ભારતને વિશ્વગુરુનું સ્થાન અપાવવું હશે તો કોબા જેવા કેન્દ્રોનું અનન્ય યોગદાન હશેઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

Wednesday 16th October 2019 06:02 EDT
 
 

અમદાવાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તાજેતરમાં રાજ્યની બે દિવસીય મુલાકાત લીધી હતી. રવિવારે રાષ્ટ્રપતિએ મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબામાં આચાર્ય કૈલાસસાગરસૂરી જ્ઞાાનમંદિરની તેમજ રાયસણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની પણ મુલાકાત લીધી હતી. રવિવારે સવારે ૧૧ કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ગાંધીનગર નજીક આવેલા કોબામાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે આગમન થયું હતું. તેઓએ રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના દર્શન તથા સત્સંગનો લાભ લીધો હતો. આ ઉપરાંત કોબામાં આવેલા જ્ઞાનતીર્થ આચાર્ય કૈલાસસાગરસૂરીજી, કલાતીર્થ સમ્રાટ સંપતિ સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી.
રાષ્ટ્રપતિએ ૧૫ કરોડ ૫૧ લાખ જાપથી અભિમંત્રિત સરસ્વતી માતાના દર્શન કરી તેમના ચરણોમાં શ્રદ્ધાસ્વરૂપે ભેટણું પણ ધર્યું હતું. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભારતને વિશ્વગુરુનું સ્થાન ફરીથી અપાવવું હશે તો ભારતના વારસાના આવા જ કેન્દ્રોનું મોટું યોગદાન હશે.

આવા કેન્દ્રોમાં જ ભારતીય સંસ્કૃતિની સાચી સમજ સચવાયેલી છે. મહાવીર જૈન આરાધના કેન્દ્ર નહીં પણ ખરા અર્થમાં ભારત આરાધના કેન્દ્ર છે. રાષ્ટ્રપતિએ રાષ્ટ્રસંતને કહ્યું કે, આપ તો વિશ્વગુરુ છો અને મારાથી આપને કાંઇ કહેવાય નહીં. છતાં મારો ભારપૂર્વક આગ્રહ છે કે આ વારસો માત્ર થોડાક લોકો સુધી મર્યાદિત ન રહેતા આખા વિશ્વને તેની જાણ થાય અને તેમને પણ આ વારસાનો લાભ મળે તેવું કાર્ય આપણે કરવું જોઇએ. રાષ્ટ્રપતિ સાથે તેમનાં પત્ની, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે તેમના પત્ની, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાથેના તેમના ૨૫ વર્ષ જૂના સંસ્મરણો તાજા કર્યાં હતાં. રામનાથ કોવિંદ ૧૯૯૪માં રાજ્યસભાના સભ્ય હતા ત્યારે રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરજી સાથે તેમનો પ્રથમ પરિચય થયો હતો.

હીરાબાએ રાષ્ટ્રપતિને રેંટિયો ભેટ આપ્યો

રાષ્ટ્રપતિ કોવિંદે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એકસાથે રાયસણ સ્થિત નિવાસસ્થાને વડા પ્રધાન મોદીનાં માતા હીરાબાની મુલાકાત લીધી હતી. હીરાબાએ રાષ્ટ્રપતિનું ગાંધીચરખો, ખાદીની શાલ અને ગીતાના પુસ્તકથી સ્વાગત કર્યું હતું. હીરાબા સાથે રાષ્ટ્રપતિએ અડધો કલાક જેટલો સમય વિતાવ્યો હતો. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ મુલાકાત એકદમ અંગત હતી એટલે ત્યાં ચુસ્ત બંદોબસ્ત હતો. હીરાબા સાથે રાષ્ટ્રપતિ દસ જેટલા બાળકોને પણ મળ્યા હતા. બાળકોએ રાષ્ટ્રપતિને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિએ ફૂલ સ્વીકારીને બાળકોને પરત કરીને આશીર્વચન આપ્યા હતા. આ પછી રાષ્ટ્રપતિ કોળી સમાજના કેટલાક આગેવાનોને પણ મળ્યા હતા. જોકે, આ મુલાકાત સામાજિક મુલાકાત જેવી જ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter