ભાદરણ ગામે ભક્તિતર્પણનો સુંદર અને અનોખો કાર્યક્રમ

અચ્યુત સંઘવી Wednesday 13th July 2016 07:01 EDT
 
 

ભાદરણઃ આણંદ જિલ્લાના ભાદરણ ગામે ભોળાનાથ મહાકાળેશ્વરના સાન્નિધ્યમાં શનિવાર ૯ જુલાઈના દિવસે ભક્તિતર્પણનો સુંદર અને અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુશ્રી માયાબહેન દીપકના સૂરીલા કંઠે ભજનોનો રસથાળ અને તુષારભાઈ જોશીની શબ્દગુંથણીએ મહાકાલેશ્વર મંદિરના વિશાળ પરિસરમાં ખીચોખીચ ભરાઈ ગયેલા ઓડિયન્સનું મન મોહી લીધું હતું. મહત્ત્વની અને નોંધનીય બાબત એ હતી કે ગ્રામજનોએ કાર્યક્રમને પોતાનો જ માનીને સુંદર સાથ અને સહકાર આપતા કાર્યક્રમ ઓર દીપી ઉઠ્યો હતો.

આપણે જાણીએ છીએ કે નાના બીજમાંથી વિશાળ વટવૃક્ષ સર્જાય છે અને નાનો વિચાર કે ઈચ્છા પણ મહાન ઘટનાને જન્મ આપે છે. આવું જ આ ભક્તિતર્પણ કાર્યક્રમ બાબતે થયું હતું. એબીપીએલ ગ્રૂપના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલે અમદાવાદ કાર્યાલયે ફોન કરીને ભાદરણ ગામનું પોતાના પરનું યત્કિંચિત ઋણ ઉતારવાના હેતુસર મહાકાળેશ્વરના સાન્નિધ્યમાં માયાબહેન દીપકના સૂરીલા કંઠે ભજનસંધ્યાના આયોજનની ઈચ્છા વ્યક્ત કરી. સી. બી. પટેલના મનોક્ષેત્રમાં આ તર્પણનો વિચાર ઘણા સમયથી ધોળાતો જ હશે. ભાદરણ તેમનું વતન છે અને મહાકાળેશ્વર - ભગવાન શિવના તેઓ પરમ ભક્ત છે ત્યારે આવી ઈચ્છા થવી સ્વાભાવિક છે. ‘રાત ઢુંકડી અને વેશ ઝાઝા’ની પરિસ્થિતિ હતી. અમદાવાદમાં જ આયોજન અલગ બાબત છે અને અમદાવાદ બેઠા ભાદરણમાં વ્યવસ્થા ગોઠવવી અલગ બાબત છે. જોકે, અમારે તો દેવાધિદેવ મહાકાળેશ્વરની આંગળી પકડીને જ ચાલવાનું હતું કારણ કે તેમની ઈચ્છા વિના તો શિવભક્ત સી.બી.ને પોતાની જ અનુપસ્થિતિમાં આવો કાર્યક્રમ યોજવાનો વિચાર આવે નહિ

પરંતુ ખુદ સી.બી.ની પ્રિય ઉક્તિ ‘હૈયે હામ તો હલેસાં હજાર છે’ અનુસાર શ્રીજીત રાજન અને ટીમ અમદાવાદની મહેનત રંગ લાવી. માયાબહેન થોડાં સમય પછી યુકેના પ્રવાસે જવાનાં હોવાથી તેમને શનિવાર ૯ જુલાઈની તારીખ અનુકૂળ હતી અને સીબીનો વિચાર ફળીભૂત કરવાનો હોય ત્યારે માયાબહેન અને દીપકભાઈ પંચાલ તેમજ તુષારભાઈ જોશી પોતાની સગવડ કે અગવડનો વિચાર જ કરતાં નથી. આમ તારીખ નક્કી થઈ, આમંત્રણો પણ પાઠવી દેવાયાં. આમંત્રણપત્રિકામાં સીબીએ લખ્યું હતું કે, ‘ગુજરાતના આણંદ જિલ્લાનું ગામ ભાદરણ મારું વતન છે. મારા ૮૦ વર્ષના જીવનકાળમાં માત્ર આઠ જેટલા વર્ષ મેં ભાદરણમાં વીતાવ્યાં છે. આમ છતાં, આ ભૂમિ, સંસ્કૃતિ અને પરંપરાઓની મારા પર અમીટ છાપ રહી છે અને હું તેનો ઋણી છું. ઈશ્વરની કૃપા હંમેશાં મારા પર વરસતી રહી છે. તેમની કૃપા તેમજ મારા પરિવાર અને સમર્થકોના પ્રેમ થકી મેં મારી જિંદગી માણી છે અને સારા સ્વાસ્થ્ય સાથે દીર્ઘ જીવન વીતાવ્યું છે. ભાદરણના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિર નજીક આવેલું ૬૦૦ વર્ષ જુનુ મહાકાળેશ્વર મંદિર મારા માટે તો તમામ સર્જનનું કેન્દ્ર રહ્યું છે.’

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં સર્વશ્રી ભૂપતરાય પારેખ અને તેમના પત્ની સરલાબહેન, જયસુખભાઈ મહેતા, તેમના પત્ની મધુબહેન અને પુત્રી તેજલબહેન, વડોદરાથી સી. બી. પટેલના લઘુબંધુ સ્વર્ગસ્થ વિષ્ણુભાઈના પત્ની અનિલાબહેન વિષ્ણુભાઈ પટેલ, તેમના દીકરી સુજલબહેન અને જમાઈ મનીષભાઈ રાજપૂત સહિતનો પરિવાર, તેમજ વડોદરાથી નટુભાઇ અમીન અને તેમના પત્ની ચંપાબહેન, તુષારભાઈના પત્ની મનીષાબહેનનો સમાવેશ થયો હતો.

જોકે, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ પ્રકાશનોની અમદાવાદ ઓફિસના મારા સહિતના સ્ટાફ અને દીપકભાઈ પંચાલે વ્યવસ્થા વિચારવા ભાદરણની મુલાકાત લીધી ત્યારે ગ્રામ પંચાયત અને પ્રગતિ મંડળના સભ્ય દર્શિતભાઈ પટેલે તમામ આયોજનની જવાબદારી પોતાના શિરે લઈ લીધી અને સુપેરે પાર પણ પાડી હતી. મહાકાળેશ્વર મંદિરના પૂજારી શ્રી જગદીશભાઈએ પણ મંદિરના સુશોભન સહિત કાર્યક્રમને સફળ બનાવવામાં સારો સાથ અને સહકાર આપ્યો છે. દીપકભાઈ પંચાલે ભજનસંધ્યા માટે અતિ આવશ્યક સાઉન્ડ સિસ્ટમની પસંદગી કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી.

સી.બી.ના બાળપણના પરમ મિત્ર શંભુલાલ મણિલાલ ભટ્ટના પુત્ર રાજેશભાઈ ‘બાબાકાકા’એ તો ઉત્સાહપૂર્વક અમારી સાથે રહી ભાદરણ ગામના મહાકાળેશ્વર મંદિરના ઈતિહાસ અને સી.બી.ના બાળજીવન સાથે સંકળાયેલા સ્થળોની મુલાકાત કરાવી તેની માહિતી પણ આપી હતી. કાર્યક્રમના દિવસે પણ ભાદરણના મુખ્ય સ્થળોની વિડિયોગ્રાફીમાં પણ ‘બાબાકાકા’ અમારી સાથે રહ્યા હતા. માયાબહેને સી.બી. પટેલના પરિવાર વતી ભાદરણના નગરદેવી ભદ્રકાળી માતા, મહાકાળી માતા અને મહાકાળેશ્વર મંદિરમાં પાર્વતી માતાની મૂર્તિને સાડી અર્પણ કરવાનો લહાવો લીધો હતો.

માયાબહેને ભોલેનાથની ભક્તિનો રંગ ચડાવ્યો

મહાકાળેશ્વર મંદિરના પરિસરમાં માયાબહેને સૂરીલા કંઠે ભોલેનાથની ભક્તિ દર્શાવતાં ભજનો પીરસ્યાં ત્યારે ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ પણ તેમાં સાથ પુરાવ્યો હતો. આવા લોકસાથથી ગાયકને અને તેમને સંગત આપનારા કળાકારોને પણ તાન ચડે તે સ્વાભાવિક છે. તબલા પર જિજ્ઞેશભાઈ રાવ, ઓક્ટોપેડ પર અજયભાઈ પટેલ અને કી-બોર્ડ પર વિક્રમભાઈ જાનીએ સુશ્રી માયાબહેનની સંગત કરી ચાર ચાંદ લગાવી દીધા હતા. તુષારભાઈ જોશીએ ઘેઘૂર અવાજે ‘ભક્તિતર્પણ’ની પૂર્વભૂમિકા બાંધી તેની પાછળના વિચારની માહિતી આપવા સાથે સીબીના પિતાજી બાબુભાઈ મણીભાઈ પટેલ ‘ગુરુજી’ના જીવનની કથાઓ અને ઘટનાઓનું વર્ણન કર્યું હતું. ભજનસંધ્યામાં ભાદરણના વિશિષ્ટ વ્યક્તિત્વોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

વર્ષો પછી આવો કાર્યક્રમ યોજાયો

ભાદરણ ગામના લોકોએ ‘ભક્તિતર્પણ’ ભજનસંધ્યાના કાર્યક્રમ સંબંધે એવી પ્રતિક્રિયા આપી હતી કે વર્ષો પછી આવો મોટા પાયા પરનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં ઘણી જ મઝા આવી. આ સમયે લોકોએ સી.બી.ના પિતાજી બાબુભાઈ મણીભાઈ પટેલ ‘ગુરુજી’ને ખૂબ યાદ કર્યા હતા. વર્ષો અગાઉ, પૂજ્ય બાબુકાકાએ મહાકાળેશ્વર મંદિરમાં મહારુદ્ર અને તે પછી અતિરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો. તેમણે ગામમાં મંદિર નજીક આવેલો મહામૂલો ભાગોળીઓ કૂવો વેચીને પણ ધામધૂમથી મહાદેવને પ્રસન્ન કરવામાં પાછીપાની કરી ન હતી.

‘ભક્તિતર્પણ’ ભજનસંધ્યામાં પણ લોકો ઉમટ્યાં હતાં. લોકલાગણી એવી હતી કે મંદિરની આરતીના સમયમાં પણ ૩૦ મિનિટ ફેરફાર કરવાની ફરજ પડી હતી. મહાકાળેશ્વરની ઈચ્છા વિના આ શક્ય જ બન્યું ન હોત, પરંતુ મહાદેવ ‘આશુતોષ’ પણ ભક્તજનો દ્વારા ગવાતી પોતાની સ્તુતિથી પ્રસન્ન હતા. આખરે, સાંજના ૭.૩૦ના સુમારે મહાદેવની ભવ્ય આરતી આરંભાઈ હતી અને હાજર લોકોએ તેમાં પોતાનો સૂર પૂરાવી વાતાવરણને ધન્ય બનાવી દીધું હતું. દેવાધિદેવની સાયં આરતી પછી અમને ભગવાનની વિધિવત્ પૂજા કરવાની તક સાંપડી હતી. મંદિર અને સી.બી. પટેલના કૌટુંબિક ગોર શ્રી મધૂસૂદનભાઈના હસ્તે શાસ્ત્રોક્ત પૂજા અને અભિષેકનો લહાવો અમને મળતા જીવન ધન્ય બન્યાની લાગણી થઈ હતી.

મહાકાળેશ્વરના મહાપ્રસાદનો લાભ

‘ભક્તિતર્પણ’ જેવી ભજનસંધ્યા હોય, શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ હોય અને મહાપ્રસાદનો લાભ ન લેવાય તે બની જ કેવી રીતે શકે? ભૂદેવો સહિત ગામના ૪૫૦ જેટલા શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદ આરોગ્યો હતો. મહાપ્રસાદમાં લાડુ, દાળ, ભાત, પૂરી, બટાકાનું રસાદાર શાક, વાલ અને ભજિયાં મુખ્ય હતા. મહાપ્રસાદ પીરસવામાં પણ ગામલોકોએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ તમામ વ્યવસ્થામાં શ્રી દર્શિતભાઈ પટેલ, પૂજારી જગદીશભાઈ, રાજેશભાઈ ‘બાબાકાકા’નું પ્રદાન નોંધનીય રહ્યું હતું.

ઉલ્લેખનીય તો એ છે કે ભાદરણ ગામના લોકો પણ આ ભક્તિતર્પણ કાર્યક્રમ પોતાનો જ હોય તેમ ખડે પગે રહ્યાં હતાં. સફળ ‘ભક્તિતર્પણ’ ભજનસંધ્યા પછી ભોલેનાથની જય બોલાવવા સાથે અમે પણ રાતના ૧૦.૦૦ના સુમારે અમદાવાદ જવા પ્રયાણ કર્યું ત્યારે સમય અને તક મળે ફરી આવીશું તેવો વિચાર પણ સર્વના મનમાં ઘોળાતો હતો.

અસ્તુ, જય મહાકાળેશ્વર

--------------------

ભજનસંધ્યામાં સન્માનિત મહાનુભાવો

હિતેનભાઈ કૃષ્ણપ્રસાદ પટેલ

હિતેશભાઈ સતીશભાઈ પટેલ

સંજયભાઈ જયંતિભાઈ પટેલ

પ્રાણજીવનભાઈ મગનભાઈ પટેલ

બીમલભાઈ શશીકાંતભાઈ પટેલ

જીતુભાઈ મગનભાઈ પટેલ

મહેશભાઈ ગોરધનભાઈ પટેલ

નરેશભાઈ રમણભાઈ પટેલ

દર્શિતભાઈ મહેન્દ્રભાઈ પટેલ

રાજેશભાઈ (બાબાભાઈ) શંભુભાઈ ભટ્ટ

પીકેશ ચંદ્રકાન્તભાઈ પટેલ

જગદીશભાઈ મણીભાઈ પટેલ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter