ભાજપમાં અસંતોષનો પલિતોઃ ખાતાંઓની વહેંચણીમાં ખેંચતાણ

Friday 29th December 2017 02:43 EST
 
 

ગાંધીનગરઃ નવી સરકારની રચના થયાના કલાકોમાં જ પક્ષમાં અસંતોષનો પલિતો ચંપાયો છે. કલાકોની ચર્ચાવિચારણાના અંતે ગુરુવારે રાત્રે રૂપાણી સરકારના પ્રધાનોને ખાતાઓ તો ફાળવાયા હતા, પણ કેટલાક પ્રધાનોમાં ખાતાની ફાળવણી સામે નારાજગી પ્રવર્તે છે તો કેટલાક નેતાઓએ સરકારમાં પ્રતિનિધિત્વ મુદ્દે પોતાના વિસ્તારને અન્યાય થયાની લાગણી વ્યક્ત કરી છે.

વિભાગોની ફાળવણીમાં સૌથી સિનિયર નીતિન પટેલને અન્યાય થયો છે. નાયબ મુખ્ય પ્રધાનપદ હોવા છતાંય તેમની પાસે રહેલા નાણાં અને શહેરીવિકાસ જેવા મહત્ત્વના વિભાગો છીનવી લેવાયા છે. જેમાંથી નાણાં સૌરભ પટેલને સોંપાયું છે તો શહેરીવિકાસ વિભાગ ખુદ મુખ્ય પ્રધાને પોતાની પાસે રાખ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને આરોગ્ય અને માર્ગમકાન વિભાગ સોંપી દેવાયા છે. જ્યારે સિનિયર કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પાસે રહેલો મહેસૂલ વિભાગ કૌશિક પટેલને આપી દેવાયો છે.

૨૮ ડિસેમ્બરે રાત્રે નવ વાગ્યે કેબિનેટની પહેલી બેઠક યોજાઇ તે પૂર્વે મુખ્ય પ્રધાન નિવાસસ્થાને મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન વચ્ચે ભારે ગજગ્રાહ થયો હતો. વિભાગોની વહેંચણી માટે નવેસરથી તૈયાર થયેલી યાદીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દિલ્હીથી મંજૂર કર્યા બાદ રૂપાણીએ પ્રધાનોને ખાતાની ફાળવણી કરી હતી.
ર્સ્વણિમ સંકુલમાં મીડિયા સમક્ષ વિભાગ ફાળવણીની જાહેરાત વખતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરી અત્યંત સૂચક માનવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સંપૂર્ણપણે મૌન સેવ્યું હતું તે ઘણું બધું કહી જતું હતું.

ભારે અસંતોષ

પ્રધાનોમાં ખાતાંની વહેંચણીના મુદ્દે ભારોભાર અસંતોષ જોવા મળ્યો હતો. ૨૬ ડિસેમ્બરે પ્રધાનમંડળની રચના થઈ ત્યારે જ અસંતોષનો પલિતો ચંપાઇ ચૂક્યો હતો. ભાજપને સૌથી ઓછી બેઠક આપનાર સૌરાષ્ટ્રમાંથી સૌથી વધારે પ્રધાનોની પસંદગી થઈ હતી, જ્યારે મધ્ય ગુજરાતમાંથી ભાજપને વધારે બેઠકો મળી છે ત્યાંથી માત્ર બે જ રાજ્યકક્ષાના પ્રધાનોની પસંદગી થઈ છે. અહેવાલ અનુસાર, નીતિન પટેલને કટ ટુ સાઈઝ કરવાનો પ્રયત્ન કરાયો છે, જ્યારે પટેલ આંદોલન ચરમસીમા પર હતું ત્યારે નીતિન પટેલને જ ભાજપે આગળ કર્યા હતા. હવે આ ચિનગારી આગામી દિવસોમાં શું પરિણામ આપે છે તે સમય જ કહેશે.

રાજીનામાની ઓફર

પ્રધાનમંડળની રચના થઇ ત્યારથી જ રાજ્યમાં ચર્ચાનો વંટોળ ઉઠ્યો હતો કે કયું ખાતું કોને મળશે. મલાઇદાર ખાતાં મેળવવામાં કોણ ફાવશે ને કોણ વેતરાશે. મોડી સાંજે મુખ્ય પ્રધાન નિવાસસ્થાને રાજકીય ચર્ચાનો દૌર ચાલ્યો હતો. જેમાં એવી વાત બહાર આવી હતી કે, મહત્ત્વના ખાતાં નહીં મળે તો નીતિન પટેલે રાજીનામું ધરી દેવાની ધમકી સુદ્ધાં આપી હતી. ખાતાં મુદ્દે ભાજપમાં એવો ખટરાગ ઉભો થયો છે કે, આંતરિક ખેંચતાણ હવે ચૂંટણી બાદ દેખાઇ છે.
ભાજપમાં ખાતાંની ફાળવણીમાં જોરદાર આંતરિક ખેંચતાણ ચાલી હતી. પ્રદિપસિંહ જાડેજાને ફરી ગૃહ ખાતું સોંપાયું છે. એવી ચર્ચા છે કે, પ્રદિપસિંહે સામે ચાલીને ગૃહ વિભાગ સંભાળવા ના પાડી દીધી હતી. સોશિયલ મીડિયામાં ય આ મેસેજ વહેતો થયો હતો.

