ભાડાના વિખવાદે મોટેલમાલિક પ્રવીણ પટેલનો જીવ લીધો

Wednesday 21st February 2024 07:27 EST
 
 

નવી દિલ્હી: અમેરિકાના અલાબામા સ્ટેટના શેફિલ્ડ શહેરમાં પોતાની મોટેલ ચલાવતાં 76 વર્ષના પ્રવીણભાઈ રાવજીભાઈ પટેલની તેમની જ મોટેલમાં ગોળી મારીને હત્યા કરાતાં ભારતીય સમુદાયમાં ચિંતા સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. આ કેસમાં પોલીસે 34 વર્ષના હત્યારા વિલિયમ મૂર નામના અમેરિકન યુવાનની ધરપકડ કરી છે. શેફિલ્ડ પોલીસના જણાવ્યા અનુસાર પ્રવીણ પટેલ હિલક્રેસ્ટ મોટેલના માલિક હતાં અને ભાડાના મુદ્દે તકરાર થયા બાદ વિલિયમ મૂરે તેમના પર ગોળી ચલાવી હતી. ઘટનાના સાક્ષીઓએ જણાવ્યા અનુસાર યુવાને પટેલ પર ત્રણ ગોળી ચલાવી હતી. ઘટનાસ્થળ પરથી ભાગી ગયેલા હત્યારાને પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી લીધો હતો.
હત્યારા પાસેથી હથિયાર મળ્યું
હત્યારો એક ખાલી ઘરમાં છુપાવાનો પ્રયાસ કરતો હતો ત્યારે જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. મોટેલ માલિક પર જે હથિયારથી ગોળી ચલાવાઇ હતી તે હથિયારને પણ પોલીસે હત્યારા પાસેથી જપ્ત કર્યું છે. આ ઘટના અંગે ઊંડા ખેદની લાગણી વ્યક્ત કરતાં એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશનના ચેરમેન ભરત પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા સમુદાયમાં બુદ્ધિ વગરની હિંસાની ઘટનાને કોઇ સ્થાન નથી. તેમણે પ્રવીણભાઇના પરિવારને પણ દિલસોજી પાઠવી છે. નોંધનીય છે કે ગુજરાતના વતની પ્રવીણભાઇ 40 વર્ષથી અહીં અમેરિકામાં વસતા હતાં અને સમગ્ર શેફિલ્ડ શહેર માટે એક જાણીતો ચહેરો હતાં તેમ અન્ય એક ગુજરાતી અગ્રણીએ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter