ગાંધીનગરઃ ચલો ગાંવ કી ઔર અંતર્ગત ગાંધીનગરમાં ૧૮મી માર્ચે ઉત્તર ગુજરાત ઝોનની વિરાટ કિસાન રેલીનું ભાજપે આયોજન કર્યું હતું. રાજ્યના ચાર જિલ્લાના ખેડૂતોના પગની દિશા ગાંધીનગર ભણી હતી. અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા તથા સુરેન્દ્રનગર પાંચ જિલ્લાના ખેડૂતો માટે યોજાયેલી કિસાન રેલીમાં ગાંધીનગર સહિત પાંચ જિલ્લામાંથી ૩૦ હજારથી પણ વધુ કિસાનો ઊમટી પડ્યા હતા.
કિસાનોની મેદની વચ્ચે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ તથા પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી શણગારેલા બળદગાડામાં સભા મંડપમાં આવી પહોંચતાં જ જયજયકારના નારા શરૂ થઈ ગયા હતા. મુખ્ય પ્રધાને પોતે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. નર્મદા યોજનાથી લઈ સુજલામ સુફલામ યોજના સહિતની સિંચાઈ અંગેની માહિતી કિસાનો સમક્ષ મુકી હતી.


