ભારતની આર્થિક સ્થિતિ ગંભીર, પરંતુ દેશમાં મૂડીરોકાણ કરવાની શાનદાર તક: અદાણી

Friday 12th June 2020 07:01 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે ભારતના અર્થતંત્ર પર ખૂબ ખરાબ પ્રભાવ પડયો છે. ઇન્ટરનેશનલ રેટિંગ એજન્સી મૂડીઝે રેટિંગ ઘટાડી દીધા પછી રોકાણકારો સામે અનેક સવાલો ઊભા થયા છે. જોકે ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મતે ભારતમાં અત્યારે જ મૂડીરોકાણ કરવાની શાનદાર તક છે.
ગૌતમ અદાણીનું કહેવું છે કે ભારતમાં મૂડીરોકાણ કરીને દાવ લગાવવાનો આનાથી સારો સમય કદી નહીં આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો થયો હોવા છતાં ભારત કન્ઝમ્પશન સેન્ટર બની રહેશે.
તેમણે એમ પણ કહ્યું કે આવનારા દાયકાઓ સુધી ભારત મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીઝના મોરચે વિશ્વનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.
વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ઘટીને ૪.૨ ટકા થઈ ગયો છે. આર્થિક વૃદ્ધિદર દાયકાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે.
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાનું પણ અનુમાન છે કે કોરોના વાઇરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વર્તમાન વર્ષમાં પણ આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો નોંધાયો છે.

‘જીવન અને નોકરીઓ પર સંકટ આવ્યું છે’

અદાણી ગેસ લિમિટેડના વાર્ષિક અહેવાલમાં અદાણીએ આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘આપણે એ સમજવું પડશે કે કોઈ પણ વિચાર સંપૂર્ણ રીતે સાચો કે ખોટો ના હોઈ શકે. આજના સંકટના સમયમાં એવી સરકારની જરૂર છે કે જે ઉપલબ્ધ માહિતીના આધારે નિર્ણયો લઈ શકે. નવી માહિતી મળતાં તેની સાથે અનુકૂલન પણ સાધે.’ અદાણીએ જણાવ્યું હતું કે મહામારીને કારણે બિઝનેસ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. જીવન અને નોકરીઓ પર સંકટ આવ્યું છે. પ્રવાસી શ્રમિકો પરના સંકટથી સમગ્ર દેશ દુઃખી છે. જોકે આ સંકટની ઘડીમાં સમગ્ર દેશના નેતાઓ, તબીબો, આરોગ્યકર્મી, પોલીસ, સૈન્ય, ફેરિયા અને નાગરિકોએ જે રીતે એકબીજાને સાચવવા પ્રયાસ કર્યો છે તે પ્રશંસનીય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter