ભાજપ સશક્ત, કોંગ્રેસ અશક્ત

Wednesday 18th March 2020 04:03 EDT
 
 

અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી અગાઉ પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કરી દીધું છે. આ સાથે જ આવતા સપ્તાહે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં બે બેઠક કબ્જે કરવાના કોંગ્રેસના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સોમવારે ગૃહમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાંની જાહેરાત કરી હતી. લીંબડીના સોમા ગાંડા પટેલ, ગઢડાના પ્રવીણ મારુ, ધારીના જે. વી. કાકડીયા, અબડાસાના પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને છેલ્લે ડાંગના મંગળ ગાવિતે રાજીનામું આપ્યું હોવાથી કોંગ્રેસ પક્ષે તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરતો હુકમ જારી કર્યો હતો.
જોકે કોંગ્રેસના આ પ્રયાસો ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારા જેવા હતા. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હજુ ‘લાપત્તા’ હોવાથી તેઓ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડશે તેમ મનાય છે.
ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે હજુ તો આ મુદ્દે વિધાનસભા ગૃહમાં તડાફડી ચાલતી હતી ત્યાં જ કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયેલા જે. વી. કાકડીયાનાં પત્ની કોકિલાબેને વિસ્ફોટક નિવેદન કર્યું હતું કે (રાજ્યસભાની) ટિકિટ મળી ન હોવાથી ભરતસિંહ સોલંકીએ જ તેમના પતિને ભાજપમાં જોડાઇ જવા જણાવ્યું હતું. આ વાતે કોંગ્રેસની છાવણીમાં જ સોંપો પડી ગયો હતો. કોંગ્રેસે તરત વળતાં પગલાં લઇને અમરેલી જિલ્લાના કોંગ્રેસી નેતા કોકિલાબહેનને સસ્પેન્ડ તો કરી નાંખ્યા હતા, પણ ત્યાં સુધીમાં પક્ષમાં ફેલાયેલો આંતરિક જૂથવાદ ખુલ્લો પડી ગયો હતો.

કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં

બીજી તરફ, કોંગ્રેસના ગૃહમાં મોજુદ ધારાસભ્યો ભાજપ ‘તોડોના’ વાઇરસ ફેલાવી વધુ કોંગ્રેસી ધારાસભ્યોને ખેરવાનો પ્રયાસ કરે છે તેવો મુદ્દો ઉઠાવી સદન છોડીને ચાલ્યા ગયા હતા. આ તમામ ધારાસભ્યો, પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ, રાજ્યસભાના બન્ને ઉમેદવારો - શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સહિત ત્રીસેક જણનો સંઘ અમદાવાદથી વિમાન મારફતે જયપુર રવાના થઇ ગયો હતો.

૩ ધારાસભ્ય હજુ ‘લાપત્તા’

કોંગ્રેસે બચેલા ધારાસભ્યોને અકબંધ રાખવા જયપુર રિસોર્ટમાં ખસેડ્યા છે. પક્ષના કુલ ૬૮ ધારાસભ્યોમાંથી ૬૫ ધારાસભ્યો જયપુર પહોંચ્યા છે. ત્રણ ધારાસભ્યો હજુ પણ જયપુર પહોંચ્યા નથી અને તેઓ તમામ પ્રકારના સંપર્કોથી દૂર છે. આ ધારાસભ્યોમાં કરજણના અક્ષય પટેલ, જંબુસરના સંજય સોલંકી અને રાજુલાના અમરિષ ડેરનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોનો કોંગ્રેસ સાથે વફાદરી નિભાવશે કે કેમ સવાલ છે.
વિધાનસભા ગૃહમાં ભાજપ અને કોંગ્રેસનું સંખ્યાબળ જોતાં સ્પષ્ટ થઇ ગયું છે કે ભાજપના ત્રણ ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરિ અમીન જ્યારે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અથવા શક્તિસિંહ ગોહિલ બેમાંથી કોઈ એકનું રાજ્યસભામાં ચૂંટાવું નક્કી છે.

નેતાગીરી નબળી પુરવાર થઇ 

કોંગ્રેસમાંથી રાજીનામા આપવાનો આ સિલસિલો હજુ આગળ વધે તેવી શક્યતા છે. આ સંજોગોમાં ગુજરાત કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઇ છે. ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી વખતે જ રાજીનામા અને પક્ષપલટાનો દોર શરૂ થઇ જાય છે. આ વખતે પણ રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતાં જ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ખેડવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી પણ આ હકીકતથી વાકેફ હતી, છતાં તે પોતાના ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણી જેવા મહત્ત્વના સમયે સાચવી શકી નથી તે હકીકત છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાધાણીએ કહ્યું કે, ભાજપની ત્રણેય બેઠકો પર જીત નક્કી થઈ ગઈ છે. કોંગ્રેસને ક્યારેય સત્તા પ્રાપ્ત થવાની નથી. મહત્ત્વનું છે કે, કોંગ્રેસને તોડફોડની ભીતિ હતી એટલે જ પોતાના ધારાસભ્યોને જયપુર રિસોર્ટમાં રવાના કર્યા હતા.

હવે નિર્ણય હાઇકમાન્ડના હાથમાં

પાંચ સભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૬૮ થઇ ગઇ છે. આ સંજોગોમાં રાજ્યસભાની માત્ર એક જ બેઠક પર તેમનો વિજય નિશ્ચિત જણાય છે. આથી કોંગ્રેસ હાઇકમાન્ડે નિયુક્ત કરેલા બે નિરીક્ષકો - બી. કે. હરિપ્રસાદ અને રજની પાટિલ જયપુર પહોંચીને તમામ ધારાસભ્યો અને ગુજરાત કોંગ્રેસના નેતાઓને મળીને બીજા ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા બાબતે તેમના અભિપ્રાય જાણશે. આ અભિપ્રાયને આધારે હાઇકમાન્ડ આખરી નિર્ણય લેશે. જોકે કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ પાસેથી ફોર્મ પાછું ખેંચાવી લે તેવી શક્યતા વધુ છે.

સીએમના બંગલે સોદા થયાઃ કોંગ્રેસ

રાજ્યસભા ચૂંટણી પહેલાં જ પાંચ ધારાસભ્યો કોંગ્રેસને અલવિદા કહી ચૂક્યા છે ત્યારે વિધાનસભા ગૃહમાં પણ આ પક્ષપલટો ગાજ્યો હતો. વિપક્ષના ધારાસભ્યોએ એવો આરોપ મૂક્યો હતોકે, મુખ્ય પ્રધાનના બંગલે જ કોંગ્રેસના ધારાસભ્યોના સોદા થયાં છે. આટલા કરોડો રૂપિયા કયાંથી લાવ્યાં, કયાંથી ભ્રષ્ટાચાર કર્યો તે પ્રજાને જવાબ આપો. વિપક્ષના આક્ષેપોને કારણે ગૃહમાં શાસક પક્ષના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. જયારે મુખ્ય પ્રધાને તો પડકાર ફેંક્યો હતો કે, આ વાત સાબિત કરો, માત્ર આક્ષેપો કરો નહીં.
ગુજરાત વિધાનસભામાં સોમવારે કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટાને લઇને શાસક પક્ષ અને વિપક્ષ રીતસર સામસામે આવ્યા હતાં. ધારાસભ્ય અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, મુખ્ય પ્રધાન જાહેરમાં કહે છે કે, કયાંય ભ્રષ્ટાચાર થતો નથી. પણ ચૂંટાયેલાં પ્રતિનિધિઓને રીતસર ખરીદાયા છે. એટલું જ નહીં, મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને જ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનો કરોડોમાં સોદો કરાયો છે. આટલા રૂપિયા આવ્યા કયાંથી, કોણે ભ્રષ્ટાચાર કર્યો તેનો જનતાને જવાબ આપો. અમિત ચાવડાએ આક્ષેપ કરતાં એક તબક્કે ગૃહમાં સોંપો પડી ગયો હતો.
આ સાંભળીને મુખ્ય પ્રધાન રૂપાણી ઉભા થઇ ગયા હતાં. તેમણે વળતો પ્રહાર કર્યો કે, આ વાત સાબિત કરો, કોંગ્રેસમાં ત્રેવડ નથી ને આક્ષેપબાજી કરે છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ અધ્યક્ષ સમક્ષ એવો આગ્રહ રાખ્યો હતો કે, કોંગ્રેસ મુખ્ય પ્રધાન - ભાજપ સામે કરેલાં આક્ષેપો પાછા ખેંચે. નહીંતર સાબિતી આપે. જોકે દેકારામાં વાત દબાઇ ગઇ હતી.

ધારાસભ્ય કાંધલ જાડેજા મુખ્ય પ્રધાનને મળ્યા

ભાજપને ત્રીજી બેઠક જાળવવા માટે કુલ ૭ મતોની જરૂર છે. આ જોતાં ભાજપે સૌથી પહેલાં બીટીપી (બે ધારાસભ્યો) અને એનસીપી (એક ધારાસભ્ય)ના મતો અંકે કરવા રાજકીય સોગઠાબાજી ગોઠવી દીધી છે. ગત વખતે ય એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને જ મત આપ્યો હતો. આ વખતે ય એનસીપીનો મત ભાજપને મળી શકે છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા હતાં તે જ વખતે કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. આ જોતાં લાગી રહ્યું છે કે, એનસીપીનો એક મત ભાજપને ફાળે જ જશે. જો એનસીપીના વડા શંકરસિંહ વાઘેલા પક્ષનો વ્હિપ આપશે તો ય તે અનાદર કરીને ભાજપને મત આપે તેવી શક્યતા જોવાઇ રહી છે.

અહેમદ પટેલથી નારાજ છે બીટીપીના ધારાસભ્યો

ગત વખતે રાજ્યસભાની ચૂંટણી ખૂબ જ રસાકસીભરી બની હતી. તે વખતે કાંટે કી ટક્કર થઇ હતી અને બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાના એક માત્ર મતથી કોંગ્રેસના અહેમદ પટેલ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. બીટીપીએ કોંગ્રેસ પર આટલો મોટો રાજકીય ઉપકાર કર્યો હોવા છતાંય લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બીટીપીને ટિકીટ આપવાનું વચન પાળ્યું ન હતું અને કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી મેદાને ઉભો રાખ્યો હતો. આ રાજકીય મતભેદને કારણે બીટીપી આ વખતે કોંગ્રેસ સાથે રાજકીય બદલો લેવાના મૂડમાં છે. આમ બીટીપીના બંને ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવા ભાજપને મત આપી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter