ભાગેડુ સાંડેસરાબંધુઓની રૂ. ૯૭૭૮ કરોડની વિદેશી મિલકતો ટાંચમાં

Thursday 27th June 2019 05:20 EDT
 
 

વડોદરાઃ ભારતીય બેન્કો સાથે સાથે રૂ. ૯,૧૦૦ કરોડનું લોનકૌભાંડ આચરીને નાસતાફરતા સાંડેસરાબંધુઓ - નીતિન અને ચેતનની સ્ટર્લિંગ બાયોટેક લિ. સહિતની ગ્રૂપ કંપનીઓની વિદેશસ્થિત જંગમ અને સ્થાવર મિલકતો એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ ટાંચમાં લીધી છે. આ મિલકતોનું કુલ મૂલ્ય આશરે ૯,૭૭૮ કરોડ રૂપિયા છે. જપ્ત મિલકતોમાં સ્ટર્લિંગ ગ્રૂપના પ્રમોટરો સાંડેસરાબંધુઓનો લંડનસ્થિત બંગલો અને પ્રાઇવેટ પ્લેન, નાઈજીરિયા ખાતેના તેલ કૂવા વગેરેનો સમાવેશ થાય છે. આની સાથોસાથ સરકાર દ્વારા સાંડેસરાબંધુઓ, દીપ્તિ સાંડેસરા અને હિતેશ પટેલના પ્રત્યાર્પણ માટે પણ પ્રક્રિયા શરૂ કરાઇ છે. સાંડેસરાબંધુઓ તેમ જ દીપ્તિ સાંડેસરા હાલ નાઈજીરિયામાં છુપાયા હોવાનું મનાય છે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ ૨૦૧૭માં સ્ટર્લિંગ બાયોટેક લિ. અને ગ્રૂપ કંપનીઓ, ડિરક્ટરો સામે બેન્ક લોન કૌભાંડ આચરવાનો ગુનો નોંધ્યો હતો. કાનૂની કાર્યવાહી શરૂ થતાં જ નીતિન અને ચેતન સાંડેસરા વિદેશ નાસી ગયા હતા. આ આર્થિક ભાગેડુઓ સામે સ્પેશિયલ કોર્ટમાંથી નોન-બેલેબલ વોરંટ પણ મેળવ્યું હતું. ઇડીએ અગાઉ લોનકૌભાંડમાં સંડોવાયેલા દિલ્હીસ્થિત બિઝનેસમેન ગગન ધવન અને આંધ્ર બેન્કના પૂર્વ ડિરેકટર અનુપ ગર્ગ સામે ફરિયાદ દાખલ કરી હતી. ગત માર્ચ માસમાં જ સાંડેસરાબંધુઓની ભારતમાં આવેલી રૂ. ૪૭૦૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાઇ હતી. જેમાં ૪,૦૦૦ એકરમાં આવેલી પ્લાન્ટ મશીનરી, રૂ. ૬.૬૭ કરોડના શેર, વૈભવી મોટરકારનો કાફલો, પ્રમોટરોના ૨૦૦ બેન્ક એકાઉન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

‘સીપકો’ની માલિકી સાંડેસરાબંધુની

ઇડીની તપાસ દરમિયાન સાંડેસરાબંધુઓની ૫૦ કરતાં વધુ વિદેશી પ્રોપર્ટીઝ, બેન્ક એકાઉન્ટ્સ વગેરેની પણ માહિતી એકત્ર કરાઇ છે. એક અંદાજ પ્રમાણે ઇડીએ સાંડેસરાબંધુઓની કુલ રૂ. ૧૪,૫૮૦ કરોડની મિલકતો ટાંચમાં લઇ લીધી છે. નાઈજીરિયા ખાતે ૪ ઓઇલ રિગ સ્ટર્લિંગ ઓઇલ એક્સપ્લોરેશન એન્ડ એનર્જી પ્રોડકશન કંપની લિ. (SEEPCO - ‘સીપકો’)ની માલિકીની છે. આ ‘સીપકો’ કંપની સાંડેસરાબંધુઓની સંપૂર્ણ માલિકીની છે. જે ૪ ઓઇલ ટેન્કર ઇડી દ્વારા ટાંચમાં લેવાયા છે તેના નામ ‘તુળજા ભવાની’, ‘ભવ્યા’, ‘વરિન્દા’ અને ‘બ્રહ્માણી’નો સમાવેશ થાય છે. આ ટેન્કર એટલાન્ટિક બ્લૂ વોટર સર્વિસ કંપનીના નામે નોંધાયા છે. તો SAIB LLCની માલિકીનું એરક્રાફ્ટ ગલ્ફસ્ટ્રીમ-૨૦૦ પણ ટાંચમાં લેવામાં આવ્યું છે.

ડમી ડિરેકટર્સ પાછળ હિતેશનો હાથ

કૌભાંડમાં ઉપસેલું એક અન્ય મહત્ત્વનું નામ હિતેશ નરેન્દ્રભાઇ પટેલ છે. હિતેશને ગયા માર્ચ મહિનામાં અલ્બેનિયાના ટીરાના ખાતે જોવા મળ્યો હતો. ભારતીય એજન્સીઓએ તેને વોન્ટેડ જાહેર કર્યો છે. અગાઉ તેમની સામે ઇન્ટરપોલની રેડકોર્નર નોટિસ ઇશ્યૂ કરાઇ હતી. ભારતીય એજન્સીઓ - હવે ઇન્ટરપોલ અને આલ્બેનિયાના સત્તાધીશોના સંપર્કમાં છે અને હિતેશ પટેલને પ્રત્યાર્પણ સમજૂતી હેઠળ ભારત લાવવા પ્રયાસો ચાલી રહ્યા છે. સાંડેસરાઓની બેનામી કંપનીઓ માટે ડમી ડિરેકટર્સ મેળવવામાં હિતેશ પટેલની મહત્ત્વની ભૂમિકા રહી છે. આ ડમી કંપનીઓ દ્વારા જ સાંડેસરાઓ દ્વારા લેવામાં આવેલી બેન્ક લોનના નાણાં પરદેશમાં વગે કરાયા હતા. આમ જો હિતેશ તપાસ એજન્સીઓના હાથમાં આવે તો ઘણા રહસ્યો પરથી પરદો ઉંચકાય તેમ છે.

૧૮૪ કંપની, ૧૭૯ બોગસ કંપની, ૭ વ્યક્તિઓ સામે ચાર્જશીટ

ઇડી દ્વારા સાંડેસરાબંધુઓની ૧૭૯ બોગસ કંપનીઓ સહિત ૧૮૪ કંપનીઓ તેમ જ ૭ મહત્ત્વની વ્યક્તિઓ કુલ ૧૯૧ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરાઇ છે. સાંડેસરાની ૭ કંપનીઓમાં સ્ટર્લિંગ બાયોટેક, પીએમટી મશીન્સ લિ., સ્ટર્લિંગ એસઇઝેડ એન્ડ ઇન્ફ્રા., સ્ટર્લિંગ પોર્ટ, સ્ટર્લિંગ ઓઇલ રિસોર્સિંસ વગેરેનો સમાવેશ થાય છે.
ઇડીની તપાસમાં ખૂલ્યું હતું કે સાંડેસરાબંધુઓએ બોગસ દસ્તાવેજો થકી કંપનીઓના નામે રૂ. ૫૦૦૦ કરોડની ક્રેડિટ વિવિધ બેન્કોથી મેળવવામાં આવી હતી. જે પાછળથી એનપીએ થઇ જવા પામી હતી.
આંધ્ર બેન્કના વડપણ હેઠળની બેન્કોના કોન્સોર્ટોરિયમ દ્વારા લોન મંજૂર કરાઇ હતી. જેમાં યુકો બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેન્ક અને બેન્ક ઓફ ઇન્ડિયાનો પણ સમાવેશ થતો હતો. સ્ટર્લિંગ જૂથની વિવિધ કંપનીઓની અત્યાર સુધીમાં રૂ. ૫૦૦૦ કરોડની બાકી રકમને એનપીએ તરીકે જાહેર કરાઇ છે.

સાંડેસરાબંધુઓએ ભારત અને વિદેશોમાં ૩૦૦ જેટલી બોગસ કંપનીઓ ઉભી કરીને બેન્કો પાસેથી મેળવેલી લોનના નાણાંનો દુરુપયોગ કર્યો હતો. એટલું જ નહીં, લોનની રકમ વિદેશોમાં હવાલા દ્વારા મોકલી દીધી હતી. બેલેન્સશીટમાં આ બોગસ કંપનીઓનું જંગી ટર્નઓવર દર્શાવાયું હતું. આ ઉપરાંત શેરબજારમાં ઇન્સાઇડર ટ્રેડિંગ કરીને શેરના ભાવ કૃત્રિમ રીતે ઉંચે લઇ જવાયા હતા. સાંડેસરાબંધુઓના મોરેશિયસ, યુએઇ, નાઇજિરીયા, બ્રિટિશ વર્જીન આઇસલેન્ડ, સેશિલ્સ અને અમેરિકાના વિવિધ બિઝનેસની પણ ઇડી દ્વારા માહિતી એકત્ર કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter