ભાજપનું શક્તિપ્રદર્શનઃ પાટીદારોએ ખુરશી ઉછાળી, ડોમ તોડ્યા

Wednesday 14th September 2016 08:56 EDT
 
 

સુરતઃ પાટીદારો દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં આઠમીએ યોજાયેલા ભાજપના શક્તિપ્રદર્શન અને અભિવાદન સમારોહમાં હાર્દિક પટેલની પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા જોરદાર હોબાળો મચાવાયો હતો. લોખંડી પોલીસ બંદોબસ્ત હોવા છતાં વરાછાના પી. પી. સવાણી મેદાનમાં ઊભા કરાયેલા વિશાળ ડોમમાં ‘પાસ’ના કાર્યકરો-સમર્થકોએ ‘જય સરદાર, જય પાટીદાર’ના નારા લગાવીને ખુરશીઓ, ટોપીઓ તથા અન્ય વસ્તુઓ ઉછાળીને ભારે ઉત્પાત મચાવ્યો હતો, જેને પગલે પરિસ્થિતિની ગંભીરતા પારખી જઇને ખુદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વગેરેએ પ્રવચનો ટૂંકાવીને કાર્યક્રમને માત્ર પોણા કલાકમાં આટોપી લેવો પડ્યો હતો.
કાર્યક્રમ શરૂ થયો તે પહેલાં પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણની કેટલીક ઘટનાઓ બની હતી. કાર્યક્રમની શરૂઆતથી જ ‘પાસ’ સમર્થકોએ નારા લગાવ્યા હતા. કેટલાક યુવાનોએ મંચ તરફ ધસીને હોબાળો કર્યો હતો. આથી અમિત શાહ અને વિજય રૂપાણી ઉપરાંત પ્રદેશપ્રમુખ જિતુ વાઘાણી, કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, માજી મુખ્ય પ્રધાન આનંદીબહેન સહિતના ૪૩થી વધુ પાટીદાર પ્રધાનો-સાંસદો-ધારાસભ્યો વગેરેનું અભિવાદન ફટાફટ પતાવી દેવું પડ્યું હતું. સુરતનાં પાટીદાર સમુદાયનાં મોટાં માથાઓ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમ દરમિયાન સતત સૂત્રોચ્ચારો અને હોબાળા વચ્ચે પડદા ફાડવાનું અને ખુરશીઓ ઉછાળવાનું ચાલુ રહ્યું હતું. મંચથી થોડે જ દૂર ચાલી રહેલી આ ધમાચકડીને કારણે મંચ પરના તમામ નેતાઓ ચિંતાગ્રસ્ત જણાતા હતા. આયોજકોના ચહેરાનું નૂર ઉડી ગયેલું દેખાતું હતું. પોલીસ દ્વારા ડેમમાંથી અને તેની આસપાસથી ‘પાસ’ના અનેક ટેકેદારોની ધરપકડ કરાઇ હતી.
વરાછામાં પથ્થરમારો
પાટીદાર વોટબેન્ક ભાજપ સાથે કેટલા પ્રમાણમાં છે એ સ્પષ્ટ દેખાડી દેતા આ હોબાળા અગાઉ અબ્રામા વિસ્તારમાં જ કેટલાક લોકોએ પોલીસનાં વાહનો પર પત્થરમારો કર્યો હતો. નજીકના લજામણી ચોકમાં તોફાને ચડેલા ટોળાને વિખેરવા પોલીસે ટીયરગેસ છોડ્યો હતો. આ સિવાય સવાણી મેદાનની નજીકના વિસ્તારોમાં અન્ય સ્થળોએ પત્થરમારાની ઘટનાઓ પણ બની હતી. મોટા વરાછાથી લજામણી ચોકથી અબ્રામા સુધીના વિસ્તારોમાં મકાનોનાં ધાબાં-અગાશીઓ પરથી પોલીસ પર કાંકરી ચાળો થતો રહ્યો હતો. જોકે પોલીસે સમગ્ર કાર્યક્રમ દરમિયાન અત્યંત સંયમપૂર્વકનું વર્તન કર્યું હતું. પરિણામે બિનજરૂરી સંઘર્ષ ટાળી શકાયો હતો. વરાછામાં સમારોહના પોસ્ટરો ફાડી નાંખવામાં આવ્યાં હતાં. બ્રિજની નીચે પોસ્ટર પર અભદ્ર લખાણ પણ લખાયાં હતાં. ઉપરાંત અમિત શાહના કટઆઉટને પણ સભાસ્થળેથી છેક બહારની તરફ ઘસડી લઇ જઇને મૂકી દીધું હતું. સન્માન સમારોહમાં હોબાળો મચતા લોકો ઘર ભેગા થવા લાગ્યા હતાં. સભા સ્થળે ડોમમાં ખુરશી અને ટોપીઓ ઉછળતાં લોકો ઊભા થઈને ચાલવા લાગ્યાં હતાં.
૧૩૦ને છોડી મુકાયા
પાટીદાર સન્માન સમારોહ દરમિયાન તોફાન મચાવનાર ૧૩૦ જેટલા પાટીદારોની પોલીસે અટકાયત કર્યા બાદ ૧૦મી સપ્ટેમ્બરે તેમને છોડી મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. મોટા વરાછા નજીક અબ્રામાં પી પી સવાણી ગ્રાઉન્ડ ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં પાટીદાર અભિવાદન સમારોહ પોણા સાત વાગ્યે શરૂ થયા બાદ થોડીવારમાં જ ડોમમાં પહેલાં ટોપીઓ ઉછળી હતી. એ પછી પાણીની બોટલો અને ખુરશીઓ ઊછળી હતી. ડોમને તોડી ફોડી નાંખાયો હતો.
આ સન્માન સમારોહમાં દેખાવો કરનારા પાસના આગેવાનો, કાર્યકરો નલિન કોટડિયા, રેશમા પટેલ, વિજય માંગુકિયા સહિત ૧૩૦ પાટીદારોની અટકાયત કરી હતી. આ તમામને કામરેજ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આશરે ૧૩૦ લોકોની ધરપકડ પછી પી પી સવાણી ગ્રૂપના મહેશ સવાણીએ મુખ્ય પ્રધાનને નમ્ર અપીલ કરી હતી કે અનેક સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો અને અલગ અલગ મંડળોના અગ્રણીઓની આ ઘટનામાં ધરપકડ થઈ હોવાથી તેમને છોડી દેવામાં આવે. મુખ્ય પ્રધાનની મધ્યસ્થી બાદ તમામને છોડી મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter