સુરતઃ શહેરમાં ૮મીએ મુખ્ય પ્રધાન, ઉપમુખ્ય પ્રધાન, ભાજપના યુવા પ્રદેશ પ્રમુખ તથા પાટીદાર પ્રધાન અને ધારાસભ્યોનું સન્માન કરવા અબ્રામા ખાતે રાજસ્વી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહના પ્રચાર માટે શહેરમાં બેનર્સ લગાડાયા છે. દરમિયાન વરાછામાં લગાવવામાં આવેલા બેનર પર કાળી શાહી લગાડીને સરકારનો વિરોધ કરાયો છે. જોકે, પાટીદાર સમાજના પ્રધાન અને ધારાસભ્યોના સન્માન પાટીદારોમાં વણદેખીતો રોષ વર્તાય છે. પાટીદાર અનામત આંદોલન માટે ગઢ ગણાતા સુરતમાં ભવ્ય સન્માન સમારોહનું આયોજન થયું છે. આ સન્માન સમારોહમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ સહિત રાજ્યકક્ષાના પ્રધાનો તથા ૪૪ પાટીદાર ધારાસભ્યનું સન્માન કરાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને પાટીદાર સન્માન અભિવાદન સમિતિ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં હોર્ડિંગ્સ, બેનર્સ તેમજ પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે.
દલિત યુવકોએ ખુરશી ઉછાળી
રાજકીય એજન્ડા પાર ઉતારવા સામાજિક સમરસતા સંમેલનો યોજવાનું ભાજપને ભારે પડી રહ્યું છે. અમદાવાદ વેજલપુરમાં ભાજપ સમર્થિત નેતાની સંસ્થા દ્વારા રવિવારે બપોરે યોજાયેલા સામાજિક સમરસતા સંમેલનમાં સ્ટેજ ઉપરથી ઉનાની ઘટના સંદર્ભે ન્યાય માંગી રહેલા યુવાનો સામે બેફામ ઉચ્ચારણો થતા ઉશ્કેરાયેલા યુવાનોએ કપડા ઉતારીને વિધાનસભાના અધ્યક્ષ, પ્રધાન અને સાંસદો સહિત ભાજપના આગેવાનોનો વિરોધ કર્યો હતો. જેમાં મહિલાઓ પણ જોડાતાં એક તબક્કે ખુરશીઓ ઉછળી અને છેવટે આખું સંમેલન જ ગણતરીની મિનિટોમાં જ સમેટી લેવાયું હતું. વેજલપુરના ડો. બાબાસાહેબ આંબેડકર ચોકમાં રવિવારે બપોરે આયોજિત સમરસતા સંમેલનની સંવેદનશીલતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. તેમ છતાં પણ મંચસ્થ આગેવાનોના ઉદબોધનથી સ્થિતિ વણસી જવા પામી હતી.


