ગાંધીનગરઃ પંદરમી વિધાનસભામાં બીજી વખત યોજાયેલી પેટા ચૂંટણીમાં પહેલીવાર ભાજપનો કારમો પરાજય થયો છે. પેટા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલી વિસાવદર બેઠક પર ભાજપના કિરીટ પટેલ સતત બીજી વખત હાર્યા છે. તો આમ આદમી પાર્ટી (‘આપ’)ના ગોપાલ ઈટાલિયાનો 17,554 મતની શાનદાર લીડ સાથે વિજય થયો છે. જ્યારે અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત કડી બેઠક પરથી ભાજપના રાજેન્દ્ર ચાવડા 39,452 લીડથી વિજેતા થયા છે. સોમવારે પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે આગામી સપ્તાહે 15મી વિધાનસભા તેની પૂર્ણતઃ સ્થિતિએ પુનઃ સ્થાપિત થશે, જેમાં 161 ધારાસભ્યો ધરાવતા ભાજપનું સંખ્યાબળ વધીને 162એ પહોંચશે, જ્યારે ‘આપ’ના ધારાસભ્યોની સંખ્યા ચારથી વધીને પાંચ થશે.
પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા ગોપાલ ઈટાલિયા અને રાજેન્દ્ર ચાવડા પ્રથમ વખત ધારાસભ્ય તરીકે વિધાનસભા પહોંચી રહ્યા છે. આ ચૂંટણીમાં પણ ભાજપ સતત પાંચમી વખત વિસાવદરમાં હાર્યો છે. આ મતક્ષેત્રને અંકે કરવા ભાજપ હાઇકમાન્ડે ગુજરાત સરકારના મંત્રીઓ ઉપરાંત છેક દિલ્હીથી કેબિનેટ મંત્રીઓ અને સાંસદોને પણ કામે લગાવ્યા હતા, છતાં સતત બીજી વાર સ્થાનિક સહકારી આગેવાન કિરીટ પટેલને મતદારોએ સ્વીકાર્યા નથી. વર્ષ 2022ની સામાન્ય ચૂંટણીની જેમ વિસાવદરે આપના ઉમેદવારને જ પેટા ચૂંટણીમાં વિજયી બનાવ્યા છે.
18 વર્ષથી વિજયથી વંચિત ભાજપ
છેલ્લાં 18 વર્ષથી ભાજપ આ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યો છે. છેલ્લે વર્ષ 2007માં ભાજપ કનુભાઈ ભાલાળા અહીંથી ચૂંટાયા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના હર્ષદ રીબડિયા ચૂંટાયા હતા, તેઓ વર્ષ 2014 પેટા ચૂંટણી વખતે પણ વિજયી થયા હતા. વર્ષ 2012માં વિધાનસભા ચૂંટણી સમયે ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક કેશુભાઈ પટેલ ચુંટાયા હતા. એ સમયે કોંગ્રેસ ઉમેદવારનો મેન્ડેટ ઝૂંટવાઈ જતાં આ બેઠક પર ભાજપ અને જીપીપી વચ્ચે જ મુખ્ય મુકાબલો થયો હતો. આ બંને બેઠકોમાં અનુક્રમે વિસાવદરમાં કોંગ્રેસના અને કડીથી ‘આપ’ના ઉમેદવાર સહિત અન્ય પક્ષો-અપક્ષોને ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે.
વિસાવદરથી ચુંટાયેલા ‘આપ’ નેતા ગોપાલ ઈટાલિયા પાટીદાર અનામત આંદોલન અને તે પછી ફિક્સ વેતનદારોના આંદોલન-પ્રશ્નોને લઈને જાહેરજીવનમાં આવ્યા હતા. એક્ટિવિસ્ટ તરીકે ઊભરેલા ઈટાલિયા એક સમયે ‘આપ’ના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ સુરતના કતારગામ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. વિસાવદરમાં મતગણતરીના આરંભે જ તેઓ પહેલા રાઉન્ડથી જ આગળ રહ્યા હતા. પેટા ચૂંટણીના પરિણામ પછી ભાજપ-કોંગ્રેસ અને ‘આપ’ એમ આ ત્રણેય રાજકીય પક્ષો વર્ષ 2027ના અંતે યોજનારી વિધાનસભા ચૂંટણીને લઈ એલર્ટ થઈ ચૂક્યા છે.
કિરીટ પટેલ સામે મતદારોની નારાજગી જૈસે થે
વિસાવદરમાં ભાજપે સતત બીજી વખત એ કિરીટ પટેલને ટિકિટ આપી હતી કે, જેમની સામે સહકારી બેન્ક, માર્કેટ યાર્ડ અને સહકારી મંડળીઓમાં ખેડૂતલક્ષી યોજના, બિયારણ-ખાતરથી લઈ અનેકવિધ વિષયોમાં ભ્રષ્ટાચાર, ખાયકી અને કૌભાંડોની ફરિયાદો હતી. કહેવાય છે કે, કિરીટ પટેલને વિસાવદરની ટિકિટ મળે તેના માટે જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાએ ‘આપ’ના ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા ભૂપત ભાયાણીને લઈને દિલ્હી જઈને રાષ્ટ્રીય સંગઠનના નેતાઓની સામે ખેલ પાડ્યો હતો. જેથી કોંગ્રેસથી આયાતી હર્ષદ રિબડીયાને બદલે કિરીટ પટેલને ટિકિટ મળે.
ભાજપ હાર્યો, પણ હવે ડિસેમ્બરમાં શું?
જુલાઈ 2020 પછી કોવિડ-19ની મહામારી વચ્ચે 14મી વિધાનસભાની પેટા ચૂંટણીથી લઈને 15મી વિધાનસભામાં ગતવર્ષે એપ્રિલમાં યોજાયેલી પેટાચૂંટણી સહિત સઘળી ચૂંટણીમાં ભાજપ સતત જીતતો રહ્યો છે, પરંતુ 5 વર્ષમાં પહેલીવાર સરકાર, મજબૂત સંગઠન હોવા છતાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. હવે આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં નવરચિત 9 અને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર તેમજ જામનગર સહિત કુલ 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 77થી વધુ નગરપાલિકા અને 33 જિલ્લા- 178 તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાશે, જેને લઈને ભાજપમાં સખત દબાણ શરૂ થયું છે.
વિધાનસભા ફરી 182 સભ્યોથી અકબંધ
ગુજરાતમાં લગભગ એક પણ વિધાનસભા તેના પૂર્ણકાળ અર્થાત્ 5 વર્ષ દરમિયાન અકબંધ રહી નથી. એક વિધાનસભા તેના કાર્યકાળમાં ઓછામાં આછી ત્રણથી વધુ વખત ભંગ થતી રહી છે. અલબત્ત, તેની પાછળ ધારાસભ્યોનાં મૃત્યુ કરતાં રાજીનામાં સૌથી વધુ કારણભૂત રહ્યાં છે. આ 15મી વિધાનસભા તેના અઢી વર્ષના કાર્યકાળમાં ચારથી વધારે વખત ખંડિત થઈ છે. આથી બે વખત પેટા ચૂંટણી યોજવી પડી છે. બીજી વખતની પેટા ચૂંટણી બાદ 15મી વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161થી વધીને 162 થયું છે, જે રચના વખતે 156 હતું. જ્યારે વિપક્ષ કોંગ્રેસમાં 12 ધારાસભ્યો રહ્યા છે. ‘આપ’ના 5, એક સમાજવાદી પાર્ટી અને બે અપક્ષ મળીને કુલ 182થી વિધાનસભા સંપૂર્ણ થઈ છે.
ભાજપની હારના બે મુખ્ય કારણ
વિસાવદરમાં ભાજપની હાર પાછળ બે કારણો પૈકી એક છે રિબડિયાની ઉપેક્ષા. આ બેઠક જીતવા વર્ષ 2022ની સામાન્ય ચૂંટણી પહેલાં કોંગ્રેસના હર્ષદ રિબડિયાને ભાજપમાં લવાયા બાદ પેટા ચૂંટણીમાં ટિકિટ ન આપવી કારણભૂત મનાય છે. ઉલ્લેખનીય છે કે માણાવદરમાં જવાહર ચાવડા સાથે પણ આવો જ ઉપેક્ષાભર્યો વ્યવહાર થયાનું કહેવાય છે. બીજું કારણ, વિસાવદરને જીતવા ‘આપ’ના ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજીનામું લઈને ભાજપમાં ભેળવવાની ચેષ્ટા માનવામાં આવે છે. ભાજપની આ નીતિ ગરજ પડે આયાતીને લાવીને તેનો ઉપયોગ કરીને ફેંકી દેવાની નીતિ તરફ ઇશારો કરે છે.