અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપને ૯૯ બેઠક સાથે જીત મળી એ પછી તરત જ પાટીદાર સમાજના આગેવાન હાર્દિક પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે, જ્યાં પાટીદાર વોટ વધુ છે ત્યાં ભાજપ અને કોંગ્રેસની હાર જીત વચ્ચે નજીવી સરસાઈ છે તેથી ઈવીએમમાં ચેડા થયા છે અને હું કોઈ પક્ષનો પદાધિકારી નથી કે મારે ભાજપ કે કોંગ્રેસની હાર જીત સાથે લેવા દેવા નથી. અમારું આંદોલન ચાલુ જ રહેશે.
હાર્દિકે જણાવ્યું કે, ભાજપે કોઈ ચાણક્ય નીતિ અપનાવી, પૈસાના જોરે ચૂંટણી જીતી છે અને ઈવીએમમાં ચેડા પણ કરાવ્યા છે. રાજકોટ, સુરત અને અમદાવાદ પૂર્વ કે જ્યાં પાટીદારો વધુ છે ત્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની હાર જીત વચ્ચે ખૂબ જ પાતળી સરસાઈ છે અને ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારને મળેલા મતો વચ્ચે વધુ ફરક નથી જેથી આ બેઠકોમાં ભાજપે ઈવીએમમાં ચેડા કરાવ્યા છે. કેટલીક બેઠકોના મતદાન મથકોના ઈવીએમના સીલ પણ તૂટેલાં હોવાનું મળ્યું છે. હાર્દિકે કહ્યું કે, ભાજપે ઇવીએમ બાબતે પ્રશ્ન ન ઊઠે એ માટે જ કોંગ્રેસને આટલી સીટો મળી હોવાનું આગળ ધર્યું છે, પરંતુ ઈવીએમમાં ચેડા તો થયા જ છે.
આ અમારું કાર્યક્ષેત્ર નથીઃ સુપ્રીમ
જોકે હાર્દિક અને કોંગ્રેસે ૨પ ટકા વીવીપેટ તપાસવાની માગ કરતાં સુપ્રીમે રોકડું પરખાવ્યું કે, આ અમારું કાર્યક્ષેત્ર નથી. કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચકાસણી માટે સુપ્રીમનું શરણું લીધું હતું. કોંગ્રેસે ૧૫મી નવેમ્બરે સુપ્રીમમાં અરજી કરી હતી કે, ગુજરાતમાં મતગણતરીના દિવસે ૨૫ ટકા વીવીપેટ સ્લિપની પણ ચકાસણી કરવામાં આવે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજીને ખાસ ધ્યાને લીધી નહોતી. કપિલ સિબ્બલ અને અભિષેક સિંઘવીએ દાખલ કરેલી અરજી મુદ્દે સુપ્રીમે જણાવ્યું કે, આ અમારું કાર્યક્ષેત્ર નથી. બીજી તરફ આ અરજીમાં કોઈ મેરિટ જેવું જણાતું નથી.


