જ ખ્યાલ હશે કે અમદાવાદ- મુંબઈ વચ્ચે દોડતી ટ્રેન ગુજરાત મેઇલમાં રોજ આંગડિયા પેઢીઓ દ્વારા રોકડ, સોનું, જર-ઝવેરાત સહિતની રૂ. ૧૦૦ કરોડની માલમત્તાની હેરફેર થાય છે! અને આવી કામગીરીની સલામતી માટે પોલીસ રક્ષણ લેવાતું નથી.
બાવળા પાસે ખાનગી હથિયારધારી રક્ષકો હોવા છતાં રૂ. પાંચ કરોડની લૂંટની ઘટના બની હતી. જોકે, ગુજરાતમાં અને ગુજરાત બહાર કારોબાર આંગડિયા પેઢીને દર મહિને લૂંટારું ગેંગ નિશાન બનાવે છે. આમ છતાં આંગડિયા પેઢીઓ પોલીસ રક્ષણ લેવા તૈયાર નથી. તેની પાછળનું કારણ એવું છે કે માત્ર એક સામાન્ય ચરબખી ઉપર કરોડોનો કારોબાર થઈ જાય છે, અને જો પોલીસ રક્ષણ લેવામાં આવે તો તેમના ધંધાની મુશ્કેલીઓ વધી શકે તેમ છે.

