ભારત-ઇયુ વચ્ચે મહિનાના અંત સુધીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશેઃ જર્મન ચાન્સેલર

Thursday 15th January 2026 15:35 EST
 
 

ગાંધીનગરઃ ભારતના બે દિવસના પ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સોમવારે મહાત્મા મંદિરમાં દ્વિ-પક્ષીય બેઠક યોજાઇ હતી. મહાત્મા મંદિરમાં ઈન્ડો-જર્મની સીઇઓ ફોરમમાં આર્થિક, ટેકનોલોજી તેમજ સંરક્ષણ જેવા વિષયોમાં પરસ્પર સહકારના સમજૂતી કરાર બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મની. ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર થયો હોવાનું જણાવતાં આ ભાગીદારી માત્ર આર્થિક નહિ, પરંતુ વૈશ્વિક શાંતિ તેમજ સ્થિરતા માટે પ્રતિબધ્ધ રાષ્ટ્રો હોવાનું કહ્યું હતું.
ચાન્સેલર મર્ઝે ભારત અને યુરોપિયન યુનિયન (ઇયુ) વચ્ચે ફી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) આ મહિનાના અંતે થશે તેવી જાહેરાત કરી હતી. ચાન્સેલર મર્ઝે જર્મની ભારત સાથેના સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવા માંગે છે તેમ કહેતાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ પોતાના ગૃહ રાજ્યમાં અમને આમંત્રણ આપ્યું તે માટે અમે આભારી છીએ. હું તેમને જર્મનીનું આમંત્રણ આપું છું. આ મહિનામાં ઈન્ડો-ઇયુ સમિટ મળી રહી છે જેમાં એફટીએ ભારતના પક્ષમાં રહે તેના માટે પ્રયાસ કરીશું.
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં ભારતીય નાગરીકો માટે જર્મનીએ ટ્રાન્ઝિટ વિઝા ફી રદ કરવાની જાહેરાત કરી તે માટે ચાન્સેલર મર્ઝનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ભારતમાં બે હજારથી વધુ જર્મન કંપનીઓ છે, જે ભારતમાં જર્મનીના અતુટ વિશ્વાસ અને અનંત સંભાવનાને પ્રતિબિંબિત કરે છે. બંને દેશો રિન્યુએબલ અનર્જી ક્ષેત્રે સમાન પાથમિકતા ધરાવે છે. જેમાં સહયોગ વધારવા ભારત- જર્મની સેન્ટર ઓફ એકસેલન્સ સ્થાપવાનું નક્કી કર્યું છે. ઘાના, કેમરુન, માલાવી જેવા દેશોમાં આપણે સાથે મળીને શરૂ કરેલા પ્રોજેક્ટ સાથેની આપણી ત્રિપક્ષીય વિકાસ ભાગીદારી વિશ્વ માટે એક સફળ મોડેલ છે.
વડાપ્રધાન મોદીના ઉષ્માભર્યા આવકાર બાદ ચાન્સેલર મર્ઝે જણાવ્યું હતું કે, જર્મનીમાં 60 હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે, જે વિદેશી વિદ્યાર્થીઓનો સૌથી મોટો સમુહ છે. અમારે હજી સ્કિલ્ડ લેબરની જરૂર છે. હું આશા રાખું છું કે ભારતમાં જર્મની ભાષાને શિખવાડવામાં આવે. હાલમાં વિશ્વ ભૌગોલિક રાજકીય તણાવ અને સંઘર્ષોનો સામનો કરી રહ્યું છે. આ અનિશ્ચિત સમયમાં ભારત- જર્મની વચ્ચેની ભાગીદારી એક વ્યૂહાત્મક સંપત્તિ એટલે કે દુનિયા મુશ્કેલીમાં હોય તો આ મિત્રતા બંને દેશો માટે સ્થિરતાનો મજબૂત આધાર બની રહે. અમે ભારતને સુરક્ષિત અને સ્થિતિ સ્થાપક સપ્લાય ચેઈન તરીકે જોઈ રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય વાતાઘાટો દરમિયાન 12 સમજૂતી કરાર થયા હતા. જેમાં ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોભાલ સહિતના ઉચ્ચાધિકારીઓ, જર્મન રાજદૂત સહિતના ડેલિગેટ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter