અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી)એ પીપીપી મોડેલ પર તૈયાર કરેલા રાણીપ બસ ટર્મિનલ પોર્ટના લોકાર્પણ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. શાહે ૨૭મી માર્ચે આ પ્રસંગે માર્મિક રીતે કહ્યું હતું કે, ‘ભાજપના કાર્યકર માટે પ્રધાન પદ હોય કે મુખ્ય પ્રધાનનું પદ એ મોજશોખનું સાધન નથી, પરંતુ અહર્નિશ પ્રજા સેવા કરવાનું એક માધ્યમ છે.’
રાજ્યમાં કેટલાય સમયથી પ્રવર્તતી સ્થિતિના સંદર્ભે રાષ્ટ્રીય પ્રમુખે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, પ્રદેશ પ્રમુખ અને વાહન વ્યવહાર પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરેલી ટકોર રાષ્ટ્રીય અને રાજ્ય સરકાર માટે અનેક ગર્ભિત અંદેશાઓ આપી જાય છે. અલબત્ત, અમિત શાહે આગળ વધીને એમ પણ કહ્યું હતું કે, ભાજપ પ્રજાની સેવા કરવાના ધ્યેયથી આગળ વધી રહ્યો છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતને પ્રજાકીય વિકાસ એક મોડેલ તરીકે દેશ સમક્ષ રજૂ કર્યું હતું. આજે દેશમાં અનેક વિકાસલક્ષી કાર્યોને અમલી બનાવ્યા છે. આ કાર્યોના બળે અમે ૨૦૧૯માં પ્રજાના મત માગીશું. અમને વિશ્વાસ છે અમે વિજયી બનીશું
ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે અગાઉ દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પોતાના વહીવટની સ્પષ્ટતા કરવી પડી છે એવા પણ અહેવાલો છે. આનંદીબહેનનાં પરિવારને કારણે ગુજરાતમાં ભાજપ સરકારને ઘણું સહન કરવું પડયું છે. આ અંગે મોવડી મંડળની નારાજગી અને સરકારી વહીવટમાં આનંદીબહેનનાં કુટુંબનો હસ્તક્ષેપ હવે નહીં હોય તેવી ખાતરી બાદ પક્ષ પ્રમુખ અમિત શાહ અને આનંદીબહેન સાથે બેઠક પણ યોજાઈ હતી. ૨૭મી માર્ચે સુરતના કડોદરા ખાતે યોજાનારી કિસાન રેલીમાં સરકારી હેલિકોપ્ટરમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણી સાથે ગયા હતા. એકબીજાના કટ્ટર ગણાતા બે નેતાઓ સાથે જાય તે પાછળની વાત એવી છે કે તાજેતરમાં જ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ નવી દિલ્હી જઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા હતા. ગાંધીનગરમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે તેઓને મોદી સમક્ષ પોતાના વહીવટ અંગે અનેક પ્રકારની ચોખવટ કરવાની ફરજ પડી હતી. ગુજરાતના પ્રધાન મંડળમાં કેવા ફેરફારો કરવા તેનો નિર્ણય પક્ષ પ્રમુખ અમિત શાહ પર છોડી દેવા જણાવાયું હતું જેનો પ્રાથમિક તબક્કે વિરોધ કર્યા બાદ આનંદીબહેન પાસે કોઈ વિકલ્પ ન હોવાથી તેમને તે સ્વીકારવાની ફરજ પડી છે. આનંદીબહેનને એક તક આપવામાં આવશે અને તે દરમિયાન ગુજરાતમાં વ્યાપી રહેલા ભ્રષ્ટાચાર અંગે જો સુધારો નહીં થાય તો નેતૃત્વ પરિવર્તન લાવવાની શકયતા પણ છે. હાલમાં પ્રવર્તતી સ્થિતિ મુજબ મુખ્ય પ્રધાન આનંદીબહેનનો સરકાર પર, અધિકારીઓ કે પ્રધાનો પર તેમજ ભાજપ સંગઠન પર કોઈ કાબૂ રહ્યો નથી.


