ગાંધીનગરઃ અમરેલી, આણંદ, પાટણ, જૂનાગઢ, બારડોલી અને છોટાઉદેપુર એમ લોકસભાની છ બેઠકો આ ચૂંટણીમાં જાળવવી ભાજપ માટે પડકારરૂપ હતું. વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં આ છ બેઠકોમાં કોંગ્રેસના જનાધારમાં અભૂતપુર્વ વધારો થયો હતો. આથી, કોંગ્રેસમાં પેઢી દર પેઢી, દાયકાઓથી વર્ચસ્વ ધરાવતા કોંગ્રેસના જૂના જોગીઓ ફરી ઉમેદવાર થઈ ઉતર્યા હતા.
ભાજપે છોટાઉદેપુરના અપવાદને બાદ કરતાં બાકીની પાંચે બેઠકો પર વર્તમાન સાંસદોને જ ચૂંટણીમાં ઉતારતાં આખી ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ગેલમાં રહી. ઉમેદવારો ન્યૂઝ ચેનલો પર નિવેદનો કરતા રહ્યા, ટોળામાં સેલ્ફી લઈ સોશ્યલ મિડિયામાં પોસ્ટ કરતા રહ્યા. તો બીજી તરફ ભાજપે સંગઠનાત્મક સ્તરે પીઢ, જનમાનસ અને સ્થાનિક જ્ઞાતિસમુહો પર પ્રભાવ સર્જી શકે તેવા ૬ સ્ટ્રેટેજી મેકર્સને ઉતાર્યા હતા. પબ્લિસિટી કોરાણે મુકી, આકારા તાપમાં પ્રચારને બદલે આ રણનીતિકારોએ રાત્રી બેઠકો દ્વારા ભાજપના મૂળિયા ઊંડા ઉતારવાનો વ્યુહ અપનાવતા કોંગ્રેસના છ દિગ્ગજોના બાર વાગી ગયા છે.
• આણંદઃ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
ખામ થિયરીનો ગઢમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સામે ભાજપ હાઈકમાન્ડે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપી હતી. ક્ષત્રિય ઓબીસી મતદારોની વચ્ચે બેસીને ‘ભરત જોઈએ કે ભારત જોઈએ?’ની થીમલાઈન પર ચુડાસમાએ ગામેગામ પ્રચાર આદર્યો. આથી, ભાજપના મિતેષ પટેલનું પલ્લું ભારે રહ્યાનું સંગઠનનું કહેવું છે.
• જૂનાગઢઃ મનસુખ માંડવિયા
હાઈકમાન્ડે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાને જૂનાગઢની જવાબદારી સોંપી. સૌથી છેલ્લે સાંસદ રાજેશ ચૂડાસમાને ટિકિટ આપી હતી. પ્રચારમાં પણ ચુડાસમાને ભાગવુ પડયુ હતુ. માંડવીયાએ સુરતથી ૧૫૦ યુવકોને જૂનાગઢ, તાલાળા, વિસાવદરમાં ઉતારી પાટીદારો મતોને કોંગ્રેસમાં જતા રોક્યા, ભાજપની જીત સરળ રહી.
• છોટાઉદેપુરઃ રાજેશ પટેલ સાડા ત્રણ દાયકાથી એકધારા ધારાસભ્યપદે ચૂંટાતા મોહનસિંહ રાઠવાના પુત્ર અને જિલ્લા પંચાયત પ્રમુખને કોંગ્રેસે આ બેઠક ઉપર ઉતાર્યા હતા. દેશમાં એકમાત્ર ભાજપના આદિવાસી મહિલા ઉમેદવારને જીતાડવા હાઈકમાન્ડે રાજેશ પટેલને જવાબદારી હતી. તેમની ટીમે માઈક્રો મેનેજમેન્ટ થકી રાઠવા મતોમાં ગાબડા પાડી ભાજપ સામેનો પડકાર હળવો કર્યો છે.
• બારડોલીઃ ગણપત વસાવા
વિધાનસભા- ૨૦૧૭ની ચૂંટણીમાં બારોડલીમાં કોંગ્રેસનો જનાધાર વધ્યો હતો. સરકાર વિરોધી આદિવાસી આંદોલનો, કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યાને બળે જીતની આશા સેવી રહેલા તુષાર ચૌધરી સામે કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ વધુ મતદાનની વ્યુહનીતિ અપનાવતા સાંસદ પ્રભુ વસાવાને બીજી ટર્મ મળ્યાનું કહેવાય છે.
• અમરેલીઃ જયંતી કવાડિયા
ચૂંટણી પહેલાથી જ ભાજપે પૂર્વ મંત્રી જંયતિ કવાડિયાને અમરેલીના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. વર્તમાન સાંસદ નારાયણ કાછડિયા સામે એન્ટિઈન્કમ્બન્સીને તોડવા તેમની સ્ટ્રેટેજીમાં સફળ રહી છે. અગાઉ ચાર જાયન્ટ નેતાઓને હરાવનારા વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પહેલીવાર પહેલીવાર હારનો સ્વાદ ચાખવો પડયો છે.
• પાટણઃ મયંક નાયક
પ્રધાન દિલીપ ઠાકોરે ચૂંટણીનો ઈન્કાર કરતા કોંગ્રેસના જગદીશ ઠાકોર સામે પાટણ જીતવાનું ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું. પાટણના ઠાકોર સમાજથી અલગ ખેરાળુના ભરતસિંહ ડાભીને ઉતાર્યા. આ સ્થિતિમાં પ્રભારી મયંક નાયકની ટીમે ઓબીસીની નાની જ્ઞાતિઓનું વધુ વોટિંગ કરાવી ઠાકોર મતોમાં ગાબડા પાડતા ભાજપને જંગી લીડ મળ્યાનું કહેવાય છે.


