ભારત-પાક. સંબંધ અહિંસાથી સુધરશેઃ જૈન મુનિ

Wednesday 31st May 2023 14:26 EDT
 
 

લાહોરઃ આઝાદી બાદ પહેલીવાર કોઈ જૈન મુનિ પાકિસ્તાનના પ્રવાસે પહોંચ્યા છે. હાલ પાકિસ્તાનમાં કોઈ જૈન નથી, તેમ છતાં સેંકડો લોકો જૈન મુનિનું સ્વાગત કરી રહ્યા છે. 18 સભ્યોના ગ્રૂપ સાથે પાકિસ્તાન પહોંચેલા આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજે કહ્યું કે અહિંસાથી જ ભારત-પાક. સંબંધો સુધરી શકે છે. અહિંસા દુનિયાના તે તમામ દેશોને નજીક લાવી શકે છે જેઓના સંબંધોમાં ખટાશ છે, પરંતુ રાજનીતિ કરનારા આમ ઇચ્છતા નથી.
જૈન મુનિએ પાકિસ્તાનનાં બે શહેર લાહોર અને ગુજરાનવાલાની યાત્રા કરી છે. તેઓ પહેલા લાહોર અને પછી ગુજરાનવાલા પહોંચ્યા હતા. તેમની યાત્રાના પગલે લાહોરના જૈન મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. પંજાબ પોલીસના કમાન્ડો દ્વારા આકરી તપાસ કર્યા પછી જ લોકોને જૈન મુનિની મુલાકાત માટે મંજૂરી અપાય છે.
આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે કહ્યું કે હું જે હેતુથી લાહોર આવ્યો હતો તે સફળ રહ્યો છે. મેં લાહોર મ્યુઝિયમની મુલાકાત લીધી. જ્યાં મારા ગુરુ આત્મારામ મહારાજનાં ચરણસ્પર્શ કરવા માંગતો હતો. મારું એ સપનું સાકાર થયું છે.
આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજને મળવા પેશાવરની ઈસ્લામિયા યુનિવર્સિટી કાયદે આઝમ યુનિવર્સિટી ઈસ્લામાબાદ ઉપરાંત મુલ્તાન બહાવલપુર, કરાચી અને લાહોરથી પણ ઘણા લોકો આવ્યા છે. જૈન મુનિએ કહ્યું કે હું ત્રણ દિવસ ગુજરાનવાલામાં રહીશ. હું અહીં એટલા માટે રહેવા માંગુ છું કારણ કે મારા ગુરુએ તેમનો અંતિમ સમય અહીં વિતાવ્યો હતો. આ વર્ષ આત્મારામ મહારાજની 175મી પુણ્યતિથિનું વર્ષ છે. આવી સ્થિતિમાં અહીં પૂજા કરવી મારા માટે સન્માનની વાત છે.
આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજે લાહોરમાં જૈન મંદિરના પુનર્નિમાણ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ કામ વધારે સારી રીતે થઈ શકતું હતું. નવું મંદિર ઓછામાં ઓછું જૈન મંદિર જેવું તો દેખાવું જોઈએ. પત્રકાર ઝાહિર મેહમૂદ કહે છે કે મુનિનો અસંતોષ વ્યાજબી છે. જૂના મંદિરનું શિખર ખૂબ જ સુંદર હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter