ભાજપમાં ટિકિટ પહેલા સીનિયરોની માનભેર એક્ઝિટ

Wednesday 16th November 2022 04:42 EST
 
 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી હતી તે સમયે જ એકાએક સિનિયર નેતાઓએ એક પછી એક સ્વૈચ્છિક રીતે ચૂંટણી માટેની પોતાની દાવેદારી પાછી ખેંચવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. એક વર્ષ પૂર્વે મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ પ્રમુખ અને કૃષિ મંત્રી આર.સી. ફળદુ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતે ચૂંટણી લડવાના નથી એવી સત્તાવાર જાહેરાત કરી હતી. આ તમામ નેતાઓએ પોતાના નિર્ણયની લેખિત જાણ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને નવી દિલ્હી મોકલી આપી હતી. સિનિયરોના એકાએક આ ધડાકાને કાર્યકરોમાં પ્રચંડ આવકાર મળ્યો છે. હવે નવી પેઢી, નવા ચહેરાઓને ટિકિટમાં તક મળશે એવી શક્યતાઓથી કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ પ્રસરી ગયો હતો.
ભાજપની રણનીતિ અંગે અગાઉ જ સંકેત મળતા હતા કે ભાજપ નવા પ્રયોગનો અમલ કરશે અને અનેક ફેરફારો સાથે સિનિયરોને સ્થાને નવા ચહેરાને તક આપશે. અહીં નોંધવું જરૂરી છે કે, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 80 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરતાં પહેલાં સિનિયરો દ્વારા સામે ચાલીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત થઇ છે એ કેટલીક ગણતરીના ભાગરૂપે જ મનાય છે. કેટલાકની ટિકિટો કપાય એવી શક્યતાઓ વધારે હતી એવા સંજોગોમાં ઉમેદવારો જાહેર થાય એ પહેલાં જ સ્વૈચ્છિક જાહેરાત કરી દેવાઇ હોવાનું ચર્ચાય છે. નવી દિલ્હીથી આવેલી સૂચના બાદ જ એક પછી એક નેતાઓએ પોતાની જાહેરાતો કરી છે એ નિશ્ચિત છે.
નવા કાર્યકરોને તક મળેઃ વિજય રૂપાણી
ભાજપના મહામંત્રીથી મુખ્યમંત્રી પદ સુધી પહોંચેલા વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે, તેઓ ચૂંટણી લડવા માગતા નથી એની જાણ નવી દિલ્હીને કરી દેવામાં આવી છે. નવા કાર્યકરોને તક મળે અને પક્ષનો વિજય થાય એના માટે અમે કામ કરતાં રહીશું.
પક્ષનો - પ્રજાનો આજીવન ઋણી રહીશઃ નીતિન પટેલ
પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે દાવો કર્યો છે કે, આજે તેમણે મહેસાણા બેઠક પરથી પોતાની દાવેદારી પાછી ખેંચવાની જાણ પ્રમુખને કરી છે. પટેલે હાથથી લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વર્ષ 1977માં કડી નગરપાલિકાના સભ્ય તરીકે રાજકીય કારકિર્દીની મેં શરૂઆત કરી હતી. મને જનસંઘ અને પછી ભાજપમાં કાર્યકર્તા તરીકે ચાર વખત કડી વિધાનસભા અને બે વખત મહેસાણા વિધાનસભામાંથી ધારાસભ્ય બનીને મંત્રીમંડળમાં વિવિધ વિભાગોની જવાબદારી સાથે જનતાની સેવા કરી છે. મારી 32 વર્ષની સફળ રાજકીય કારદિર્કીમાં મને સતત માર્ગદર્શન અને પ્રેરણા આપનાર નરેન્દ્રભાઇ મોદી, ભાજપના લાખ્ખો કાર્યકરો અને કરોડો ગુજરાતીઓનો હું હંમેશા ઋણી રહીશ. આજીવન ભાજપના કાર્યકર્તા તરીકે સંનિષ્ઠતાથી કામ કરતો રહીશ. પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, પક્ષ જે ઉમેદવારને પસંદ કરશે એને જીતાડવા તેમજ રાજ્યભરમાં જ્યાં કહેશે ત્યાં સેવા આપવા, સક્રિય કાર્યકર્તા તરીકે અમારી સેવાઓ આપતા રહીશું.
વર્ષપૂર્વે જ નિર્ણય કર્યો હતો, હવે ચૂંટણી નહીંઃ ચુડાસમા
​​​​સિનિયર ધારાસભ્ય અને ધોળકા મતવિસ્તારમાંથી છ-છ વખત ચૂંટાનાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દાવો કર્યો છે કે, તેમણે એક વર્ષ પૂર્વે જ પાર્ટીને પોતે આગામી 2022ની ચૂંટણી લડવા ઇચ્છતા નથી, તેવો નિર્ણય જણાવી દીધો હતો. આ બેઠક પરથી એટલે જ મારા કોઇ કાર્યકર્તાઓએ દાવો પણ કર્યો નથી. પાર્ટી જે નિર્ણય લેશે એવા ઉમેદવારને વિજયી બનાવવા કામ કરીશ. એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે, છ વખત ધારાસભ્ય બનવા ઉપરાંત 1998 અને 2007માં જ્યારે હાર થઇ હતી ત્યારે પક્ષે મને અનુક્રમે નર્મદા નિગમના ચેરમેન અને રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી.
જે કામ સોંપાશે તે કરીશઃ પ્રદીપસિંહ
અસારવા અને પછી બે વખતથી વટવા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાનાર પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી પત્રમાં જણાવ્યું છે કે, પક્ષ દ્વારા મને ચાર વખત ધારાસભ્ય અને રાજ્ય મંત્રીમંડળમાં મંત્રી તરીકે કામ કરવાની મને પક્ષ દ્વારા ઉત્તમ તક સાંપડી છે. આગામી વિધાનસભા 2022ની ચૂંટણીમાં લડવાની મારી સ્વેચ્છાએ ઇચ્છા નથી. આગામી દિવસોમાં પક્ષ તરફથી જે કામગીરી સોંપાશે તે સહર્ષ સ્વીકારીને કામ કરીશ.

આ અનુભવી નેતાગણમાંથી કોઇને સંગઠનમાં
તો કોઇને બંધારણીય પદ મળી શકે
• વિજય રૂપાણીઃ હાલ તેમને પંજાબના પ્રભારી બનાવાયા છે, પરંતુ આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે ભાજપના સંગઠનમાં બદલાવ થવા જઇ રહ્યા છે. નવા સંગઠનમાં વિજય રૂપાણીને મહામંત્રી કે ઉપપ્રમુખ પદે બેસાડાય એવી શક્યતા છે.
• નીતિન પટેલઃ આવતી 2024ની લોકસભા ચૂંટણીમાં તેમને મહેસાણા બેઠક પરથી ઉમેદવારી કરાવીને વિજયી બને તો તેવા સંજોગોમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર આવે તો તેમને કેન્દ્રીય મંત્રીનું મોટું પદ મળી શકે છે.
• ભૂપેન્દ્રસિંહ ચુડાસમાઃ આગામી સમયમાં તેમને કોઇ રાજ્યના ગવર્નર તરીકે મૂકવામાં આવે તેવી ખૂબ ઊંચી સંભાવના છે. આવતા વર્ષે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટા રાજ્યના ગવર્નર તરીકે મૂકવામાં આવશે.
• આર. સી. ફળદુઃ હવે તેમને સંગઠન કે સરકારમાં સીધું કોઇ પદ આપવાને બદલે ગુજરાત સરકારના કોઇ મોટા નિગમ અથવા કેન્દ્ર સરકારની કોઇ કચેરીમાં બંધારણીય હોદ્દો મળી શકે છે.
• પ્રદિપસિંહ જાડેજાઃ પ્રદિપસિંહે ભાજપ માટે કરેલા કામોનો બદલો તેમને અચૂક મળશે. આગામી સમયમાં સંગઠનમાં મહત્ત્વનો હોદ્દો અથવા સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી સમકક્ષ પોર્ટફોલિયો મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter