બાથરૂમમાં લપસી પડતાં ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને ઈજા
ગાંધીનગરઃ ભાજપના પ્રદેશ પ્રમુખ અને પાણી પુરવઠા પ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર ખાતેની મિનિસ્ટ્રી સ્ટ્રીટમાં સરકારી બંગલાના બાથરૂમમાં લપસી પડતાં તેમને માથાના ભાગે ઈજા થઈ હતી. જેના કારણે તેમણે હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી અને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. જોકે, તેઓની તબિયત સુધારા ઉપર છે. તેમ તેમની કચેરીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સવારના સમયે બાથરૂમમાં ગયા ત્યારે બાથરૂમમાં પાણી હોવાથી તેઓ લપસી ગયા હતા અને બાથરૂમના દરવાજાનો આગરિયો માથાના પાછળના ભાગે વાગતાં તેઓને ઈજા થઈ હતી અને બાથરૂમ લોહીથી ખરડાઈ ગયું હતુ. તેમને તુરંત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટાંકા લેવામાં આવ્યા હતા. માથાની અંદર કોઈ ગંભીર ઈજા છે કે કેમ તેની સલામતી ખાતર તપાસ કરવા માટે સિટીસ્કેન કરાયું હતું. જોકે, મગજના ભાગે કોઈ ઈજા હોવાનું જણાયું ન હતું. આ સમાચાર વાયુવેગે ફેલાતાં કાર્યકરો અને પ્રધાનોએ તેમની ખબર પૂછી હતી. ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપતાં તેઓ હાલ તેમનાં સત્તાવાર નિવાસ સ્થાને છે.


