ભાજપે અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૪૬ પાટીદારોને ટિકિટો આપી

Monday 15th February 2021 15:20 EST
 

અમદાવાદઃ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે ટિકિટોની વહેંચણીમાં જાતિગત સમીકરણોને લક્ષ્યમાં લીધું હતું. સી આર પાટિલના શાસનમાં ભાજપમાં પાટીદારોનું પ્રભુત્વ બરકરાર રહ્યું છે કેમકે, અમદાવાદ શહેરમાં ભાજપે સૌથી વધુ ૪૬ પાટીદારોને ચૂંટણી મેદાને ઉતાર્યાં છે.
ગત ચૂંટણી વખતે પાટીદાર આંદોલનને લીધે ભાજપને ઘણું ભોગવવું પડયું હતું. જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં વિપરીત પરિણામ આવ્યા હતાં. પાટીદારો ભાજપથી મોં ફેરવીને બેઠાં હતાં પણ હવે સ્થિતિ બદલાઇ છે. ભાજપે ફરી પાટીદારોને રિઝવવા પ્રયાસ કર્યો હતો. અમદાવાદ શહેરમાં જાતિગત સમીકરણો આધારે ૧૯૨ ઉમેદવારો પૈકી ૪૬ પાટીદારોને ટિકિટ આપી છે આ જોતાં ભાજપમાં પાટીદારોને દબદબો રહ્યો છે.
આ તરફ, ભાજપે રાજકીય ગણિત માંડતા ઓબીસીને પણ મહત્ત્વ આપ્યું છે. ૪૫ ઓબીસી ઉમેદવારોનેય કમળના નિશાન પર ચૂંટણી લડવાની તક આપી છે. અમદાવાદમાં રામોલ, વટવા, નરોલ, સરખેજ, લાંભા, નરોડા સહિતના પૂર્વના વિસ્તારોમાં પરપ્રાંતીય મતદારોની સંખ્યા ઘણી છે જેના કારણે ભાજપે બિનગુજરાતી ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યાં છે. ભાજપે ૨૪ પરપ્રાંતીયને ટિકિટ આપી છે. ભાજપે ૧૭ બ્રાહ્મણ અને ૮ ક્ષત્રીય ઉમેદવારોને ટિકિટ આપીને કોર્પોરેટર બનવાની તક આપી છે. વણિક સમાજના ૧૫ ઉમેદવારોને પણ ભાજપે ટિકિટો ફાળવી છે. ૩૦ એસસી ઉમેદવારો પણ કમળના નિશાન પર ચૂંટણી લડી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter