અમદાવાદ: ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર તરીકેનો દરજ્જો અમદાવાદને મળી ગયો છે. યુનેસ્કો દ્વારા ગુજરાત સરકારને સત્તાવાર રીતે અમદાવાદ હેરિટેજ સાઈટ હોવાનું સર્ટિફિકેટ અપાયું છે. આ પહેલા જુલાઈ મહિનામાં પોલેન્ડના ક્રાકોવ શહેરમાં ‘યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફીક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો)’ની હેરિટેજ સમિતિની ૪૧મી બેઠક મળી હતી. તેમાં અમદાવાદ સહિત ભારતની બે સાઈટને હેરિટેજ જાહેર કરવાની મંજૂરી મળી હતી. ભારતની બીજી સાઈટ ઓડિશામાં આવેલું ભીતરકનીકા નેશનલ પાર્ક છે.
અમદાવાદ હેરિટેજ જાહેર થવાનું એક કારણ તેનું સ્થાપત્ય વૈવિધ્ય છે. અહીં કર્બુઝિયરથી માંડીને ચાર્લ્સ કોરિયો સહિત જગતના ઉત્તમોત્તમ આર્કિટેક્ચરોએ કામ કર્યું છે. અમદાવાદ કર્ણદેવ વાઘેલાનું શહેર હતું. એ વખતના હિન્દુ આર્કિટેક્ચરનો હિન્દુ મંદિરોમાં ઉપયોગ થતો હોય છે. એ પછી અમદાવાદમાં મુસ્લિમ શાસકો, મરાઠા, મોગલ, બ્રિટશરો સહિતે રાજ કર્યું. પરિણામે અમદાવાદના સ્થાપત્ય પર વિવિધ સંસ્કૃતિની અસર છે. તેથી અમદાવાદને વૈવિધ્યસભર સ્થાપત્ય મળવાથી તે હેરિટેજ શહેર બન્યું છે.
અમદાવાદના સ્થાપત્યના પ્રકાર
- હિન્દુ આર્કિટેક્ચર: મંદિર, વાવ
- જૈન-રાજપૂત: હઠીસિંહના દેરા
- ઈસ્લામિક: સીદી સૈય્યદની જાળી
- મરાઠા આર્કિટેક્ચર: ભદ્રનો કિલ્લો
- કોલોનિયલ: ટાઉન હોલ, વિક્ટોરિયા ગાર્ડન
- મોર્ડન: ગાંધી આશ્રમ, આઈઆઈએમ
- ફ્યુચર આર્કિટેક્ચર: ગાંધીનગરનું ગિફ્ટ સિટી


