ભાજપી નેતાઓના નલિયાથી સુરત સુધીના સેક્સકાંડ!

Wednesday 08th August 2018 06:46 EDT
 
 

ભુજઃ ભાજપી નેતા જયંતી ભાનુશાળીના સુરતની યુવતી સાથેના સેક્સકાંડની વાતો બહાર આવ્યા પછી ભાજપી નેતાઓની પ્રેમલીલાઓ નલિયાકાંડ સાથે પણ જોડાયેલી હોવાની વાત બહાર આવી છે. આ કોકડામાં સેક્સકાંડનો શિકાર બનેલી એક ભુજની યુવતીને છેલ્લા ત્રણેક દિવસથી ગુમ છે. ચર્ચાતી વિગતો અનુસાર નલિયાકાંડ વખતે આ છોકરીને પણ ભાજપી નેતાઓ પાસે મોકલવામાં આવી હતી. યુવતી મોઢું ખોલે તો કચ્છ ભાજપ સહિત પ્રદેશ કક્ષાના અન્ય નેતાઓના નામ પણ બહાર આવે તેમ હોવાથી યુવતીને ગુમ કરાયા હોવાની વાત છે.
નલિયાકાંડની બહુચર્ચિત ‘ભાભી’
બે વર્ષ પૂર્વેના નલિયાકાંડ વખતે ભાજપની પદાધિકારી ‘ભાભી’ ખૂબ ચર્ચામાં આવી હતી. નલિયાકાંડ વખતે આ ભાભી કોણ છે? તે નલિયાકાંડના હવસખોર નેતાઓ સિવાય કોઈ જાણતું નહોતું. એ પછી વાત બહાર આવી હતી કે ‘ભાભી’ ભાજપની એક મોટા ગજાની નેતા છે. હોટેલોમાં કેટેગરી પ્રમાણે કાર્ડ બનાવી નેતાઓ પાસે યુવતીઓને મોકલવામાં ‘ભાભી’ની મહત્ત્વની ભૂમિકા હતી. આમ, અત્યાર સુધી નલિયાકાંડ તેમજ આ જયંતી ભાનુશાળી પ્રકરણમાં પુરુષ નેતાઓના જ નામો આવતા હતા, પણ ‘ભાભી’ કેટલી યુવતીઓને ભરાવી તેની પણ તપાસ ચાલે છે. બીજી તરફ જયંતી ભાનુશાળીની પ્રેમલીલાના તાર નલિયાકાંડ સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. જયંતી એન્ડ કંપનીએ પોતાના ફાર્મહાઉસમાં મોટા માથાઓને સેક્સકાંડમાં ફસાવીને બ્લેકમેલ કર્યાની વાતો ઊડી છે. સચિવાલય તેમજ ભાજપના કાર્યાલય સુધી વાત પહોંચી છે કે સીડીના આધારે કચ્છનાં મોટા વેપારીઓ તથા અગ્રણી લોકોનું બ્લેકમેઇલિંગ કરીને તેમની પાસેથી કરોડોની કિંમતની ૧૨૦૦ એકર જેટલી જમીનો પડાવી લેવાની વાત ચર્ચામાં છે. આ બધા વચ્ચે જયંતી ભાનુશાળીના વેવાઇએ પોલીસ કમિશનરને અરજી કરી પીડિતાના ચારિત્ર્ય અંગે સંગીન આક્ષેપો કર્યાં હતાં. તેમાં સુરતની પીડિતાના કથિત પૂર્વ પતિએ જણાવ્યું છે કે પીડિતા સાથે અન્ય યુવતીઓ પણ સામેલ છે. પીડિતાએ જાતે જ વીડિયો ઉતાર્યા હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત પીડિતા તેની પાસે પણ પૈસા માગતી હોવાનો આક્ષેપ કર્યો હતો. લગ્નના દોઢ મહિનામાં જ પીડિતાના મોબાઇલમાં અન્ય યુવકો સાથેના અશ્લીલ વીડિયો પોતે જોઇ ગયો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. છુટાછેડા માટે નેતા છબીલ પટેલ ધમકી આપતા હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો હતો તો સુરતની પીડિતાએ અમદાવાદ હાઈ કોર્ટમાં આ સંપૂર્ણ કેસ પાછો ખેંચી લેવાની રજૂઆત કરી છે.
પીડિતાનું સોગંદનામું
પહેલી ઓગસ્ટથી મેજિસ્ટ્રેટ સમક્ષ ૧૬૪ હેઠળ નિવેદન આપવા નહીં જનારી પીડિતાએ ૩જી ઓગસ્ટે અચાનક હાઇ કોર્ટમાં ભાનુશાળી સામે ફરિયાદ આગળ નહીં વધારવા માગતી હોવાનું સોગંદનામું કર્યું છે. જેના પર હાઇ કોર્ટે પીડિતાને કેટલાક સવાલો પણ કર્યાં હતાં. કોર્ટે સૂચન કર્યું કે પીડિતા નિર્ણય પર પુનઃ વિચાર કરે અને વધુ સુનાવણી ૭મી ઓગસ્ટ પર મુલતવી રખાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter