અમદાવાદઃ ક્રાંતિવીર સરદારસિંહ રાણાના જન્મદિવસ ૧૦ એપ્રિલના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના હસ્તે શહેરના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં તેમની વેબસાઇટનું લોન્ચિંગ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યપાલ ઓ. પી. કોહલી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. પાંચ વર્ષની મહેનત બાદ આ વેબસાઇટ બની છે. આ વેબમાં બે જીબી જેટલો ડેટા અપલોડ કરાયો છે. સરદારસિંહ રાણાએ ૧૦૦ કિલો વજનના પત્રોમાંથી આ લખાણ લેવાયું છે.
રાણાના પત્રોના અંશો સહિત ૧૯૦૭માં ભારતનો સૌથી પહેલો બનેલો ધ્વજ પણ દર્શાવાયો હતો. ૨૨ ઓગસ્ટના દિવસે રાણાજી અને મેડમ કામાએ ભારતનો સૌપ્રથમ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ બનાવીને ફરકાવ્યો હતો. ક્રાંતિવીર સરદારસિંહ રાણાએ લખેલા તથા તેમની પાસે સંગ્રહાયેલા પત્રો તેમના પૌત્ર જિતેન્દ્રસિંહ રાણા પાસે સચવાયેલા હતા. જે ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પાસે આવતાં વર્ષ ૨૦૧૪માં તેમણે ડિજિટલાઇઝેશન શરૂ કરાવ્યું હતું. આ અંગે રાજેન્દ્રસિંહજીએ જણાવ્યું હતું કે, ક્રાંતિવીર સાથે તેમની પત્નીનાં જર્મન અને ફ્રેન્ચ ભાષામાં થયેલા વ્યવહારો તથા ગાંધીજી, નહેરુ તથા સુભાષચંદ્ર બોઝ સાથે થયેલા પત્ર વ્યવહારોમાંથી અંગ્રેજીમાં લખાયેલા પત્રો અને લખાણોને અમે વેબસાઇટ પર મૂક્યા છે. વિશ્વભરના મ્યુઝિયમમાં રહેલા ચિત્રો સહિતની સામગ્રીને આ વેબસાઇટમાં મૂકી છે.


