રાજકોટઃ ઉત્તર પ્રદેશનાં ઉન્નાવનાં ભાજપી ધારાસભ્ય કુલદીપ સેંગર, શાહજહાંપુરનાં ભાજપી પૂર્વ કેન્દ્રિય પ્રધાન ચિન્મયાનંદ રેપ કેસ અને કચ્છમાં દુષ્કર્મ કાંડની ચર્ચાઓ શમી નથી ત્યાં રાજકોટ નજીકનાં કોટડાસાંગાણીનાં રામોદ ગામનાં ભાજપ-કોંગી અગ્રણી સહિત ૩ નરાધમોએ એક યુવતીનું અપહરણ કરી તેની પર ચાલુ કારમાં સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
પોલીસે જણાવ્યું છે કે, ફરિયાદમાં નોંધાયું છે કે રામોદ ગામે રહેતી ૧૯ વર્ષની અનુસૂચિત જાતિની યુવતી બપોરે એકાદ વાગ્યે ઘરે એકલી હતી ત્યારે ૩ આરોપીઓ સફેદ રંગની બ્રિઝા કારમાં તેનાં ઘરે ધસી આવ્યા અને યુવતીને ઉપાડી ગયા. યુવતીને રિવોલ્વર બતાવીને ધમકી આપીને તેની પર ચાલુ કારે સામૂહિક બળાત્કાર ગુજારાયો.
ફરિયાદમાં જેમનો ઉલ્લેખ છે તે અમિત જેન્તીભાઈ પડાળિયા કોટડાસાંગાણી તાલુકા ભાજપનો પૂર્વ મહામંત્રી હતો અને તેની માતા હાલ રામોદમાં સરપંચ છે. બીજો આરોપી શાંતિ ગોવિંદ પડાળિયા કોટડાસાંગાણી તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસ તરફથી ચૂંટાયેલો સભ્ય છે. ત્રીજો આરોપી વિપુલ ભાયલાભાઈ શેખડા રામોદ ગ્રામ પંચાયતનો ભાજપ તરફથી ચૂંટાયેલો સદસ્ય છે. પોલીસે આ કેસમાં જુદી જુદી ટીમો બનાવી આરોપીઓ અંગે તપાસ આદરી છે એ સિવાય કંઈ પણ કાર્યવાહી અંગે મૌન ધારણ કરી લીધું છે.