ભારતમાં આવેલા સિંધીઓને સરદાર પટેલે આત્મનિર્ભર બનવા પ્રેર્યા હતા

Saturday 19th December 2020 02:13 EST
 
 

અમદાવાદઃ ૧૫ ડિસેમ્બરે સરદાર પટેલની પૂ્ણ્યતિથિ અને ૧૮ ડિસેમ્બર ઈન્ટરનેશનલ માઈગ્રેન્ટસ ડે છે ત્યારે એ જાણવુ રસપ્રદ છે કે અમદાવાદ અને દેશના વિવિધ ભાગોમાં હિજરતીઓને સમાવિષ્ટ કરવા માટે સરદાર પટેલની ભૂમિકા કેટલી મહત્ત્વની રહી હતી. આ અંગે ભારતીય સિંધુ સભાના અમદાવાદના અધ્યક્ષ ડો. અનિલ ખત્રીએ ઓછી જાણીતી વાતો કહી હતી.
૧૯૪૭માં બૃહદ ભારતનું વિભાજન લાખોની હિજરત, અત્યાચાર, કરુણાંતિકા ને કલ્પાંતનું નિમિત્ત બન્યું હતું. ૧૯૪૮ના પહેલા છ મહિનામાં ૧૦ લાખ સિંધી પાકિસ્તાનથી હિજરત કરી ભારત આવ્યા ને ૪ લાખ સિંધી સિંધમાં જ રહી ગયા હતા. સિંધના લોકોને ભારત લાવવામાં અને પુનર્વસનમાં સરદાર પટેલની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહી છે.
સરદાર પટેલે પાકિસ્તાની નેતાઓ સાથે સંવાદ કરીને બોર્ડર વિસ્તારમાં પ્રવાસ કરી મોટા પાયે થતી હિંસા અટકાવી શાંતિ સ્થાપી હતી. તેમણે હિંસા ન ભડકે તે હેતુથી પાકિસ્તાનમાં થતા અત્યાચારના પ્રેસ રિપોર્ટ જાહેર ન થવા દીધા હતા.
પાકિસ્તાનથી આવેલા ઘણા સિંધી પરિવારો અમદાવાદના કૂબેરનગર તથા સરદારનગરમાં વસવા લાગ્યા. આ વિસ્તારની સૈન્ય બેરેકો અને રેફ્યુજી કેમ્પના માધ્યમથી તેને સ્થાયી થવામાં મદદ મળી. પૂનર્વસનમાં સરદાર પટેલનો સિંહફાળો હતો. એમની સાથે મિત્ર લાલાકાકા પણ દિવસ-રાત કામે લાગ્યા હતા. તેમણે અનેક સિંધીને નાના-મોટા વ્યાપાર તથા રેલવે સ્ટેશને ફેરી કરવાનું સૂચવી આત્મનિર્ભર બનવા પ્રેર્યા હતા.
ડો. ખત્રીના જણાવ્યા મુજબ સરદાર પટેલની અધ્યક્ષતામાં ‘દિલ્હી ઈમરજન્સી કમિટી’ રચીને તમામ જ્ઞાતિના લોકોને ન્યાયપૂર્વક પુનર્વસનની તક આપી હતી. સિંધી સમાજ માટે ત્યાં સરદારનગર વિસ્તાર રચાયો હતો. આજે ભારતમાં સિંધીઓની વસતી આશરે ૧.૫ કરોડ છે. ભારતના તત્કાલીન મહાનગરોના રેફ્યુજી કેમ્પસમાં વસેલા સિંધી લોકો આજે ભારતના લગભગ તમામ મોટા શહેરોમાં વસે છે અને પોતાની વસાહતની એકાદ સોસાયટીનું નામ ‘સરદારનગર’ જરૂર રાખે છે. એક અંદાજ મુજબ ભારતભરમાં આવા ૫૦ ‘સરદારનગર’ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter