અમદાવાદઃ આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાને લઈ ભાજપના પ્રદેશ કોર ગ્રૂપ, લોકસભા ચૂંટણી સમિતિ તેમજ પ્રદેશ મહામંત્રીઓને સોમવારે એક સંયુક્ત બેઠક બોલાવાઈ હતી, મુખ્ય પ્રધાનની હાજરીમાં મળેલી બેઠકમાં આંતરિક સર્વે પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતના વર્તમાન ભાજપના સાંસદોમાં ૨૬માંથી ૯થી ૧૦ જેટલા સાંસદોથી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં સાંસદોને પ્રજા સાથેનો સંપર્ક તેજ કરવા સૂચના તો આપવામાં આવી છે સાથે જ ઉમેદવારોના વૈકલ્પિક નામો પર ચર્ચા વિચારણા આગામી બેઠકમાં કરવાનું નક્કી કર્યું છે.
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, જે સાંસદો સામે પ્રજામાં રોષ છે તેમાં અમદાવાદના સાંસદ પરેશ રાવલ અવ્વલ નંબર પર છે. સર્વેમાં અન્ય જે નામો ઊભરીને આવ્યા છે તેમાં કચ્છના વિનોદ ચાવડા, રાજેશ ચૂડાસમા, ભારતીબેન શિયાળ, રંજનબેન ભટ્ટ, જયશ્રીબેન પટેલ, દીપસિંહ રાઠોડ તેમજ એલ. કે. અડવાણીનો સમાવેશ થાય છે.


