ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના નવા મંત્રીમંડળમાં વિજય રૂપાણીની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છનું વજન યથાવત્ રહ્યું છે. 2027 વિધાનસભા ચૂંટણી અને નવી મહાનગરપાલિકાની આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખી ધારાસભ્યોને મંત્રીપદને અપાયાં છે. રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ સૌરાષ્ટ્ર-કચ્છથી 9 મંત્રી હતા, જ્યારે આ વખતે તેમની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છથી 9 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રીમંડળની નવરચના ભલે 2025માં થઇ હોય, પરંતુ નજર 2027ની વિધાનસભા ચૂંટણીઓ પર છે.
નવા મંત્રીમંડળમાં મંત્રીઓની ઉંમરમાં પણ સરેરાશ 5 વર્ષનો ઘટાડો થયો છે. આ પહેલાના મંત્રીમંડળમાં મંત્રીઓની સરેરાશ ઉંમર 60 વર્ષ હતી, એની જગ્યાએ હવે 5 વર્ષ ઘટીને 55 વર્ષ થઈ છે. હર્ષ સંઘવી, રિવાબા જાડેજા, પ્રવીણ માળી અને કૌશિક વેકરિયા એવા મંત્રી છે, જેની ઉંમર 40 કે તેથી ઓછી છે.
ધારાસભ્યોને જે રીતે ઉંમરને ધ્યાનમાં રાખીને મંત્રીપદ માટે પસંદ કરાયા છે એ જોતાં સ્પષ્ટ લાગે છે કે ભાજપનું ફોકસ ગુજરાતમાં નવી પેઢીને તૈયાર કરવાનું છે. જેમાં રિવાબા 34 વર્ષનાં છે, જે ઉંમરમાં સૌથી નાની વયનાં મંત્રી બન્યાં છે. જે બાદ કૌશિક વેકરિયા 39, હર્ષ સંઘવી 40, પ્રવીણ માળી 40, સંજયસિંહ મહિડા 45, સ્વરુપજી 46 અને રમેશ કટારા 47 વર્ષનાં છે.
પાટીદાર અને ઓબીસીનો દબદબો
પ્રદેશ ભાજપપ્રમુખ તરીકે OBC ચહેરાને સ્થાન આપ્યા બાદ હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ OBC અને પાટીદારોનો દબદબો જોવા મળ્યો. નવા મંત્રીમંડળમાં OBC સમાજના સૌથી વધુ 8 મંત્રીને સ્થાન અપાયું છે, જ્યારે પાટીદાર સમાજના 7 મંત્રી છે. મંત્રીમંડળમાં 2 દલિત મહિલાની સાથે કુલ 3 મહિલાને સ્થાન અપાયું છે. ભૂપેન્દ્ર પટેલના પહેલાંના મંત્રીમંડળની વાત કરીએ તો એમાં પાટીદાર સમાજના 4 મંત્રી હતા, એની સામે આ વખતે 7 મંત્રી બન્યા છે. જેમાં ઓબીસીના 6 મંત્રી હતા, જે સંખ્યા વધીને 8 થઈ છે. આ મંત્રીમંડળમાં દલિત સમાજનું વજન પણ વધ્યું છે. જૂના મંત્રીમંડળમાં જ્યાં દલિત સમાજનો ફ્ક્ત એક મંત્રી હતો, એની જગ્યાએ આ વખતે ત્રણ મંત્રી બનાવાયા છે.
પહેલી વખત ચૂંટાયા ને સીધું જ મંત્રીપદ
સામાન્ય રીતે મંત્રીમંડળમાં સિનિયર ધારાસભ્યોને સ્થાન મળતું હોય છે, પરંતુ આ વખતે જે મંત્રીમંડળની રચના કરાઈ છે, તેમાં 26 પૈકી 12 મંત્રી એવા છે કે જેઓ પ્રથમવાર જ ધારાસભ્ય બન્યા છે. જેમાં ડો. પ્રદ્યુમન વાજા, પી.સી. બરંડા, રમણ સોલંકી, રિવાબા જાડેજા, કૌશિક વેકરિયા, જયરામ ગામિત, પ્રવીણ માળી, સંજય મહિડા, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા, સ્વરુપજી ઠાકોર અને દર્શના વાઘેલાનો સમાવેશ થાય છે.
રવિન્દ્ર જાડેજાએ કહ્યુંઃ શિક્ષણમાં સુધારો જરૂરી
ભૂપેન્દ્ર પટેલ સરકારના સૌથી યુવા વયનાં અને મહિલા મંત્રી રિવાબા જાડેજાએ શનિવારે પોતાના કાર્યાલયનો ચાર્જ લીધો ત્યારે તેમની સાથે તેમના ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજા અને દીકરી પણ હાજર હતા. આ સમયે રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, શિક્ષણને લઈને ગુજરાતમાં - ઘણું સારું કરવાની જરૂર છે. આટલા વર્ષોથી ગુજરાતમાં શિક્ષણનું જે સ્તર છે - તેમાં હજુ વધુ સુધારો કરવાની જરૂર છે અને રિવાબા તેમાં ગંભીરતાથી કામ કરવાના પ્રયત્ન કરશે.
રિવાબા સૌથી અમીરઃ કુલ સંપત્તિ રૂ. 98 કરોડ
ભૂપેન્દ્ર પટેલ સરકારની પૂરોગામી સરકારમાં બળવંતસિંહ રાજપૂત રૂ. 324 કરોડની સંપત્તિ સાથે સૌથી શ્રીમંત મંત્રી હતા. નવા મંત્રીમંડળમાં તેમનું સ્થાન રિવાબા જાડેજાએ લીધું છે. તેમની કુલ સંપત્તિ રૂ. 98 કરોડ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સ્થાન મેળવનાર મંત્રીઓની કુલ સંપત્તિ રૂ. 290 કરોડ છે. જેમાંથી રિવાબા જાડેજા સૌથી વધુ સંપત્તિ ધરાવે છે. તો દક્ષિણ ગુજરાતના નિઝરના ધારાસભ્ય અને મંત્રી જયરામ ગામિતની સંપત્તિ સૌથી ઓછી 47 લાખ રૂપિયા અને બોરસદના ભીખા સોલંકીની સંપત્તિ 68 લાખ રૂપિયા છે. ધનવાન મંત્રીઓમાં પરષોત્તમ સોલંકીની સંપત્તિ રૂ. 54 કરોડ, પ્રફુલ્લ પાનસેરિયા 20 કરોડ, હર્ષ સંઘવી 18 કરોડ જ્યારે ઋષિકેશ પટેલ રૂ. 16 કરોડની સંપત્તિ ધરાવે છે.


