ભાજપ પાસેથી કોંગ્રેસે ૯ પંચાયતો આંચકીઃ ૧૦ ગુમાવી

Wednesday 20th June 2018 07:20 EDT
 
 

અમદાવાદઃ અઢી વર્ષનું શાસનકાળ પૂર્ણ થતાં જિલ્લા-તાલુકા પંચાયતો ઉપરાંત નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણીઓ યોજાઇ રહી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં ૧૦થી વધુ તાલુકા પંચાયતો ગુમાવી દીધી છે. જોકે, કોંગ્રેસના નેતાઓનો દાવો છેકે, ભાજપ પાસેથી ૯ પંચાયતો આંચકી લીધી છે.
કોંગ્રેસશાસિત જિલ્લા-તાલુકા પંચાયતો પર કબજો કરવા ભાજપ તલપાપડ છે. તડજોડની નીતિ અપનાવી ભાજપ તાલુકા પંચાયતો પર ભગવો લહેરાવવા પ્રયાસો કરવા માંડયા છે જેના પગલે કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે પણ તે જાણે બિનઅસરકારક સાબિત થયું છે તેનું કારણ એ છે કે, ફરી સાવરકુંડલા અને અમરેલી નગરપાલિકા કોંગ્રેસના હાથમાં સરકી ગઇ છે.
નવાઇની વાત તો એ છે કે, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી જ પોતાના ગઢમાં અમરેલી નગરપાલિકા બચાવી શક્યા નથી. કોંગ્રેસના બળવાખોરોએ પક્ષના મેન્ડેટનો અનાદર કરી ભાજપ સાથે હાથ મિલાવી સત્તા મેળવી લીધી છે. દેવગઢબારિયા નગરપાલિકા ય કોંગ્રેસે ગુમાવવી પડી છે. ભાજપે કોંગ્રેસશાસિત નગરપાલિકા પર ભગવો લહેરાવ્યો છે. જોકે, મોરબી નગરપાલિકા કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી છે.
સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસના ચાર બળવાખોર સભ્યોના સહયોગથી ભાજપે સત્તા હાંસલ કરી હતી. આમ,એક દિવસમાં કોંગ્રેસ ત્રણ નગરપાલિકા પર શાસન ગુમાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધી કોંગ્રેસે બગસરા, સિદ્ધપુર, દેવગઢબારિયા, લોધિકા, પાટણ સહિત અન્ય તાલુકા પંચાયતો ગુમાવવી પડી છે. જોકે, ભાજપશાસિત ૯ પંચાયતો પર કોંગ્રેસે કબજો પણ કર્યો છે. આમ,પંચાયતોમાં આયારામ ગયારામનો સિલસિલો જારી રહ્યો છે. કોંગ્રેસે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકા ગુમાવતા એઆઇસીસીએ ગુજરાત કોંગ્રેસ પાસે રિપોર્ટ મંગાવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter