અમદાવાદઃ આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં જે મતદાન થયું તેમાંથી ભાજપને મળેલા મતોનો હિસ્સો ૨૦૧૨ની સરખામણીમાં ૧.૨૫ ટકા વધ્યો. જોકે રસપ્રદ બાબત એ છે કે ભાજપને ૨૦૧૨નાં ૧૧૫ બેઠકો મળેલી, પણ આ વખતે મતહિસ્સો વધ્યો હોવા છતાં ૧૬ બેઠકો ઘટી છે. જ્યારે કોંગ્રેસને મળેલા મતહિસ્સામાં ૨.૪૭ ટકા વધારો થયો છે અને બેઠકો ૭૭ મલી છે. આમ, બંનેના વોટ શેરમાં વધારો થવા છતાં ભાજપને બેઠકોમાં વધારો મળ્યો નથી.
ચૂંટણી પંચના છેલ્લા આંકડા મુજબ, બંને તબક્કાના મતદાન બાદ ૬૮.૪૧ ટકા મતદાન નોંધાયું હતું. આમાંથી ભાજપને ૪૯.૧૦ ટકા મત મળ્યા છે. ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપને ૪૭.૮૫ ટકા મત મળ્યા હતા. આમ આ વખતે ભાજપને ૧.૧૫ ટકા વધુ મત મળવા છતાં ૧૬ બેઠકોમાં ઘટાડો થયો છે.
આ જ પ્રમાણે કોંગ્રેસને કુલ મતદાનના ૪૧.૪૦ ટકા મત મળ્યા છે, જે ૨૦૧૨ની સરખામણીએ ૨.૪૭ ટકા વધારો સૂચવે છે. ૨૦૧૨માં કોંગ્રેસને ૩૮.૯૩ ટકા મત અને ૬૧ બેઠકો મળી હતી.
ભાજપ-કોંગ્રેસ તફાવત ઘટ્યો
૨૦૧૨માં ભાજપ-કોંગ્રેસના મતોનો તફાવત ૮.૯૨ ટકા હતો. એ વખતે ભાજપને મળેલી બેઠકો કરતાં કોંગ્રેસને ૫૪ બેઠકો ઓછી હતી. ૨૦૧૭માં ભાજપ-કોંગ્રેસના વોટ શેરમાં તો વધારો થયો છે, પણ તફાવત ૧.૨૨ ટકા ઘટ્યો છે. મતલબ કે ભાજપ-કોંગ્રેસના મતોનો તફાવત ગયા વખતે ૮.૯૨ ટકા હતો તે ઘટીને ૭.૭૦ ટકા થયો છે. પરંતુ ગયા વખતે કોંગ્રેસને ૫૪ બેઠકો ઓછી મળી હતી. તો આ વખતે તેને ભાજપ કરતા ૨૨ સીટ ઓછી મળી છે.


