રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીનાં જાહેર થયેલાં પરિણામોમાં ભાજપે વિજય મેળવીને અત્યારે તો પ્રતિષ્ઠા સાચવી લીધી છે, પરંતુ જીત ગત ચૂંટણી જેવી ચમકદાર નથી, પાટીદાર અનામત આંદોલનને કારણે સુરત, રાજકોટ, ભાવનગરમાં ભાજપે મહત્ત્વની બેઠકો ગુમાવી પડી છે તો બીજી તરફ કોર્પોરેશનમાં નામશેષ: થવાને આરે આવી પહોંચેલી કોંગ્રેસની બેઠકોમાં પાટીદારોના ભાજપવિરોધી રોષે વધારો કરાવી પ્રાણ ફૂંક્યા છે.
અમદાવાદઃ નવા સીમાંકનથી લાભમાં રહ્યું ભાજપ
અમદાવાદમાં પાટીદાર આંદોલને ભાજપને આમ તો ખાસ્સી અસર કરી હતી, છતાંય ભાજપના ઝંડા લહેરાયા ખરા. વર્ષ ૨૦૧૦માં ભાજપને ૧૪૨ સીટ મળી હતી એમાં વધારો થતાં આ ચૂંટણીમાં આંકડો ૧૫૧ પહોંચ્યો. આઠ પેનલ તૂટવા છતાં મૂળે તો નવા સીમાંકનના કારણે જ ભાજપ લાભમાં રહ્યું એવી ચર્ચાએ પરિણામ બાદ જોર પકડ્યું હતું.
વડોદરાઃ ભાજપે છ બેઠકો ગુમાવી, તો કોંગ્રેસે ત્રણ મેળવી
વડોદરા સેવાસદનની ચૂંટણીમાં સુકાની વગરની કોંગ્રેસને ૧૪ બેઠક મળી છે. નવા સીમાંકન સાથે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ગત ચૂંટણીની સરખામણીએ બેઠક ગુમાવી છે તો કોંગ્રેસને ત્રણ બેઠકનો ફાયદો થયો છે. સેવાસદનની ૭૫ બેઠક માટે મોડી સાંજ સુધી મતગણતરી ચાલુ રહી હતી અને સત્તાવાર પરિણામમાં ૭૬ બેઠક પૈકી ભાજપને ૫૮ બેઠક, કોંગ્રેસને ૧૪ અને રાષ્ટ્રીય સમાજ પક્ષને ચાર બેઠક મળી હતી. બુધવારે સવારે સૌપ્રથમ પરિણામ ઇલેક્શન વોર્ડ નં. ૧૬નું જાહેર થયું હતું. ૨૦૧૦ની ચૂંટણીમાં ભાજપને ૬૪ બેઠક અને કોંગ્રેસને ૧૧ બેઠક મળી હતી. જ્યારે વખતે પરિણામમાં ભાજપને ૫૮, કોંગ્રેસને ૧૪ અને રાષ્ટ્ર સમાજ પક્ષને ૪ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.
સુરતઃ પાટીદારોએ કોંગ્રેસને ૨૦ બેઠકો ભેટમાં આપી
સુરતના વરાછા, કાપોદ્રા, પુણાગામ, મોટા વરાછા અને સરથાણામાં ભાજપના પરંપરાગત પાટીદાર મતદારોમાં રોષ જોવા મળ્યો છે. પાટીદારોનો રોષ મતદાનમાં પણ દેખાયો છે અને વિસ્તારમાંથી ભાજપની પેનલોનો સફાયો થઈ ગયો છે તેમ કોંગ્રેસના ઉમેદવારોએ વર્ષો પછી વિજય પ્રાપ્ત કર્યો છે. જે વિસ્તારોમાં પાટીદારોએ થાળી વેલણથી વિરોધ નોંધાવ્યો હતો તે વિસ્તારોના ઈવીએમ પર પંજો ફરી વળ્યો અને પાટીદારોએ કોંગ્રેસને ૨૦ બેઠકો ભેટમાં આપી દીધી છે. વરાછા-કાપોદ્રા અને કતારગામના પાટીદારો હવે અનામત આંદોલન અને પોલીસ દમનને કારણે ભાજપથી વિમુખ થયા છે. આવા સંજોગોમાં શહેર ભાજપમાંથી હવે પાટીદારોનું વર્ચસ્વ ઓછું થઈ જશે.
રાજકોટઃ ક્રોસ વોટિંગે ભાજપને બચાવ્યું
રાજકોટના ૧૮ વોર્ડમાંથી ૧૪ વોર્ડમાં તો જે તે પક્ષની પૂરેપૂરી પેનલોનો વિજય થયો છે પણ ચાર વોર્ડમાં થયેલા ક્રોસ વોટિંગને કારણે પેનલ તૂટી છે અને તેનો ફાયદો ભાજપને થયો છે. ત્રણ વોર્ડમાં ક્રોસ વોટિંગને કારણે ભાજપના એક-એક મળી કુલ ત્રણ ઉમેદવાર ચૂંટાયા છે. ભાજપને માત્ર ચાર બેઠકની સરસાઇથી સત્તા મળી છે. જો ત્રણ બેઠક પર ક્રોસ વોટિંગ થયું હોત તો ભાજપને મળેલી બેઠકનો આંકડો ૩૫ થયો હોત. એટલે કે સતા કોંગ્રેસને મળી હોત. બે વોર્ડમાં પાટીદારોનું એક વોર્ડમાં આહીરોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું છે. ક્રોસ વોટિંગને કારણે ભાજપને ત્રણ બેઠક પર અને કોંગ્રેસને એક બેઠક પર વિજય મળ્યો. ભાજપને વખતે ૩૮ બેઠક મળી. ત્રણ બેઠક મળી હોત તો તેનો સ્કોર ૩૫ પર અટકી ગયો હોત.
ભાવનગરઃ ભાજપને પાટીદાર ફેક્ટર ન નડ્યું ને નુકસાન ટળ્યું
ભાવનગર મનપાની ચૂંટણીમાં પાટીદારો ભાજપની સાથે રહ્યો હોવાનું પરિણામોમાં સ્પષ્ટ જણાય છે. શહેરમાં પાટીદારોના નોંધપાત્ર મત ધરાવતા વડવા-અ અને બોરતળાવ વોર્ડમાં પોતાની બેઠકો વધારવા કોંગ્રેસે વડવા-અ વિસ્તારમાં ૩ અને બોરતળાવ તથા કાળિયાબીડમાં ૧-૧ ઉમેદવાર ઉતાર્યા હતા, પરંતુ તમામ વોર્ડમાં હાર અથવા જીત નક્કી કરનારા પાટીદારોના મત કોંગ્રેસને મળ્યા નહીં. ભાજપ સામેની પાટીદારોની નારાજગી ઈવીએમમાં પહોંચી નથી. શહેરમાં વસતા પાટીદારોને અનામત આંદોલન અંગેની માહિતી તથા સરકારી યોજનાઓ સમજાવવામાં ભાજપના નેતાઓ અને ઉમેદવારો સફળ રહ્યા હોય તેવું મત ગણતરીના આંકડા દ્વારા જણાઇ રહ્યું છે.
જામનગરઃ નવા સીમાંકન નવા સમીકરણ
જામનગરમાં નવા સીમાંકન બાદની પ્રથમ ચૂંટણીમાં ઘણાં સમીકરણો સામે આવ્યા છે, જોકે મનપામાં સત્તા જાળવી રાખવામાં ભાજપ સફળ રહ્યો અને ૬૪માંથી ૩૮ બેઠક મેળવી છે. સાથે સાથે કોંગ્રેસે પણ કાઠું કાઢ્યું અને પાટીદાર સમર્થન સહિત ૨૬ બેઠકો મેળવી છે. ૨૦૧૦ની ચૂંટણી બાદ થયેલા ફેરફારોના અંતે હાલ જૂના સીમાંકન મુજબ ૫૭ માંથી જામનગર મનપામાં ૩૮ બેઠક ભાજપની ૧૫ બેઠક કોંગ્રસની અને ૪ અન્યની રહી હતી. જોકે પાટીદાર આંદોલન પણ એક મહત્ત્વનું પરિબળ બની ગયું હતું. ૧૬ વોર્ડની ૬૪ બેઠકોમાંથી ૪૨થી ૪૫ બેઠક મેળવવાનો ભાજપ પ્રમુખનો દાવો હતો તે સફળ રહ્યો નથી, પરંતુ પક્ષ બહુમતી જાળવી શક્યો છે, તેમાંય નવા સીમાંકન બાદ વોર્ડના વિસ્તારોમાં વધઘટ થઈ છતાંય આયોજનબદ્ધ રીતે પ્રચાર પ્રસાર કરવા કેળવાયેલા પક્ષનું અંગેનું જમા પાસું ઊભરી આવ્યું હતું.
મહાનગરપાલિકાના પરિણામના પાંચ પરિબળો
અમદાવાદઃ વોર્ડ સીમાંકન ફળ્યું
- સીમાંકનથી ભાજપની લાજ રહી
- પાટીદાર આંદોલને અડચણ ઊભી કરી
- વ્યક્તિગત ઉમેદવારની ઇમેજને કારણે પેનલ જીતી
- કોંગ્રેસને કોટ વિસ્તારમાં નુકસાન
- ભાજપની ૮ પેનલ તૂટી
સુરતઃ ગઢમાં પડ્યું ગાબડું
- પાટીદારોના ગઢ મનાતા ૧૧ વોર્ડની ૪૪ બેઠકોમાંથી ૨૩ બેઠકો કોંગ્રેસે જીતી
- ડેપ્યુટી મેયર રંજનબેન વેકરિયા હાર્યાં, તેમને પણ પાટીદાર ઈફેક્ટ નડી
- ચાર વોર્ડમાં ભાજપની પેનલ તૂટી
- વિદ્યાર્થીનેતા ભાજપને ભારે પડશે
- કાંઠા વિસ્તારની અવગણના
વડોદરાઃ મેયરના વોર્ડમાં હાર
- મેયર ભરત શાહના વોર્ડમાં ભાજપની હાર, કોંગ્રેસની પેનલ જીતી
- કેશફોર વોટમાં સંડોવાયેલા ઉમેદવારો પૈકી ભાજપ-કોંગ્રેસના ૧-૧ ઉમેદવારની જીત
- કોંગ્રેસના ઉમેદવારની ૧૩ મતથી જીત
- ભાજપના કરોડપતિ ઉમેદવાર બંદીશ શાહની ચોંકાવનારી હાર
- કોંગ્રેસના ચિન્નમ ગાંધી હાર્યા
રાજકોટઃ માંડ શાસન આવ્યું
- શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયાને પાટીદાર ફેક્ટર નડ્યું
- શહેરના તમામ વોર્ડમાં ક્રોસ વોટિંગ થતાં ભાજપને ભારે નુકસાન
- ભાજપના જ ૧૦ પાટીદાર હાર્યા
- બાવળીયા - રાજ્યગુરુ જૂથનો સંઘર્ષ
- માજી મેયર અશોક ડાંગરની હાર
ભાવનગરઃ ટોચના નેતા હાર્યા
- મેયર, શહેર ભાજપ પ્રમુખ, શહેર ભાજપ મહામંત્રીનો પરાજ્ય
- ભાજપમાંથી સસ્પેન્ડ ઉમેદવારોની જીત
- મતગણતરીમાં મહિલાનો પ્રયોગ
- ૪૦૪૫ મતદારોએ નોટા પસંદ કર્યું
- પાટીદારની નોંધપાત્ર સંખ્યા ધરાવતા વોર્ડમાં કોંગ્રેસ હારી
જામનગરઃ રિપીટ ઉમેદવાર ઘટ્યા
- ભાજપે ૧૭ અને કોંગ્રેસને ૭ ઉમેદવારને રિપીટ કરતા લાભ મળ્યો
- કોંગ્રેસે ઢંઢેરો બહાર પાડ્યો પણ લોકો સુધી પ્રચાર લઈ જઈ શકી નહીં.
- પાટીદાર આંદોલનને કારણે કોંગ્રેસની બેઠકમાં વધારો
- માઈક્રો પ્લાનિંગ છતાં ભાજપ હાંફ્યું
- પાટીદારનો લાભ કોંગ્રેસને મળ્યો નહીં.