ખાતાં ફાળવણી કોણે કરી?

સામાન્ય રીતે અત્યાર સુધી એવું બનતું રહ્યું છે કે, શપથવિધીની સાંજે મોટા ભાગે પ્રધાનોને ખાતાની જવાબદારી સોંપી દેવાતી હતી. આ વખતે પહેલી વાર ખાતાની ફાળવણીમાં ય ડખા થયા છે જેના લીધે વિલંબ થયો હતો. લોકોમાં એવી ચર્ચા ચાલી હતી કે, ગુજરાતમાં પ્રધાનમંડળ અને ખાતાની ફાળવણીમાં મહત્વની ભૂમિકા કોની - વડા પ્રધાન નરેન્દ્ર મોદીની, અમિત શાહની, વિજય રૂપાણીની કે પછી અગ્ર સચિવ કે. કૈલાશનાથન્ની?

મુખ્ય પ્રધાનની કબૂલાત

મોડી રાત્રે કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એ વાત કબૂલી હતી કે, ત્રિપલ તલાકના મુદ્દે સંસદ મોડે સુધી ચાલુ રહી હતી જેના લીધે ખાતાંની ફાળવણી માટે મોડું થયું હતું. હાઇકમાન્ડનું માર્ગદર્શન મેળવવાનુ હતું. ટૂંકમાં, ખાતાં માટે ખેંચતાણ જામતાં દિલ્હીથી આદેશ છૂટયા બાદ જ પ્રધાનોને ખાતાંની જવાબદારી સોંપવામાં આવી હતી.

ગુજરાત સરકારઃ ક્યું ખાતું કોણ સંભાળશે?

વિજય રૂપાણી, મુખ્ય પ્રધાન: સામાન્ય વહીવટ, ગૃહ, શહેરી વિકાસ, બંદરો, ઉદ્યોગ, ખાણ-ખનીજ, નીતિ-નિર્ધારણ, માહિતી-પ્રસારણ, કલાઈમેટ ચેન્જ, પ્લાનિંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ પ્રધાનોને ન ફાળવાયા હોય તેવા વિભાગો
નીતિન પટેલ, નાયબ મુખ્ય પ્રધાનઃ માર્ગ-મકાન, આરોગ્ય-પરિવાર કલ્યાણ, નર્મદા, તબીબી શિક્ષણ, કલ્પસર, પાટનગર યોજના
આર. સી. ફળદુઃ કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્ય, પશુપાલન, વાહનવ્યવહાર
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાઃ શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌસંવર્ધન, નાગરિક ઉડ્ડયન
કૌશિક પટેલઃ મહેસૂલ
સૌરભ પટેલઃ નાણાં અને ઊર્જા વિભાગ
ગણપત વસાવાઃ આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન, મહિલા-બાળ કલ્યાણ
જયેશ રાદડિયાઃ અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી
દિલીપકુમાર ઠાકોરઃ શ્રમ-રોજગાર, ડિઝાસ્ટર મેને., યાત્રાધામ વિકાસ
ઈશ્વરભાઈ પરમારઃ સામાજિક ન્યાય અને અધિકારિતા (અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક - શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ)

રાજ્ય કક્ષાના પ્રધાનો

પ્રદીપસિંહ જાડેજાઃ ગૃહ, કાયદા, વૈધાનિક અને સંસદીય બાબતો, ઊર્જા, ન્યાયતંત્ર (રાજ્યકક્ષા), પોલીસ હાઉસિંગ, બોર્ડર સિક્યોરિટી, સિવિલ ડિફેન્સ, ગ્રામરક્ષક દળ, જેલ, નશાબંધી-આબકારી, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો)
પરબતભાઈ પટેલઃ સિંચાઈ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો)
પરષોત્તમ સોલંકીઃ મત્સ્યોદ્યોગ
બચુભાઈ ખાબડઃ ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન
જયદ્રથસિંહ પરમારઃ કૃષિ (રાજ્યકક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો)
ઈશ્વરભાઈ પટેલઃ સહકાર, રમત-ગમત, યુવક સાંસ્કૃતિક (સ્વતંત્ર હવાલો), વાહનવ્યવહાર (રાજ્યકક્ષા)
વાસણભાઈ આહીરઃ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ
વિભાવરી દવેઃ મહિલા-બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ), યાત્રાધામ
રમણભાઈ પાટકરઃ વન અને આદિજાતિ વિભાગ
કિશોર કાનાણીઃ આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter