ભાઈશ્રી રમેશ ઓઝાની ઉપસ્થિતિમાં ચાર મહાનુભાવોને સાંદીપનિ ગૌરવ એવોર્ડ

Wednesday 05th February 2020 06:14 EST
 
 

પોરબંદરઃ સાંદીપનિ વિદ્યાનિકેતનમાં કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં રવિવારે ૨૪મા વાર્ષિક સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રમણરેતી વૃંદાવનના વિરક્ત સન્યાસી કાર્ષણિ ગુરુ શરણાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ચાર વિભૂતિઓને સાંદીપનિ ગૌરવ એવોર્ડ અર્પણ થયા હતા. આ સમારંભમાં સાધ્વી ઋતંભરા દીદીને ‘દેવર્ષિ’ એવોર્ડ, સંસ્કૃતના પ્રખર વિદ્વાન દિલ્હીના વેમ્પટી કુટુંબશાસ્ત્રીને ‘બ્રહ્મર્ષિ’ પોરબંદરના પણ આફ્રિકાના મોઝામ્બિકના અગ્રણી દાનવીર વેપારી રિઝવાન આડતિયાને ‘રાજર્ષિ’ એવોર્ડ અને દેશભરના અનાથ બાળકોના વાત્સલ્ય માતા સમાન સિંધુતાઈ સપકાલને ‘મહર્ષિ’ એવોર્ડ અર્પણ કરાયા હતા.
ભાઈશ્રીએ ચારેય મહાનુભાવોની ભાવવંદના કરી જણાવ્યું હતું કે, આજે સાધ્વી ઋતંભરાજી અને સિંધુતાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હરિમંદિરમાં બિરાજતા કરુણામયી અંબામાની ચેતના આ બંને માતૃસ્વરૂપોમાં પ્રતિબિંબિત થતી હોય તેવું મને લાગી રહ્યું છે. તાજું જન્મેલું બાળક જ્યારે મા શબ્દ બોલે છે ત્યારે તે કોઈ સામાન્ય શબ્દ નથી, પરંતુ જીવનનો પ્રથમ મંત્ર છે. મા ભાષાનું એકાક્ષરી કાવ્ય છે અને તેના દ્વારા સંસારની બધી મધુરતા પ્રગટે છે. આ પ્રસંગે પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન મહેન્દ્રભાઈ ત્રિવેદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter