ભાજપ નેતા જયનારાયણ વ્યાસ રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતને મળ્યાઃ શું કોંગ્રેસમાં જોડાશે?

Saturday 05th November 2022 07:39 EDT
 
 

ગાંધીનગર: ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક જ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી.
આ આશ્ચર્યજનક મુલાકાત બંધબારણે યોજાઇ અને આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી લાંબી ચર્ચા થઇ હતી. સૂત્રો જણાવે છે કે વ્યાસ ખૂબ ઝડપથી ભાજપ છોડીને કોંગ્રેસમાં જઇ શકે છે. તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના સિદ્ધપુર બેઠક પરથી ઉમેદવાર તરીકે પણ આવી શકે. જોકે વ્યાસે આ મુલાકાત બાદ માત્ર એટલું જણાવ્યું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હતા.
‘રાજસ્થાને નર્મદા જળનો સારો ઉપયોગ કર્યો’
સિનિયર ટેક્નોક્રેટ અને ગુજરાતના ભૂતપૂર્વ નર્મદા જળસંસાધન મંત્રી જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે રાજસ્થાન સરકારે નર્મદાના પાણીના વ્યવસ્થાપનું નમૂનેદાર અને અદભૂત કામ કર્યું છે. તેમણે રાજસ્થાનને મળેલા માત્ર અડધા મિલિયન એકર ફીટ પાણીમાંથી અઢી લાખ એકર જમીનમાં સિંચાઇ સુવિધા ઊભી કરી છે, જ્યારે ગુજરાતને 9 મિલિયન એકર ફીટ પાણી મળે છે અને હજુ ઘણું કામ કરવાનું બાકી છે. કેન્દ્રની પીએમજેવાય યોજનામાં પરિવારની એક વ્યક્તિ મોંઘી સારવાર લે તો ફરી સુવિધા મળતી નથી, તેને બદલે ગેહલોત સરકારે તમામ વંચિતોને મફત સારવાર ઉપલબ્ધ કરાવી છે.
સરકારની નીતિઓના ટીકાકાર
ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ ગુજરાત સરકાર, ભાજપ સંગઠન અને કેટલેક અંશે કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓના ટીકાકાર રહ્યા છે. પોતાને ભાજપના સક્રિય રાજકારણથી મુક્ત કર્યા હોવાનું સૂત્રોએ કહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter