ગાંધીનગરઃ રાજ્ય સરકાર સામે વડા પ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ મોરચો માંડ્યો છે. તેઓ ૨૧ અને ૨૨મીએ બે દિવસ માટે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે રૂપાણી સરકાર સામે ધરણાં પર બેઠા હતા. પ્રહલાદ મોદી ગુજરાત રાજ્યના બાવીસ હજાર ફેરપ્રાઇસ શોપ-ઓનર્સ અસોસિએશનના પ્રમુખ છે અને પડતર માગણીઓના મુદ્દે આ આંદોલન કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી ૧ માર્ચથી ગુજરાતમાં તમામ રેશન ડીલરો પોતાની દુકાન બંધ રાખીને આંદોલનને ઉગ્ર બનાવશે. ઉલ્લેખનીય છે કે મોદીની સાથે ગુજરાતના હજારો રેશન ડીલરો પણ આ ધરણામાં જોડાયા હતા. કુલ ૧૩ મુદ્દા સરકારને લખીને આપ્યા હતા. વારંવાર રજૂઆત કરી પણ સરકારના ધ્યાન આપતી નથી.
મોદીએ જણાવ્યું કે ગયા ત્રણ વર્ષથી માગણી કરી રહ્યા છીએ, ગઈ ચૂંટણી પહેલાં કમિશનમાં ૧૫ પૈસા વધારો આપ્યો હતો. પછી ૨૩ પૈસાનો વધારો કર્યો, પણ બીજા લાભો જાહેર કર્યા નથી. જ્યાં સુધી સરકાર અમને સંપૂર્ણ રીતે સાંભળીને અમને ન્યાય નહીં આપે તો ૧ માર્ચથી ગુજરાતની બધી જ વાજબી ભાવની દુકાનોના દુકાનદારો દુકાનો બંધ રાખશે. ગુજરાતમાં ૧૭ હજાર વાજબી ભાવની દુકાનો તેમ જ કેરોસીન લાઇસન્સ હોલ્ડરો સાથે કુલ બાવીસ હજાર જેટલા સભ્યો છે.વડા પ્રધાનના ભાઈ મોદીને પૂછવામાં આવ્યું કે તમે વડા પ્રધાન નરેન્દ્રભાઈના ભાઈ છો એવા સમયે આંદોલન કરી રહ્યા છો? ત્યારે તેમણે કહ્યું હતું કે અમારો પરિવાર પરિવારવાદમાં માનતો નથી. હું દુકાનદાર છું એટલે વાત કરુ છું. હું વાજબી ભાવની દુકાનનો દુકાનદાર છું.


