અમદાવાદઃ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના લીધે ગુજરાતમાં ય હવામાનમાં પલટો આવ્યો છે અને ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદ થયો છે. તાજેતરમાં કમોસમી વરસાદથી જીરાના પાકને નુકસાન થવાની ભીતિ છે. પરિણામે ખેડૂતો ચિંતામાં છે. એક તો ગુજરાતમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતો આર્થિક રીતે બેહાલ બન્યા છે. ચોમાસું પાકમાં મગફળી-કપાસના ટેકાના ભાવો ન મળતાં ખેડૂતોએ ખોટ સહન કરવી પડી હતી. હવે રવિ સિઝનમાં સિંચાઈનું પાણી માંડ માંડ મેળવી જીરાના પાકનું વાવેતર કરાયું હતું.
હાલમાં ગુજરાતમાં કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ સહિત કુલ ૩,૪૭,૫૦૦ હેક્ટરમાં જીરાના પાકનું વાવેતર કરાયું છે. સોમવારે કચ્છમાં તો ભરશિયાળે એવો વરસાદ વરસ્યો કે ચોમાસાની યાદ લોકોને તાજી કરાવી દીધી હતી. ખેડૂતોનું કહેવું છે કે મગફળી અને કપાસના પાકની ખોટ જીરાના પાકમાંથી સરભર થઈ જવાની હતી, પણ કુદરત પણ છેલ્લી ઘડીએ રિસાઈ હતી. કેમ કે, જીરાનો પાક લગભગ તૈયાર થયો છે અને કાપણી કરવાની તૈયારી વખતે કમોસમી વરસાદ થયો છે જેના
કારણે પાકને ખાસ્સું નુકસાન થઈ શકે છે.

