અમદાવાદઃ ગુજરાતભરમાં નવલા નોરતાની રંગત જામી હતી ત્યારે શહેરમાં એક અનોખા ગરબા યોજાઇ ગયા. જેમાં સ્લમ વિસ્તારના બાળકો, દિવ્યાંગ ભાઇ-બહેનો અને ઘરડાં ઘરનાં જૈફ બહેનોએ આનંદ-ઉલ્લાસભેર ગરબે ઘુમીને આદ્યશક્તિની આરાધના કરી હતી. જેમાં મકરબા પ્રાથમિક શાળા, રામાપીરના ટેકરાના તથા સ્વૈચ્છિક સંસ્થા ‘સ્પર્શ’ના ૬૦૦થી વધુ બાળકો તેમજ ‘માતૃગૃહ’ સંસ્થાની ૫૦ જેટલી બહેનો અને દિવ્યાંગ ભાઈ-બહેનો જોડાયા હતો. કાર્યક્રમની ટૂંકી મુલાકાતે આવેલા સનેડો ફેઇમ જાણીતા ગરબાગાયક અરવિંદ વેગડાએ સૌને ‘ભાઈ ભાઈ...’ સનેડો અને ગીતોના તાલે નચાવ્યા હતા. આ પછી સહુ ડીજેના સંગીત પર ગરબે ઘુમ્યા હતા.
આર્ના એન્ટરટેઈન્મેન્ટ અને સ્વૈચ્છિક સંસ્થા ‘હેતુ-સેતુ’ના સંયુક્ત ઉપક્રમે થલતેજના ક્રેસન્ટ પાર્ટી પ્લોટમાં શનિવારે સાંજે આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આર્ના એન્ટરટેઈનમેન્ટના અંકિત બુદેલાએ કહ્યું હતું, ‘આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્લમ વિસ્તારના બાળકો, ઘરડા ઘરનાં બહેનો અને દિવ્યાંગોને નવરાત્રિની ઉજવણીમાં સહભાગી બનાવીને તેમના જીવનમાં ખુશી લાવવાનો નાનકડો પ્રયાસ હતો. કાર્યક્રમમાં તમામના આવવા-જવા માટે ખાસ બસની વ્યવસ્થા કરાઇ હતી. કાર્યક્રમના અંતે સૌના માટે ભોજન તેમજ વિદાય વેળાએ તમામ બાળકોને ગીફ્ટ અપાઇ હતી.’
સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાના પ્રયાસરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં જોડાયેલા બાળકો સહિત સહુકોઇના ચહેરા પર નવરાત્રિની વિશિષ્ટ ઉજવણી કર્યાનો અનેરો આનંદ છલકતો હતો.


