ગાંધીનગરઃ દેશના કુલ સોલાર રૂફટોપ પ્લાન્ટના ૬૪ ટકા પ્લાન્ટ એટલે કે બે તૃતિયાંશ ગુજરાતમાં જ લાગ્યા હોવાના અહેવાલ છે. કેન્દ્રિય ઉર્જા પ્રધાન આર. કે. સિંઘે પણ તાજેતરમાં સંસદમાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.
દેશમાં બીજી માર્ચ, ૨૦૨૦ સુધીમાં ૭૯૯૫૦ સોલાર રૂફટોપ પ્લાન્ટ નંખાયા તેમાં ગુજરાતમાં સૌથી વધુ ૫૦૯૧૫ પ્લાન્ટ સ્થપાયા છે. રાજ્યમાં ૫૦૯૧૫ ઘર વપરાશના સોલાર રૂફટોપ સિસ્ટમ નંખાઈ તેમાં ૧૭૭.૬૭ મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ નંખાયા છે. દેશમાં સોલાર રૂફટોપ માટે ૭૯૯૫૦ ગૃહ વપરાશકારોએ આ સમયમાં ૩૨૨ મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ પ્લાન્ટ કેન્દ્રીય નાણાંકીય સહાય મેળવીને સ્થાપિત કર્યાં છે તેમાં ગુજરાત પ્રથમ અને બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. ઉલ્લેખનીય છે કે, ‘સૂર્ય ગુજરાત’ સોલાર રૂફટોપ યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ૮ લાખ જેટલા રહેણાક હેતુના વીજગ્રાહકોને આવરી લેવાશે.