અમદાવાદ: કોંગ્રેસ સાથે છેડો ફાડીને શંકરસિંહ વાઘેલાએ ભાજપના ઇશારે જનવિકલ્પ પાર્ટીની રચના કરી હતી અને ભાજપના ઇશારે કોંગ્રેસને સબક શીખવાડવા નીકળેલાં બાપુ જ નહીં, તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દી હવે જોખમ હોવાની ચર્ચા છે. ભાજપમાં જોડાવા મુદ્દે પિતા-પુત્ર વચ્ચે અંટસ પડી હોવાનું ચર્ચાય છે. શંકરસિંહે ભાજપને ભાંડતાં ગુજરાતમાં ત્રીજો મોરચો રચીને ચૂંટણીમાં ઝંપલાવાનું એલાન કર્યું છે, પણ રાજકીય સૂત્રો કહે છે કે, મતોનું વિભાજન કરી પાછલા બારણે ભાજપને મદદ કરવાનું તેમનું આયોજન છે. એક તરફ, શંકરસિંહ ભાજપને ખરાબ ચિતરી રહ્યાં છે તો બીજી તરફ, મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાય તો વાહવાહી કરવી પડે. તેથી પિતા-પુત્ર વચ્ચે હાલમાં રાજકીય ખટરાગ પેદા થયો હોવાની ચર્ચા છે. કહેવાય છે કે શંકરસિંહ જ પુત્રને ભાજપ પ્રવેશ કરાવી પ્રધાન બનાવવાની ફિરાકમાં છે, પણ આ વખતની ચૂંટણી માટે શંકરસિંહના વળતાં પાણી ભાજપે માપી લીધાં છે. બીજી બાજુ રાજ્યસભા ચૂંટણી ટાણે બાપુએ કહ્યું હતું કે, તેઓ એહમદ પટેલને વોટ આપશે, પણ ચૂંટણી બાદ તેમણે કહ્યું કે એહમદ હારી જવાના હોવાથી તેમને મત ન આપ્યો. હવે જનવિકલ્પ મોરચાને જનસમર્થન મેળવવામાં આ વાસ્તવિકતા અડચણ ઊભી કરી શકે તેવું લાગતાં અંકલેશ્વર કુડાદરા ગામે એક શોકસભામાં હાજરી આપવા આવેલા વાઘેલાએ કહ્યું હતું કે, આતંકી કાસીમ સ્ટીમરવાલા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતો હતો. જેને ટાર્ગેટ કરી એહમદ પટેલ સામે મુખ્ય પ્રધાન દ્વારા આક્ષેપો કરાયા છે તે યોગ્ય નથી.


