ભાજપમાં લોકસભાની ચૂંટણીના પરિણામ પછી મોટા ફેરફારોની વકી

Wednesday 24th April 2019 07:06 EDT
 

ગાંધીનગરઃ પ્રદેશ ભાજપમાં લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ મોટા ફેરફાર થવાની વકી હોવાનો પક્ષમાં ગણગણાટ છે. કેન્દ્રમાં ફરી સરકાર માટે એકેએક સીટ જીતવી મહત્ત્વની હોઈ ગુજરાતમાં પાર્ટીની ગણતરી ઊંધી પડી તો મોવડીઓનો ગુસ્સો પ્રદેશના નેતાઓ પર ઊતરશે તે પાક્કું છે.
ભાજપના સૂત્રો કહે છે કે, રાજ્યમાં ૨૪થી એક પણ બેઠક ઓછી આવશે તો પાર્ટીમાં કકળાટ થશે, કેમ કે પ્રદેશ પ્રમુખ જાહેરમાં ભલે છવ્વીસે છવ્વીસનું રટણ કરતા પણ પાર્ટીની આંતરિક ગણતરી બે સીટ માઈનસ થઈ રહી હોવાની છે. મનાય છે કે રાજ્ય ભાજપમાં મોટા ભાગે ૨૦૧૧ની બોડી કાર્યરત છે. રણછોડ ફળદુ ગયા પછી મહામંત્રી, મંત્રી, પ્રવક્તા કે અન્ય સ્તરે ખાસ કોઈ ફેરફાર થયો નથી એટલે આઠ વર્ષમાં એકની એક જગ્યાએ ગ્રોથ વગર કામ કરતાં બધાં કંટાળ્યા છે.
ભાજપના કેટલાકનું કહેવું છે કે, આમ તો ૨૦૧૭માં પાર્ટીના ખરાબ પર્ફાર્મન્સના કારણે સંગઠકીય ફેરફારો થવાના હતાં, પરંતુ એક યા બીજા કારણસર નેતાઓને જીવતદાન મળ્યું હતું, એટલે ફરી વાર પ્રદેશના નેતાઓને આવો મોકો નહીં અપાય તે બાબતે બધા એકમત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter