ગાંધીનગરઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ હશે? એની ચર્ચા ગરમ રહી છે. આખરે આ ચર્ચાનો અંત આવ્યો હોય તેવું લાગે છે. ભાજપના નવા પ્રમુખ તરીકે વિજય રૂપાણીનું નામ આગામી ૧૯મી ફેબ્રુઆરીના રોજ જાહેર થવાની પૂરી શક્યતા હાલમાં તો દેખાય છે. ભાજપના આધારભૂત સૂત્રોનું કહેવું છે કે વિજય રૂપાણીની પસંદગી થવા પાછળનું કારણ છે કે તેઓ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આનંદીબહેન પટેલ એમ ત્રણેયનો વિશ્વાસ ધરાવે છે. હાલની રાજકીય પરિસ્થિતિ મુજબ જો કોઈ પાટીદારને પ્રમુખ બનાવાય તો ઓબીસી નારાજ થાય તેમ છે જ્યારે ઓબીસીને બનાવાય તો પાટીદારો સમાધાન માટે રાજી થાય નહીં. આ જોતાં વિજય રૂપાણી આ હોદ્દા માટે યોગ્ય ગણાવાયા છે. ઉલ્લેખનીય છે કે આ પદ માટે આનંદીબહેન અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચેનો ગજગ્રાહ અને એક બીજા પર વર્ચસ્વ સ્થાપિત કરવાની લડાઈ પણ કારણભૂત મનાય છે.


