અમદાવાદઃ ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગીનો મુદ્દો માત્ર ભાજપ માટે જ માથાના દુઃખાવારૂપ બન્યો છે તેવું નથી. કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગી મુશ્કેલ સાબિત થઇ રહી છે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પક્ષના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવા માટે મંગળવારે નવી દિલ્હી પહોંચ્યા હતા અને હાઇ કમાન્ડ સાથે ચર્ચા કરી હતી.
જોકે આખો દિવસ ચર્ચા પછી મોડી રાત સુધીમાં માત્ર બે ઉમેદવારોના નામ જાહેર થયા છે. જેમાં કચ્છ લોકસભા બેઠક માટે નરેશ મહેશ્વરી અને નવસારી બેઠક માટે ધર્મેશ પટેલના નામ જાહેર થયા છે.
માત્ર છ ઉમેદવારો નક્કી
હાઇ કમાન્ડ દ્વારા આ અગાઉ આણંદ બેઠક માટે ભરતસિંહ સોલંકી, અમદાવાદ-પશ્ચિમ બેઠક માટે રાજુભાઇ પરમાર, વડોદરા બેઠક માટે પ્રશાંત પટેલ અને છોટાઉદેપુર માટે રણજીતસિંહ રાઠવાના નામ જાહેર થયા છે. આમ અત્યાર સુધીમાં કોંગ્રેસે રાજ્યની ૨૬માંથી માત્ર છ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
ભાજપે ગુજરાતના ઉમેદવારોની જાહેર કરેલી પ્રથમ યાદીમાં એક બેઠકને બાદ કરતાં તમામ સિટીંગ સાંસદોને રીપિટ કરવામાં આવ્યા છે. તેની સામે કોંગ્રેસ મોટા ભાગની બેઠકો પર નો-રીપિટ થિયરી અપનાવવાનું વિચારતી હોવાના અહેવાલ છે. ભાજપે પ્રભુ વસાવાને રીપિટ કરતા કોંગ્રેસે તુષાર ચૌધરીની જગ્યાએ ધારાસભ્ય આનંદ ચૌધરીને અને વલસાડ બેઠક પર ભાજપે કે. સી. પટેલને રીપિટ કરતા કીશન પટેલના નામ અંગે ફેરવિચારણા હાથ ધરી છે. ધ્રાંગધ્રા બેઠક પરથી ભાજપના નારાજ સાંસદ દેવજી ફતેપરાને કોંગ્રેસમાંથી લડાવવાની વાટાઘાટો ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કાપી છે.
વધુ એક આંદોલનકારી નેતા કોંગ્રેસમાં?
આંદોલનકારી ચહેરાઓ એક પછી એક કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આમાં હવે એક કર્મચારી યુનિયનના અગ્રણીનો સમાવેશ થાય છે. ફિક્સ વેતનના વિરોધમાં આંદોલનનો મંડાણ કરીને રાજ્ય સરકારને ભીંસમાં લેનાર પ્રવીણ રામ સોમવારે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા ધાનાણીને મળ્યા હતા. તેમણે ગાંધીનગર કે અન્ય બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું સૂત્રોએ કહેવું છે. જોકે કોંગ્રેસના મોવડીઓએ હજુ મગનું નામ મરી પાડ્યું નથી. જોકે એક વર્ગ ઇચ્છે છે કે પ્રવીણ રામની કર્મચારીઓમાં લોકપ્રિયતા છે તેનો પક્ષે લાભ લેવો જોઇએ.
જગદીશ ઠાકોરના નામ સામે અલ્પેશ ઠાકોર નારાજ
પાટણ લોકસભા બેઠક પર જગદીશ ઠાકોરનું નામ નક્કી થતા ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરીને ચિમકી આપી હોવાનું બહાર આવ્યું છે. જોકે જગદીશ ઠાકોરને ટિકિટ આપવા પહેલા સહમતી થઈ ગઈ હતી, પણ પાછળથી કોકડું ગૂંચવાયું છે.
શંકરસિંહ ગાંધીનગરથી લડે તેવી NCPની ઇચ્છા
એનસીપીએ શંકરસિંહ વાઘેલાને ગાંધીનગર કે અન્ય બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની અપીલ કરી છે. જોકે, એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ આ નિવેદન પછી ભૂગર્ભમાં જતા રહ્યા હતા. જ્યારે શંકરસિંહની છાવણી તરફથી બાપુ ચૂંટણી લડવાના ન હોવાનું જાણવા મળ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ખુદ સ્પષ્ટતા કરી છે કે તેઓ હવે લોકસભા ચૂંટણી લડવા માંગતા નથી. જોકે તેમનું કહેવું છે કે તેઓ ભાજપને પછાડવા હરસંભવ પ્રયાસ કરશે.


